ભરૂચ,તા.૨૩
રાજ્યમાં મનપાની ચૂંટણીનો જંગ સમાપ્ત થઈ ગયો છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન થવાનું છે. દરમિયાન તાલુકા પંચાયતના પ્રચારમાં ભરૂચના જંબુસર તાલુકામાં ગુજરાતી અભિનેત્રીએ ચૂંટણીના પ્રચારમાં જોડાતા વીડિયો વાયરલ થયો છે. જંબુસરના ભાજપના ઉમેદવારના પ્રચારમાં અભિનેત્રીએ ડાન્સ કરીને મંચ પરથી ઠુમકા લગાવતા વીડિયો વાયરલ થયો છે. લોકો આ અભિનેત્રીને જોવા માટે ટોળે વળતા સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા વળ્યા હતા. પ્રાપ્ત અહેવાલો અનુસાર જંબુસર તાલુકા પંચાયતની ઉચ્છદ બેઠકના ઉમેદવારે એક જંગી સભા યોજી હતી.
તેની સભામાં અભિનેક્ષી મમતા ચૌધરી જોડાઈ હતી અને રેલી કાઢવામાં આવી હતી. ઉમેદવાર નીતિન પટેલની રેલીમાં મતદારોને રિજવવા માટે મમતા પાસે ઠુમકા લગાવવામાં આવ્યા હતા. શિસ્તબદ્ધ ગણાતી ભાજપના પક્ષની રેલીમાં આ અભિનેત્રીના ડાન્સે આકર્ષણ જમાવ્યું હતું. મમતા ચૌધરીએ જે પ્રકારે ડાન્સ કર્યો હતો એ પ્રકારના ડાન્સ ઉત્તર પ્રદેશ બિહાર, હરિયાણા અને અન્ય કેટલાક રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ચલણમાં છે. સપના ચૌધરી આ પ્રકારના ડાન્સ કરવા માટે જાણીતા અભિનેત્રી છે.
ગુજરાતના મંચ પર આ રપ્રકારના કાર્યક્રમો જોવા મળતા નથી ત્યારે હવે નેતાઓ મતદારોને રિઝવવા માટે અભિનેત્રીઓનાં ઠુમકા લગાવવા પણ જાણે મજબૂર બન્યા હોય તેવી સ્થિતિ છે. ગામડાની પ્રજા મમતા ચૌધરીને જોવા માટે મોટી સખ્યામાં આવી હતી. લોકોએ પોતાના મોબાઇલમાં વીડિયો શુટ કરી અને તેની મજા માણી હતી. જોકે, આ બધાની વચ્ચે કોરોના ગાઇડલાઇનના ચીથરા ઉડી ગયા હતા.