ઇન્દોર,તા.૧૯
રાજસ્થાનના શહેર શ્રીગંગાનગર બાદ હવે મધ્યપ્રદેશના અનુપનગરમાં પણ એક લીટર પેટ્રોલનો ભાવ ૧૦૦.૨૫ રુપિયા થયો છે. અનુપનગરમાં પેટ્રોલના ભાવવધારાની સાથે સાથે ડીઝલ પણ મોંઘુ થયું છે. અહીં એક લીટર ડીઝલનો ભાવ ૯૦ રુપિયા થયો છે.
મધ્યપ્રદેશની ભાજપ સરકારના આરોગ્ય મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે વડાપ્રધાન મોદીને સૌર અને વીજ ઊર્જા ઉપયોગને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન આપવા જોઈએ. તેમણે વિચિત્ર પ્રકારનો તર્ક આપ્યો કે તેનાથી ઈંધણના ભાવ કાબૂમાં આવશે.
મોદી સરકારની પ્રશંસા કરતા સારંગે કહ્યું કે ઈંધણના ભાવવધારાને કારણે દેશમાં ઈલેક્ટ્રીક અને સૌર ઊર્જાથી પણ વાહન દોડાવવાની સરકારની ઈચ્છા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર હોય છે તેથી તેના ભાવ વધતા હોય. શું મધ્યપ્રદેશ સરકાર પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવા માગે છે તેનો જવાબ આપતા સારંગે કહ્યું કે સરકાર દેશને સૌર ઊર્જા તરફ લઈ જવા માગે છે. તેમણે કહ્યું કે હું વડાપ્રધાનને અભિનંદન આપવા માગુ છું.
સરકાર ફક્ત જુમલાનો શોર મચાવે છેઃ રાહુલ ગાંધી
પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના મુદ્દે સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ફક્ત જુમલાનો શોર મચાવે છે. રાહુલે કહ્યં કે તેઓ જુમલાનો શોર મચાવે છે, અમે સચ્ચાઈનો આઈનો દેખાડીએ છીએ.