ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રાઃ મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી

0
18
Share
Share

ઈતિહાસમાં પ્રથમ વખત મંદિર પરિસરમાં જ ફર્યો જગતના નાથનો રથ

મંદિર પરિસરમાં જ ફર્યા ત્રણેય રથ, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરના નારા સાથે મંદિર ગૂંજી ઉઠ્યુ

અમદાવાદ,તા.૨૩

૧૪૩ વર્ષમાં આજે પહેલીવાર જગન્નાથ મંદિરેથી રથયાત્રા અમદાવાદના રસ્તા પર ફરવાને બદલે માત્ર મંદિરના પ્રાંગણમાં જ ફરી હતી. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા હાઈકોર્ટે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવાનો ઈનકાર કરતાં આજે સવારની મંગળા આરતી, પહિંદ વિધિ બાદ રથયાત્રાનું વિધિવત રીતે પ્રસ્થાન થયું હતું, પરંતુ રથ મંદિરની બહાર નહોતા નીકળ્યા.

દર વર્ષની માફક આ વર્ષે પણ ખલાસી ભાઈઓ રથ ખેંચવા માટે મંદિરે વહેલી સવારે પહોંચી ગયા હતા. તેમણે ત્રણેય રથને ખેંચીને મંદિરના પ્રાંગણમાં ફેરવ્યા હતા. આ ઘટનાના અનેક ભક્તો પણ સાક્ષી બન્યા હતા. રથ જ્યારે મંદિરમાં ફરી રહ્યા હતા ત્યારે સમગ્ર જગન્નાથ મંદિર જય રણછોડ માખણ ચોરના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.

રથયાત્રા ભલે અમદાવાદમાં ના ફરવાની હોય, પરંતુ દર વર્ષની માફક આ વખતે પણ તેને લગતી તમામ વિધિઓ પરંપરાગત રીતે જ અનુસરવામાં આવી હતી. સવારે જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે મંગળા આરતી ઉતારી હતી. ત્યારબાદ ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવ્યા હતા.

વહેલી સવારે સીએમ વિજય રુપાણી પણ પહિંદ વિધિ કરવા માટે જગન્નાથ મંદિર આવી પહોંચ્યા હતા. તેમણે માસ્ક પહેરીને સોનાની સાવરણીથી ભગવાનનો રથ અને રસ્તો સાફ કર્યા હતા.. ત્યારબાદ વિધિવત રીતે રથયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. જોકે, આ વખતે કોરોનાને કારણે ભક્તોએ પણ સ્વંય શિસ્ત જાળવીને મંદિર આવવાનું ટાળ્યું હતું.

ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ મંદિરમાં ફેરવ્યા બાદ તેમને ભક્તો માટે મંદિરમાં જ ત્રણેય રથને મૂકવામાં આવ્યા હતા. જોકે, ભક્તોને મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિરમાં ભીડ ના થઈ જાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં કોઈ સમસ્યા ના સર્જાય તેની તકેદારી રાખવા મોટી સંખ્યામાં પોલીસને પણ હાજર રખાઇ હતી.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવાના મુદ્દે રાત્રે બે વાગ્યા સુધી ગુજરાત હાઈકોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. હાઈકોર્ટે બે વાગ્યા સુધી ઓનલાઈન સુનાવણી કરી તમામ પક્ષોને સાંભળી અંતે ભક્તો અને લોકોના આરોગ્યની ચિંતા વ્યક્ત કરતા ગુજરાત સરકારની અરજીને ફગાવી દેવામાં આવી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નગરચર્યાએ નિકળવા પરનો પ્રતિબંધ યથાવત્‌ રખાયો હતો.

અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે. જોકે અમદાવાદમાં ૧૪૨ વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. આજે ભગવાન નગરચર્યા પર નહીં નીકળે અને રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવી રથને પ્રસ્થાન કરાવતા પહેલા સીએમ વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં આવ્યા નહતા. આ ઉપરાંત તમામ વિધિમાં કોઈપણ ભક્તોને પ્રવેશ અપાયો નહતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પુરી જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ જાહેર હિતની અરજી થઈ હતી. જેનો ચુકાદો આપતા હાઈકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પણ નહીં કાઢવા માટેનો આદેશ આપ્યો હતો. મહામારી કોરોનાને કારણે આજે ભગવાન જગન્નાથજીએ નગરચર્યાએ જવાને બદલે મંદિરમાં જ પરિક્રમા કરી છે. બપોર બાદ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. સવારથી મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતાં. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આ સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભક્તોએ ઘરે બેઠા જ ભગવાનના દર્શન કર્યાં છે.

દોઢ કલાક સુધી મહંતને ગૃહ રાજ્યંમંત્રી અને પોલીસવડા સાથેની બેઠક બાદ ત્રણેય રથનું મંદિર પરિસરમાં પ્રસ્થાન શરૂ થયું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફર્યો હતો. રથ ફેરવતી વખતે બલરામનો મુગટ નીચે પડી ગયો હતો. ૧૦ મિનિટમાં ત્રણેય રથે મંદિર પરિસરમાં એક એક પરિક્રમા કરી હતી. હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરથી મંદિર ગુંજી ઉઠ્‌યું હતું. ભક્તોને મંદિરમાં દર્શન માટે લાઈનમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. થર્મલ ગનથી ચેક કરી અને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ૯.૩૦ વાગ્યે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં જમાલપુર બ્રિજ તેમજ હાથિખાના તરફથી બેરીકેડ ખોલી દેવામાં આવ્યા છે. દર વર્ષની જેમ ઢોલ નગારા સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા છે. રથયાત્રા માટે હાલ ૧૪ હાથીઓને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યાં છે. સવારે ૫.૫૮ વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારબાદ ૬.૦૩ વાગ્યે બહેન સુભદ્રાજીને અને આવ્યા ૬.૦૯ વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામા આવ્યા છે. દરેક રથ પર ૧૦ ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે. રથ પર જાય તે પહેલા તમામનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં હતા અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.  ગત વર્ષે જગન્નાથ મંદિર પાસે ભક્તોનું કીડીયારું ઉભરાતું હતું આ વખતે માત્ર પોલીસ જ પોલીસ જોવા મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણી સાથે મંદિર પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારબાદ પોલીસે રથને કોર્ડન કરી લીધો છે. હાલ રથને રોકી લીધા બાદ મહંત અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ અને પોલીસવડા શિવાનંદ ઝાએ ઓફિસમાં ચર્ચા કરી હતી. રથને મંદિરના ગેટ સુધી લઈ જઈ પરત લાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પોલીસ રથને મંદિરના ગેટ સુધી નહિ લાવવા દેવાના મૂડમાં હતી. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંદિરેથી ૭.૧૦ રવાના થઈ ગયા હતા. વહેલી સવારે ૪ વાગે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. મહત્વનું છે કે, મંગળા આરતી માટે ગૃહપ્રધાન અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ અમુક કારણોસર હાજર રહી શક્યા નહોતા. ત્યારે પ્રદિપસિંહ જાડેજા સહિત અમદાવાદના મેયર બિજલ પટેલે આરતીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત એક પણ ભક્તને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા. આ વર્ષે કૃષ્ણભક્તોએ ભગવાનના ઘરે બેઠાં જ ટેલિવિઝનના માધ્મયથી લાઇવ દર્શન કરવા પડશે. આજે ભગવાનની ૧૪૩મી રથયાત્રા છે, ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ જઈ શક્યા નથી. મોડી રાત સુધી થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ હાઇકોર્ટે સરકારની રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીધી હતી અને રથયાત્રા કાઢવા માટે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. હાઇકોર્ટ આ વિશે જણાવતા કહે છે કે, ‘આવી મહામારીની પરિસ્થિતિમાં કોર્ટ લોકોના જીવની ચિંતા કરે છે છે.’ હવે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે નહીં. પરંતુ, મંદિરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવશે.

