ભગવાન જગન્નાથે ભાવિકો વિના પુરીમાં નગરયાત્રા કરી

0
17
Share
Share

તમામ ધાર્મિક વિધિઓ પુરીના શંકરાચાર્યની હાજરીમાં યોજાઈ, રથ ગુંડિચા મંદિરે પહોંચ્યા : ૭ દિવસે પરત ફરશે

પુરી, તા. ૨૩

રથયાત્રાનો પ્રથમ તબક્કો પુરો થયો છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ ગુંડિયા મંદિરે પહોંચી ગયા છે. હવે અગામી ૭ દિવસ સુધી ભગવાન અહીં જ રહેશે. રથ ઉત્સવ અહીં જ મનાવવામાં આવશે. પહેલી જુલાઈએ ભગવાન જગન્નાથ આ જ રથમાં બેસીને મુખ્ય મંદિરે પહોંચશે. તેને બહુડા યાત્રા કહેવામાં આવે છે. જગન્નાથ પુરીમાં બપોરે ૧.૫૦ વાગ્યે ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષ ખેંચવામાં આવ્યો. તે પહેલા ૧૨.૧૦ વાગ્યે રથ તાલધ્વજ ખેંચવામાં આવ્યો. ભગવાન જગન્નાથના ભાઈ બલભદ્રના કાળા ઘોડા સાથે જોડાયેલો તાલધ્વજ મંદિરના સેવકોએ ખેંચવાનો શરૂ કર્યો. ગ્રાંડ રોડ પર સૌથી આગળ આ રથ હતો. પછી લગભગ ૧૨.૫૦ વાગ્યે દેવદલન રથને ખેંચવામાં આવ્યો. તે સુભદ્રાજીનો રથ છે. આ પહેલા સવારે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા દેવીને ગર્ભગૃહમાંથી લાવીને રથોમાં બિરાજીત કરવામાં આવ્યા. પુરી શંકરાચાર્ય સ્વામી નિશ્ચિલાનંદ સરસ્વતી અને ગજપતિ મહારાજ દિબ્યસિંહ દેબ પણ પૂજન કરવા પહોંચ્યા હતા. પૂજન બાદ પુરીના ગજપતિ મહારાજે સોનાની સાવરણીથી જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરી કરી હતી. ૨૫૦૦ વર્ષથી વધુ જુની રથયાત્રાના ઈતિહાસમાં પ્રથમ વખત એવી બનશે કે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે પરંતુ ભક્તો ઘરોમાં બંધ હશે. કોરોના મહામારીના કારણે પુરી શહેરને સંપૂર્ણ લોકડાઉન કરીને રથયાત્રાને મંદિરના ૧૧૭૨ સેવક ગુંડિચા મંદિર સુધી લઈ ગયા. ૨.૫ કિમીની આ યાત્રા માટે મંદિર સમિતિએ દિલ્હીના દ્વારે પણ જવું પડ્‌યું હતું. સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ પછી, મંદિર સમિતિ સાથેની અનેક સંસ્થાઓએ સરકારને રથયાત્રા માટે ફરીથી પ્રયાસ કરવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં ૬ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ચુકાદો આખરે મંદિર સમિતિની તરફેણમાં આવ્યો અને પુરી શહેરમાં ઉત્તેજનાની લહેર ફેલાઈ ગઈ હતી. ચુકાદો આવતાની સાથે જ સેવકો મંદિરની સામે ઉભા રથને ખેંચીને મંદિરની સામે લાવ્યા. મંગળવારે રથયાત્રા પૂરી કરીને ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે માસીના ઘર મુખ્ય મંદિરથી અઢી કિમી દૂર ગુંડિચા મંદિર પહોંચ્યા હતા. શહેરમાં ૯ દિવસ ઉત્સવ ઉજવવામાં આવશે. મંદિર સમિતિ પહેલા જ નક્કી કરી ચુકી છે કે, ઉત્સવ દરમિયાન લોકોને આ બંને મંદિરોથી દૂર રાખવામાં આવશે. પુરી લોકડાઉન હટાવવામાં આવ્યા પછી પણ ધારા ૧૪૪ લાગુ રહેશે. ભગવાન