બ્રિટનના ડોક્ટરોની સિદ્ધિ, ખાસ મશીન દ્વારા ડેડહાર્ટને ધબક્તું કર્યું

0
22
Share
Share

પહેલીવાર મૃત જાહેર લોકોના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ, ૬ બાળકોને મળ્યું નવજીવન

લંડન,તા.૨૨

બ્રિટનના ડોક્ટરોએ પહેલીવાર એક ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરીને એવા હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે કે જે ધબકતું બંધ થઈ ગયું હતું. એટલે કે તે મૃત જાહેર કરેલી વ્યક્તિઓના હતા. અત્યાર સુધીમાં ૬ બાળકોમાં આવા હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. આ તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ પહેલા માત્ર એવી વ્યક્તિઓના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થતું હતું કે જેઓ બ્રેનડેડ જાહેર થયા હતા.

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ડોક્ટરો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટેકનિકમાં એક ડગલું આગળ વધ્યા છે. કેમ્બ્રિજશાયરની રોયલ પેપવર્થ હોસ્પિટલના ડોક્ટરોએ ઓર્ગેનકેર મશીન દ્વારા મૃતક વ્યક્તિઓના હૃદયને જીવિત કરી એક નહીં ૬ બાળકોના શરીરમાં ધબકારા લાવી દીધા છે. આ ઉપલબ્ધિ મેળવનાર તે દુનિયાની પ્રથમ ટીમ બની ગઈ છે.

એનએચએસના ઓર્ગન ડોનેશન એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગના ડાયરેક્ટર ડૉ. જોન ફોર્સિથ કહે છે કે તેમની આ ટેક્નિક માત્ર ગુજરાતીમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ ટેક્નિકથી ૧૨થી ૧૬ વર્ષના ૬ એવા બાળકોને નવું જીવન મળ્યું છે કે જેઓ બે-ત્રણ વર્ષથી અંગદાન દ્વારા હૃદય મળે તેની રાહ જોઈ રહ્યા હતા. એટલે કે લોકો હવે મરણોપરાંત વધુ હાર્ટ ડોનેટ કરી શકશે. હવે લોકોને ટ્રાન્સપ્લાન્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં.

આ ટેક્નિક દ્વારા જે બે લોકોને સૌથી પહેલું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું તેમાં બ્રિસ્ટલની ફ્રેયા હેમિંગ્ટન (૧૪ વર્ષ) અને વોરસેસ્ટરની એના હેડલી (૧૬ વર્ષ)નો સમાવેશ થાય છે. એના કહે છે કે તે હવે પહેલાની જેમ હોકી રમી શકે છે. ફ્રેયાએ કહ્યું તે હવે વધુ શક્તિશાળી થઈ છે અને પહાડ પર પણ ચઢી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here