બિહારમાં હારની સમીક્ષા કરવા ચિદમ્બરમની માગ

0
16
Share
Share

નવી દિલ્હી,તા.૧૯
બિહાર વિધાનસભાની ચૂંટણી અને ૮ રાજ્યોની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર પછી પાર્ટીની અંદર ઊભો થયેલો કલેશ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. કપિલ સિબલ અને તારિક અનવર પછી હવે કોંગ્રેસ વધુ એક કદાવર નેતા પી ચિદમ્બરમે પાર્ટીની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. એક હિંદી ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, બિહાર ચૂંટણી અને પેટાચૂંટણીઓના પરિણામો જણાવે છે કે, પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર ક્યાંય નથી. એટલું જ નહીં, તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે, બિહારમાં કોંગ્રેસે પોતાની તાકાતથી વધુ બેઠકો પર ચૂંટણી લડી, તેણે ઓછી બેઠકો પર ચૂંટણી લડવી જોઈતી હતી. એ સવાલ પર કે, કોરોના મહામારી અને આર્થિક મંદી છતાં બિહાર અને પેટાચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ કેમ રહ્યું, ચિદમ્બરમે કહ્યું કે, તે પેટાચૂંટણીઓના પરિણામોને લઈને વધુ ચિંતિત છે. તેમણે કહ્યું કે, પેટાચૂંટણીઓના પરિણામો જણાવે છે કે, ગ્રાઉન્ડ લેવલ પર પાર્ટીમાં સંગઠન જેવું કંઈ નથી અથવા તો પછી નબળું પડી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, બિહારમાં જીતની નજીક હોવા છતાં પણ હારનો સામનો કરવો પડ્યો, તેની સમીક્ષા થવી જોઈએ. બિહારની ચૂંટણીમાં કોંગ્રેસે ઓછી બેઠકો પર ચૂંટણી લડવી જોઈતી હતી તેમ જણાવતા ચિદમ્બરમે કહ્યું કે, તેણે માત્ર ૪૫ બેઠકો પર ચૂંટણી લડવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જે બેઠકો પર લડી તેમાંથી ૨૫ બેઠકો તો એવી હતી, જ્યાં છેલ્લા ૨૦ વર્ષોથી ભાજપ કે તેના સહયોગીઓની જીત થઈ રહી હતી. હકીકતમાં, કોંગ્રેસે ૨૪૩ વિધાનસભા બેઠકોવાળા બિહારમાં ૭૦ બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી માત્ર ૧૯ બેઠકો પર જ તેને જીત મળી. એ જ કારણ છે કે, તેને મહાગઠબંધનની હારનું એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ચિદમ્બરમ જેવા દિગ્ગજ કોંગ્રેસી નેતાના આ નિવેદનથી આરજેડી નેતા શિવાનંદ તિવારીની એ ટીકાને બળ મળી શકે છે કે જેમાં તેમણે મહાગઠબંધનની હારનું ઠીકરું કોંગ્રેસ પર ફોડ્યું હતું. આ પહેલા કપિલ સિબલે બિહારની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને પછી મોવડી મંડળ સામે સવાલ ઉભા કર્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here