સુરેન્દ્રનગર, તા.૨૦
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ગોરીયાવાડ ગામે ચબુતરા પાસે ૬૦ થી વધુ હોલા ટપોટપ મરવા લાગતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. એમાં મૃત હોલા ખાવાથી ૧૦ થી વધુ ગલુડીયાના મોતથી પણ સન્નાટો મચી જવા પામ્યો છે. આ અંગે ગોરીયાવાડ ગામના લાલભા ચૌહાણે જણાવ્યું કે, છેલ્લા બે ત્રણ દિવસમાં ગોરીયાવાડ ગામના ચબુતરા પાસે દાણા ખાવા આવતા કબુતર અને હોલામાંથી પ૦ થી ૬૦ જેટલા હોલાના ગળામાં સોજા આવી ગયા બાદ પળવારમાં ટપોટપ મરવા લાગ્યા હતા અને આ મૃત હોલા ખાવાથી ૧૦ થી વધુ ગલુડીયા પણ મોતને ભેટ્યા બાદ આ અંગે બજાણા અભ્યારણ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા બજાણા ઘૂડખર અભ્યારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઈ રાઠવાની સુચનાથી ફોરેસ્ટર દલસુખ કમેજડીયા અને રોજમદાર નશીબખાને સહિતના ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા ૪ મૃત હોલાને બજાણા કેર સેન્ટર ખાતે લાવી ધ્રાંગધ્રા વેટરનરી ડોકટર પ્રિતેષ પટેલ પાસે લઈ જવામાં આવ્યા હતા. આ મૃત હોલાના નમુના લઈ રીપોર્ટ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. મૃત પેરાગ્વીન ફાલ્ગનન નમુના આણંદ અને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. ફોરેસ્ટર બી.જે.પાટડીયાએ જણાવ્યું કે, રણમાં ટુંડી તળાવ, ભીમકા ખારી, ઓડું ખારી ડેમ અને વચ્છરાજબેટ પાછળ મહારાજા બેટમાં ૨૦૦૦૦ થી ૨૫૦૦૦ ની સંખ્યામાં લેસર અને ગ્રેટર ફેલ્મીંગો, પેલીકન સહિતના પક્ષીઓ છે. આથી આ ઘૂડખર અભ્યારણ્ય બર્ડ ફલુના પગલે હાલમાં બંધ રાખવાની સુચના મળી છે. બીજી બાજુ દેગામ રણમાંથી એક પેરાગ્વીન ફાલ્ગન પક્ષી મૃત હાલતમાં મળી આવ્યું હતુ. બર્ડ ફલુના પગલે એના સેમ્પલ આણંદ અને અમદાવાદ લેબોરેટરીમાં મોકલી અપાયા છે. જેનો રીપોર્ટ હજી સુધી આવ્યો નથી.