ભાજપે પ.બંગાળ જીતવા કમર કસીઃ શાહ-નડ્ડા દર મહિને બંગાળની મુલાકાત લેશે

0
20
Share
Share

કલકત્તા,તા.૨૦

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ જીતવા માટે ભાજપે કમર કસી લીધી છે.ભાજપે પશ્ચિમ બંગાળમાં કોઈ પણ ભોગે ૨૦૦ કરતા વધુ બેઠકો જીતવાનુ ટાર્ગેટ નક્કી કર્યુ છે.

આ માટે બંગાળને પાંચ વિભાગોમાં વહેંચીને દરેક વિભાગની કમાન એક અનુભવી નેતાને સોંપી દીધી છે. બીજી તરફ ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના પ્રમુખ જે પી નડ્ડા દર મહિને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે તેવુ નક્કી કરાયુ છે. બંગાળના પાંચ વિભાગોમાં ભાજપે સુનિલ દેવધર, વિનોદ તાવડે, દુષ્યંત ગૌતમ, હરીશ દ્વિવેદી અને વિનોદ સોનકરને પ્રભારી બનાવ્યા છે. આ તમામ નેતાઓ બંગાળ પહોંચી ગયા છે.

સુનીલ દેવધર એ નેતા છે જેમણે બે વર્ષ પહેલા ત્રિપુરામાં ડાબેરીઓનો ગઢ ધ્વસ્ત કરીને ભાજપને સત્તા પર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દરેક વિધાનસભા બેઠકનુ એનાલિસિસ શરુ કરી દેવાયુ છે અને એ પછી તેનો રિપોર્ટ ભાજપના ટોચના નેતૃત્વને સોંપવામાં આવશે.

ભાજપનુ કહેવુ છે કે, અમિત શાહ અને જે પી નડ્ડા પક્ષની કામગીરી પર નજર રાખવા માટે દર મહિને બંગાળનો પ્રવાસ કરશે અને તેનાથી કાર્યકરોનો ઉત્સાહ પણ વધશે તેમજ પાર્ટીની પકડ મજબૂત થશે.એટલુ જ નહી મમતા બેનરજીના એક સમયના નજીકના નેતા મુકુલ રોય પણ હવે ભાજપમાં છે અને ભાજપ તેમની પણ મદદ લઈ રહ્યુ છે.

ભાજપે ગયા વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીમાં ૪૨માંથી ૧૮ બેઠકો પર વિજય મેળવીને મમતા બેનરજીને મોટો આંચકો આપ્યો હતો.હવે ભાજપ મમતા બેનરજીનો ગઢ ધ્વસ્ત કરવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here