પહિંદવિધિ બાદ દેશ કોરોનામુક્ત થાય એવી ભગવાનને પ્રાર્થના કરી

સોમવારે મોડી રાતે ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા નહીં કાઢવા દેવા મંજૂરી ન આપતા મંદિર પરિસરમાં જ યાત્રા યોજાઈ હતી, મર્યાદિત ભાવિકોની હાજરી

અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને પરવાનગી આપવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. શનિવારે એક જાહેર હિતની અરજીમાં હાઈકોર્ટે રથયાત્રા પર રોક લગાવતા આજે રથયાત્રાની તરફેણમાં ખાનગી અરજદારોની સાત અને એક અરજી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેથી આજે શહેરનાં જગન્નાથ મંદિરમાં જ રથયાત્રા કરવામાં આવશે અને ભગવાન નગરચર્યા પર નહીં જાય તેવો નિર્ણય લેવામામાં આવ્યો હતો. આજ સવારથી જ પ્રણાલિગત રીતે રથયાત્રાની પૂજન વિધિ કરાઈ રહી છે. ચાર કલાકે મંગળા આરતી કરવામાં આવી જે બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામને રથમાં બેસાડવામાં આવ્યાં. જે બાદ સવારે સાત કલાકે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પહિન્દવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ પહિન્દવિધિ કર્યા બાદ જણાવ્યું કે, આજના પવિત્ર દિવસે વર્ષોની પ્રણાલિકા પ્રમાણે દરવખતે ભગવાન નગરચર્યા પર નીકળે છે. આ વખતે નગરયાત્રા નીકાળી શક્યા નથી. ગઈકાલે ઓરિસ્સાની યાત્રા માટે રિસ્ટ્રિક્શન સાથે હાઇકોર્ટે મંજૂરી આપી. જેથી આપણે પણ આ રીતેની રથયાત્રા માટે મંજૂરી માંગી હતી. મોડીરાત સુધી સુનાવણી ચાલી અને હાઈકોર્ટે મંજૂરી આપી નહીં. રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારી અને કર્ફ્યૂની પણ તૈયારી બતાવી હતી પરંતુ મંજૂરી મળી નથી. જેથી મંદિર પરિસરમાં જ રથ પ્રદક્ષિણા કરશે તેવું કરવામાં આવ્યું છે. તેમણે આગળ જણાવ્યું કે, મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ અને તેમના સાથીઓને ધન્યવાદ અને અભિનંદન આપું છું. આવી પરિસ્થિતિમાં તેમણે વ્યવહારું રસ્તો કાઢ્યો અને સહયોગ આપ્યો છે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ભાગવાન જગન્નાથ કોરોનાની મહામારીમાંથી દેશ અને ગુજરાતને જલ્દી મુક્ત કરવા તેવી પ્રાર્થના કરી છે. આપણું ગુજરાત વધુને વધુ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી છે. આ સાથે કચ્છીઓનું નવું વર્ષ છે, સમગ્ર વિશ્વમાં વસતા કચ્છીઓને પણ નવા વર્ષની શુભકામના પાઠવું છું કે, તેમનું નવું વર્શ ખુબ સરસ અને સુંદર નીવડે.

પહિંદવિધિની સાથે સાથે….

શું છે આ પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત ?

અમદાવાદથી જે રથયાત્રા નીકળે છે તેમાં છેલ્લા ૨૯ વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે, મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત ૧૯૯૦થી શરૂ કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી જ કેમ કરાવે પહિંદ વિધિ ?

રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્ત પહિંદ વિધિ કરાવવામાં આવે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.

પહિંદ વિધિ કેવી રીતે કરાય છે ?

સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યાર પછી સવારે રાજ્યના રાજા એટલે કે, મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

કોણે કેટલી વખત કરાવી છે પહિંદ વિધિ

રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિંદ વિધિ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ ૧૨ વખત પહિંદ વિધિ કરી છે. કેશુભાઈ પટેલે પણ પ વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જેમણે પહિંદ વિધિ કરી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here