ભોપાલ,તા.૨૦
મધ્યપ્રદેશના ખારગોનથી ૮૦ કિલોમીટર દૂર બરવાહમાં એક ઘરના બે દીકરાઓએ ૨૪ કલાકમાં જ દુનિયાને અલવિદા કહી દીધું છે. જેથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માત્ર ૨૪ કલાકમાં જ બે સગા ભાઈઓએ પોતાને ગળેફાંસે આપીને જીવન ટૂંકાવી દીધું છે. નાના ભાઈ આકાશે મોટા ભાઇને મુખાગ્નિ આપી હતી. તેના વિરહમાં નાના ભાઇએ ૧૮ જ કલાકમાં પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું છે. આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે, નાના ભાઈ આકાશે નર્મદાના કાંઠે આવેલા ઘેડીઘાટ સ્મશાન ગૃહમાં મોટા ભાઈ સોનુને મુખાગ્નિ આપી હતી. માત્ર ૧૮ કલાક પછી ઘરની અંદર દરવાજો બંધ કરી પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો.
આ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું કે, સોનુની પત્ની થોડા સમય પહેલા પિયરમાં ગઈ હતી તેમની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેના કારણે સોનુએ આત્મહત્યા કરી હતી. ૧૦ વર્ષ પહેલા સોનુ અને આકાશની બહેને પણ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આકાશ એક દિવસ પહેલા મોટાભાઈ સોનુનાના લગ્નના ફોટો જોઈને રડતો હતો. મોટા ભાઈની મોતનો આઘાત સહન ન કરી શકતાં તેણે આત્મહત્યા કરી લીધી હતી.
બરવાહ એસડીઓપી માનસિંહ ઠાકુરે કહ્યું છે કે, તિલક માર્ગમાં રહેતા સોનુ અને તેની પત્ની આશરે દોઢ વર્ષથી ઇન્દોરમાં રહે છે. બંને વચ્ચે વિવાદ થયો હતો આથી જ સોનુએ આત્મહત્યા કરી હતી. આ પછી આકાશ ડિપ્રેશનમાં આવી ગયો અને તે મોટા ભાઈની મોતનો આઘાત સહન ન કરી શક્યો. જેથી તેણે પણ પોતાને ફાંસી આપી. ફોરેન્સિક ટીમ ઘટનાઓની તપાસ કરી રહી છે.