બિહાર ચૂંટણી પહેલા ૨૮૨ કરોડના ઈલેક્ટોરલ બૉન્ડ્‌સનું વેચાણ

0
19
Share
Share

ઈલેક્ટોરલ બૉન્ડસથી પાર્ટીઓને બખ્ખા :છેલ્લા ત્રણ વર્ષમાં ૬૪૯૩ કરોડનું ફંડ મળ્યું

ન્યુ દિલ્હી,તા.૨૧

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં અને ચોક્કસ કહીએ તો આ વર્ષના ઓક્ટોબરની ૧૯મી અને ૨૮મી વચ્ચે ઇલેક્ટોરલ બોન્ડ્‌સ દ્વારા રાજકીય પક્ષોને ૨૮૨ કરોડ રૂપિયા મળ્યા હતા એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ ૨૮૨ કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્‌સ વેચ્યા હતા.

૨૦૧૮માં શરૂ કરાયેલી આ યોજના પછી અત્યાર સુધીમાં રાજકીય પક્ષોને કુલ રૂપિયા ૬,૪૯૩ કરોડ મળી ચૂક્યા હતા. ઇલેક્ટોરલ બોન્ડ્‌સ એક એવી યોજના છે જેમાં જે તે રાજકીય પક્ષને કોણે કેટલી રકમ દાનમાં આપી એનો કદી અણસાર આવતો નથી કે હિસાબ મળતો નથી.

એક માતબર અંગ્રેજી અખબારે આરટીઆઇ હેઠળ માગેલી માહિતીમાં આ વિગતો મળી હતી. ઓક્ટોબરની ૧૯મી અને ૨૮મી વચ્ચે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ એક કરોડ રૂપિયાનો એક એવા ૨૭૯ બોન્ડ વેચ્યા હતા જ્યારે દસ લાખ રૂપિયાનો એક એવા ૩૨ બોન્ડ વેચ્યા હતા. એટલે કે આટલી માતબર રકમ જે તે રાજકીય પક્ષોને મળી હતી.

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની મુંબઇ મેન શાખાએ ઇલેક્ટોરલ બોન્ડ્‌સની ૧૪મી સિરિઝના ૧૩૦ કરોડ રૂપિયાના બોન્ડ્‌સ બહાર પાડ્યા હતા જ્યારે આ બેંકની દિલ્હી શાખાએ ફક્ત ૧૧ કરોડ ૯૯ લાખના બોન્ડ્‌સ રિલિઝ કર્યા હતા. અન્ય ત્રણ શહેરોની શાખાઓએ કુલ ૨૩૭ કરોડના બોન્ડ્‌સ વેચ્યા હતા. બિહારની રાજધાની પટણામાં ૮૦ લાખ રૂપિયાના બોન્ડ્‌સ રિલિઝ થયા હતા.

ચેન્નાઇમાં ૮૦ કરોડ, હૈદરાબાદમાં ૯૦ કરોડ અને ભુવનેશ્વરમાં ૬૭ કરોડના બોન્ડ્‌સ રિલિઝ થયા હતા. ૨૦૧૮માં શરૂ કરાયેલી આ યોજના પોલિટિકલ પાર્ટીઓને નાણાં આપવા માટે શરૂ કરાઇ હતી. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા રૂપિયા એક હજાર, દસ હજાર, એક લાખ, દસ લાખ અને એક કરોડની કિંમતના બોન્ડ બહાર પડાયા હતા. એ ખરીદ્યા પછી પંદર દિવસની અંદર જે તે પાર્ટીને આપી દેવાના હોય છે. કોણે કયા પક્ષને કે ઉમેદવારને કેટલું આર્થિક ભંડોળ આપ્યું એ વિગતો ખાનગી રાખવા માટે આ યોજના શરૂ કરાઇ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here