જગન્નાથનો રથ ૧૫ દિવસ મોડો બનવાનો શરૂ થયો હતો, પરંતુ કારીગરોએ ઓછા સમયમાં વધુ કામ કરીને રેકોર્ડ ૪૦ દિવસમાં કામ પૂરું કર્યું હતું. ભગવાન જગન્નાથ માટે જગન્નાથ મંદિરમાં ૭૫૨ ચૂલા ઉપર ખાવાનું બનાવવામાં આવે છે. તે વિશ્વના સૌથી મોટા રસોડાનો દરજ્જો ધરાવે છે. અહીંના ચૂલા રથયાત્રાના નવ દિવસ માટે ઠંડા થઈ જાય છે. ગુંડિચા મંદિરમાં ૭૫૨ ચૂલા ઉપર રસોઈ થાય છે. જેને જગન્નાથના રસોડાની પ્રતિકૃતિ માનવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન ભગવાન માટે ખાવાનું અહીં બનાવવામાં આવશે. ભગવાન જગન્નાથનો રથ- તેના ત્રણ નામ છે- ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે. ૧૬ પૈડાવાળા આ રથ ૧૩ મીટર ઉંચા હોય છે. રથના ઘોડાનું નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે. તે સફેદ રંગના હોય છે. સારથીનું નામ દારુક છે. રથ પર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે. રથ પર રક્ષાનું પ્રતીક સુદર્શન સ્તંભ પણ હોય છે. આ રથના રક્ષક ગરુડ છે. રથની ધ્વજાને ત્રિલોક્યવાહિની કહેવામાં આવે છે. રથના દોરડાને શંખચૂડ કહે છે. તેને સજાવવામાં લગભગ ૧૧૦૦ મીટર કાપડ વપરાય છે. બલભદ્રના રથનું નામ તાલધ્વજ છે. રથ પર મહાદેવજીનું પ્રતીક હોય છે. તેના રક્ષક વાસુદેવ અને સારથી માતલિ છે. રથના ધ્વજને ઉનાની કહે છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ધશર્મા અને સ્વર્ણનાવા તેના ઘોડા છે. તે ૧૩.૨ મીટર ઉંચો અને ૧૪ પૈડા હોય છે. લાલ, લીલા રંગના કપડા અને લાકડીના ૭૬૩ ટુકડાથી બનેલો હોય છે. રથના ઘોડા લીલા રંગના હોય છે. સુભદ્રાના રથનું નામ દેવદલન છે. રથ પર દેવી દુર્ગાનું પ્રતીક મઢવામાં આવે છે. તેના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન છે. રથના ધ્વજને નદંબિક કહેવામાં આવે છે. રોચિક, મોચિક, જીતા અને અપરાજિત તેના ઘોડા છે. તેને ખેંચનારી દોરીને સ્વર્ણચૂડા કહે છે. ૧૨.૯ મીટર ઉંચો અને ૧૨ પૈડાવાળો રથ લાલ, કાળા કપડાની સાથે લાકડીના ૫૯૩ ટુકડાથી બને છે. રથના ઘોડા કોફી કલરના હોય છે. પુરી એક એવું સ્થાન છે, જે હજારો વર્ષોથી ઘણા નામો જેમ કે નીલગિરી, નીલાદ્રિ, નીલાંચલ, પુરષોતમ, શંખશ્રેષ્ઠ, શ્રીશ્રેષ્ઠ, જગન્નાથ ધામ, જગન્નાથ પુરી તરીકે જાણીતું છે. ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ શુક્રલ દ્વિતીયા તિથિએ કાઢવામાં આવે છે. આ યાત્રા ગુંડિચા મંદિર સુધી જઈને પાછી આવે છે. એવી માન્યતા છે કે આ ગુંડિચા મંદિરમાં દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા ભગવાને જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું. આ કારણે ગુંડિચા મંદિરને બહ્મલોક અથવા તો જનકપુરી પણ કહેવામાં આવે છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here