બજેટ રજૂ થતાં સેન્સેક્સમાં ૨૩૧૪ પોઈન્ટનો ઊછાળો

0
27
Share
Share

એફડીઆઈને લગતી છૂટછાટ બેંકોમાં વિદેશી રોકાણ સહિતની જાહેરાતોને પગલે બેંકોના શેર્સ પણ ભારે ઉછળ્યા

મુંબઈ, તા. ૧

ગયા સપ્તાહે લગભગ ૮ ટકા જેટલું કરેક્શન થયા બાદ બજેટ રજૂ થતાં જ સેન્સેક્સ ૫ ટકા જેટલો ઉછળ્યો છે. આજે બજાર બંધ થયું ત્યારે બીએસઈનો સેન્સેક્સ ૨૩૧૪ પોઈન્ટ્‌સના ઉછાળા સાથે ૪૮,૬૦૦ પોઈન્ટ્‌સ પર બંધ થયો હતો. સેન્સેક્સે હજુ દસ દિવસ પહેલા જ પોતાની ૫૦,૧૮૪ની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી, અને ત્યારબાદ તેમાં જોરદાર કરેક્શન જોવાયું હતું. જોકે, હવે તે ફરી એકવાર ૫૦ હજાર ભણી જતો દેખાઈ રહ્યો છે. લગભગ ૧૧ વર્ષમાં પહેલી વખત બજેટના દિવસે શેર બજારમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો. બપોરે સુધી સેન્સેક્સ ૨૩૧૪ પોઇન્ટના ઉછાળા સાથે ૪૮૫૯૧ના સ્તર સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત નિફ્ટી પણ ૧૪,૦૦૦ને પાર થઈ ગયો છે.

નિર્મલા સિતારમણે આજે રજૂ કરેલા બજેટમાં હેલ્થ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખાસ ધ્યાન આપ્યું છે, તેમજ એફડીઆઈને લગતી છૂટછાટ આપવા ઉપરાંત, બેંકોમાં વિદેશી રોકાણ અને થાપણો વધે તે હેતુથી કરાયેલી કેટલીક જાહેરાતોને પગલે બેંકોના શેર્સ પણ આજે જોરદાર ઉછળ્યા હતા. આ ઉપરાંત, સ્ક્રેપ પોલિસીની દરખાસ્તને કારણે ઓટો શેર્સમાં પણ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જંગી ખર્ચ કરવાની હોવાથી સ્ટીલ, સિમેન્ટ તેમજ કન્સ્ટ્રક્શન કંપનીઓના શેર્સ પણ આજે દોડ્યા હતા.

બજાર બંધ થયું ત્યારે બીએસઈના સેન્સેક્સના ૩૦ શેર્સમાં ઈન્ડસિન્ડ બેંક સૌથી વધુ ૧૫.૧૬ ટકા ઉછળીને ૯૭૪ રુપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. બીજા નંબરે આઈસીઆઈસીઆઈ બેંકનો શેર રહ્યો હતો, જેમાં ૧૩.૪૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે ૬૦૯ રુપિયાના પોતાના સર્વોચ્ચ સ્તરે બંધ થયો હતો. આ સિવાય, બજાજફિનસર્વ અને એસબીઆઈમાં પણ દસ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

જ્યારે એલએન્ડટી, એચડીએફસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેંક, બજાજ ફાઈનાન્સમાં પણ ૯.૩૦ ટકાથી ૭.૧૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સમાં પાંચ ટકાનો ઉછાળો જોવાયો હતો. જોકે, તેની સામે એચયુએલ, ટેક મહિન્દ્રા અને ડૉ રેડ્ડી રેડ ઝોનમાં બંધ થયા હતા. જ્યારે નેસલે, સન ફાર્મા, ટીસીએસ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્‌સ, પાવરગ્રીડ, ઓએનજીસી, બજાજ ઓટો, રિલાયન્સ જેવા શેર્સમાં સેન્સેક્સની સરખામણીએ ઓછો સુધારો જોવાયો હતો.

નિફ્ટીની વાત કરીએ, તો તેમાં પણ આજે ૬૪૬ પોઈન્ટ્‌સનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં સામેલ મેટલ ઉપરાંત ઓટો, બેંક, ઈન્શ્યોરન્સ, ફાઈનાન્સ અને ટાઈટન, તેમજ આઈટીસી જેવા શેર્સમાં આજે લેવાલી જોવા મળી હતી. જ્યારે, યુપીએલ, એચયુએલ, ટેકમહિન્દ્રા, સિપ્લા જેવા શેર્સ ઘટાડા સાથે બંધ થયા હતા.

બજેટના દિવસે શેર બજારની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં બજેટના દિવસે શેર બજારમાં ક્યારેક ઠંડુ તો ક્યારેક બિલકુલ નબળું રિએક્શન જોવા મળ્યું. બજેટના દિવસે ૧૦ વર્ષમાં માત્ર ત્રણ વખત જ સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો અને સાત વખત બજારને નિરાશા હાથ લાગી છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમનના સમયમાં જ બે વખત બજાર ગગડ્યો હતો. વર્ષ ૨૦૧૯માં સેન્સેક્સ ૩૯૫ પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે વર્ષ  ૨૦૨૦માં બજેટના દિવસે સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટ તૂટ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૨ સુધીમાં પ્રણવ મુખર્જીના સમયે બજેટના દિવસે સેન્સેક્સ બે વાર ગગડ્યો તહો. જ્યારે ૨૦૧૩માં પી.ચિદમ્બરમના સમયે સેન્સેક્સમાં ૨૯૧ પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. ઉપરાંત વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮માં અરૂણ જેટલીના સમયમાં કુલ પાંચ બજેટ રજૂ થયા. આ દરમિયાન બે વખત માર્કેટમાં તેજી જોવા મળી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here