ભવિષ્યમાં કેસો ક્યાં વધશે તે કહી ના શકાય : રુપાણી

0
19
Share
Share

રાજકોટ અને વડોદરામાં કેસો વધી રહ્યા હોવાનું જણાવતા રુપાણીએ કહ્યું ગ્રામ્ય કરતા શહેરમાં સંક્રમણનો વધુ ભય

વડોદરા, તા.૨૯

દેશભરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ સારી હોવાનો દાવો સીએમ રુપાણીએ કર્યો છે. આજે ઉચ્ચ અધિકારીઓ તેમજ ડે. સીએમ નીતિન પટેલ સાથે રાજકોટ પહોંચેલા સીએમ રુપાણીએ કહ્યું હતું કે કોરોનાનો મૃત્યુદર પણ રાજ્યમાં ઘટ્યો છે. આ સિવાય કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદ અને સુરતમાં પણ સ્થિતિ કાબૂમાં હોવાનો સીએમે દાવો કર્યો હતો. હવે રાજકોટ અને વડોદરામાં કેસ વધી રહ્યા છે તેમ જણાવતા રુપાણીએ કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ શહેરોમાં વધુ કેસો આવી રહ્યા છે, ત્યારે રોગચાળા પર કાબૂ મેળવવા માટે સરકાર માઈક્રો લેવલે પ્લાનિંગ કરાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના સંપૂર્ણપણે નષ્ટ થયો છે તેવું તો ના કહી શકાય, અને આગામી સમયમાં ક્યાં-ક્યાં કેસ વધશે તે પણ કહી ના શકાય. અમેરિકાનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે વિકસિત દેશો પણ કોરોના સામે ઝઝૂમી રહ્યા છે. સીએમે કહ્યું હતું કે, લોકોનો વિશ્વાસ જળવાઈ રહે, ગભરાઈ ના જાય તો જ કોરોના સામેની લડાઈને જીતી શકાશે. અમદાવાદનો દાખલો આપતા રુપાણીએ કહ્યું હતું કે જ્યાં કેસો સૌથી વધુ હતા ત્યાં હવે કાબૂ મેળવી લેવાયો છે. અમદાવાદમાં કોરોના સામે જે કામગીરી કરાઈ તેની ચર્ચા હાલ આખા દેશમાં થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે પણ તેની નોંધ લીધી હોવાનું સીએમે કહ્યું હતું. રુપાણીએ એમ પણ જણાવ્યું હતું કે એક સમયે કેરળે કોરોના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે તેવા દાવા થતા હતા, આજે ત્યાં દસ હજારથી વધુ એક્ટિવ કેસ છે, અને તે મોડેલ સ્ટેટ નથી રહ્યું. તેમણે કહ્યું હતું કે કોરોનાથી સાજા થઈ જનારા વ્યક્તિને ફરી તેનો ચેપ નથી લાગતો. રાજ્યમાં ટેસ્ટિંગ વધ્યું હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે હાલ રોજના ૨૨,૦૦૦ ટેસ્ટ થઈ રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here