જૂનાગઢ, તા. ૧૧
બેન્કમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતીના નામે તોડ કરનારા સામે ફરિયાદ કરવાની જિલ્લા સહકારી બેન્કના ચેરમેને ચિમકી ઉચ્ચારી છે.
જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન ડોલરભાઇ કોટેચાના જણાવ્યા અનુસાર, જૂનાગઢ, પોરબંદર અને ગિર સોમનાથ એમ ૩ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવે છે.બેન્કની ૪૫ શાખાઓ છે. અને હાલ બેન્ક દ્વારા કોઇપણ કર્મચારીની ભરતી કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી નથી દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, બેન્કમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી કરવાની છે તેમ કહી કેટલાક શખ્સો ઉમેદવારો પાસેથી તોડ કરી મોટી રકમ પડાવી નાણાંકીય છેતરપિંડી કરી રહ્યા છે, ત્યારે કોઈ ખોટા પ્રલોભનમાં આવી છેેતરપિંડીનો ભોગ ન બને.
જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક દ્વારા પ્રસિદ્ધ કરાયેલ યાદીના અંતમાં આવા છેતરપિંડી કરનારા શખ્સોની જાણ થયે તેમની સામે ચેરમેન ડોલરભાઇ કોટેચા, વાઇસ ચેરમેન મનુભાઇ ખુંટી, મેનેજીંગ ડિરેકટર દિનેશભાઇ ખટારીયા તેમજ બેન્કના ડિરેકટરો દ્વારા ફરિયાદ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.