બનાસ ડેરીએ સૌથી પહેલો બાયો-સીએનજી પંપ શરૂ કર્યો

0
18
Share
Share

બનાસ ડેરી ગોબર ગેસથી બનાવાયેલા સીએનજીને ૫૦ રૂપિયે કિલો વેચે છે, જેની કિંમત માર્કેટ રેટ કરતા નીચી

અમદાવાદ,તા.૨

ગત અઠવાડિયે પાલનપુર સ્થિત બનાસ ડેરીએ દેશનો સૌથી પહેલો બાયો-સીએનજી પંપ શરૂ કર્યો છે. છાણમાંથી ગેસ ઉત્પાદિત કરવાનો પ્લાન્ટ શરૂ કર્યા બાદ તેનું કોમર્શિયલ વેચાણ પણ શરૂ કરાયું છે. બનાસ ડેરી ગોબર ગેસમાંથી બનાવાયેલા સીએનજીને ૫૦ રૂપિયે કિલો વેચે છે, જેની કિંમત પ્રવર્તમાન માર્કેટ રેટ કરતા નીચી છે. બનાસ ડેરીના સિનિયર જનરલ મેનેજર વિરેન દોશીએ કહ્યું, ૧૨ ગામોમાં આવેલા ૨૫૦ ખેતરોમાંથી ડેરીને દૈનિક ૪૦ ટન છાણ મળે છે. ખેડૂતોને પ્રતિ કિલો છાણે એક રૂપિયો આપવામાં આવે છે. દૂધની જેમ જ દર ૧૫ દિવસે ખેડૂતોના ખાતામાં આ છાણના રૂપિયા પણ જમા થાય છે. દોશીએ આગળ જણાવ્યું, “અમે રોજ ૨૦૦ ક્યૂબિક મીટર કાચા બાયોગેસનું ઉત્પાદન કરીએ છીએ. તેના શુદ્ધિકરણ બાદ તેમાંથી ૮૦૦ કિલો બાયો-સીએનજી રોજ ઉત્પાદિત થાય છે. પંપ બનાવવા માટેના જમીન ખર્ચ ઉપરાંત ડેરીએ ૮ કરોડ રૂપિયા શુદ્ધિકરણ પ્લાન્ટ અને રિટેલ ડિસ્પેન્સિંગ સ્ટેશન પાછળ રોક્યા છે. અમને આશા છે કે, સીએનજી, જૈવિક ખાતર અને પેસ્ટીસાઈડના વેચાણ થકી લગભગ ૪ વર્ષમાં આ ખર્ચની ભરપાઈ થઈ જશે. બાયો-ગેસના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન બાય પ્રોડક્ટ તરીકે લિક્વિડ અને સોલિડ ફર્ટિલાઈઝર તેમજ પેસ્ટીસાઈડ મળે છે. જે ખેડૂતોને વેચવામાં આવે છે. તેઓ મોંઘા ડીએપી અને યુરિયા ખાતરની અવેજીમાં આ ઓર્ગેનિક ખાતર વાપરી શકે છે. બનાસકાંઠા જિલ્લાના રામપુરા ગામના બળદેવ જાટે કહ્યું, “ડેરી અમારા ગામના ૯૦ લોકો પાસેથી છાણ એકત્ર કરે છે. અહીંના ગ્રામજનો પાસે મોટી સંખ્યામાં ઢોર છે અને દર પંદર દિવસે છાણના બદલે ૭૦૦૦-૮૦૦૦ રૂપિયા ખાતામાં જમા થાય છે. આ બાયો-ગેસ પ્લાન્ટ અમારા માટે આશીર્વાદ રૂપ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here