બ્રસેલ્સ,તા.૨૭
બેલ્જિયમમાં કેર હોમમાં રહેતા લોકો માટે સાંતા ક્લોઝ નુ ગિફ્ટ આપવું ભારે પડી ગયું. સાંતા ક્લોઝ કોરોના સંક્રમિત થવાના કારણે કેર હોમમાં રહેતા ૧૨૧ લોકો અને ૩૬ સ્ટાફ મેમ્બર્સ કોરોના સંક્રમિત થઈ ગયા જેમાંથી અત્યાર સુધીમાં ૧૮ લોકોના મોત થઈ ચૂક્યા છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ બેલ્જિયમના એન્ટવર્પના કેર હોમના કર્મચારી ત્યાં રહેતા વૃદ્ધોનું મનોબળ વધારવા માંગતા હતા. આથી તેમણે સાંતા ક્લોઝ બોલાવીને તેમના હાથે વૃદ્ધોને ગિફ્ટ આપવાનો પ્લાન કર્યો. આ માટે તેમમે કેર હોમના લોકોની દેખભાળ કરનારા એક ચિકિત્સકને સાંતા ક્લોઝ બનવા માટે તૈયાર કર્યા.
પ્લાન મુજબ લગભગ ૨ અઠવાડિયા પહેલા તે ચિકિત્સક સાંતા ક્લોઝ બનીને કેર હોમમાં આવ્યા. કર્મચારીઓના જણાવ્યાં મુજબ જ્યારે સાંતા આવ્યા તો તેઓ સ્વસ્થ મહેસૂસ કરી રહ્યા નહતા. તેમણે વડીલો સાથે સમય પસાર કર્યો અને અનેક ગિફ્ટ આપી. ત્યાં સુધી સાંતા ક્લોઝને જરાય ખબર જ નહતી કે તેઓ કોરોના સંક્રમિત છે. ત્યારબાદ જ્યારે તેઓ બીમાર પડ્યા અને પોતાનો ટેસ્ટ કરાવ્યો તો તેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ કેર હોમમાં રહેતા લોકો પણ એક પછી એક કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા.
રિપોર્ટ મુજબ કોરોનાના કારણે અત્યાર સુધી ૧૨૧ લોકો અને ૩૬ સ્ટાફ મેમ્બર્સ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ક્રિસમસના એક દિવસ પહેલા અને ક્રિસમસના દિવસે પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ત્યારબાદ કેર હોમના ૧૮ લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોનાના કેસ વધ્યા બાદ પ્રશાસને સાંતા ક્લોઝને જ સુપરસ્પ્રેડર ગણાવી દીધા છે. મેયર વિમ કીયર્સે કહ્યું કે કેર હોમ માટે આગામી ૧૦ દિવસ મુશ્કેલીભર્યા રહેશે. તેમણે સ્વીકાર્યું કે વૃદ્ધોને ગિફ્ટ આપતી વખતે નિયમોનું પાલન કરવામાં ન આવ્યું. જો કે તેમણે પહેલા એવો દાવો કર્યો હતો કે તમામ નિયમોનું પાલન કરાયું હતું.