ન્યુ દિલ્હી,તા.૧
નાણાં મંત્રી નિર્મલા સીતારમને આજે બજેટ ૨૦૨૧ની જાહેરાત કરી. જે બાદ મોબાઇલ, ઓટો પાટ્ર્સ અને સિલ્ક ઉત્પાદની કિંમતોમાં વધારો થઇ શકે છે. જ્યારે સોના-ચાંદીની કિંમત ઘટાડો થવાની સંભાવના છે. નાણાં મંત્રીએ સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાનો સંકેત આપ્યો છે. આથી તેની કિંમતમાં ઘટાડો થઇ શકે છે. બીજી બાજુ, મોબાઇલના કેટલાક પાટ્ર્સ પર કસ્ટમ ડ્યૂટી વધશે.
મોબાઇલ ઉપરાંત કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કોટન પર ઝીરોથી ૧૦ ટકા અને સિલ્ક ઉત્પાદન પર ૧૦થી ૧૫ ટકા કરવાની જાહેરાત કરી છે. કેટલાક ઓટો પાટ્ર્સ પર કસ્ટમ ડ્યૂટી વધારીને ૧૫ ટકા કરવામાં આવી છે. કસ્ટમ ડ્યૂટી વધવાથી કેટલાક ઉત્પાદનો મોંઘા થશે. પરંતુ આની સાથે દેશમાં મેન્યુફેક્ચરિંગ અને એમએસએમઇને પ્રોત્સાહન મળવાની સાથે જ આત્મનિર્ભર ભારતના વોક્લ ફોર લોકલ અભિયાનને મજબૂતી મળશે. લોખંડ અને સ્ટીલની કિંમતોમાં પણ ઘટાડાની સંભાવના છે.
ઉપરાંત સરકારે દારૂ, કાબુલી ચણા, મટર, મસૂરની દાળ સહિત કેટલાક ઉત્પાદનો પર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ આ વર્ષે કસ્ટમ્સમાં ૪૦૦થી વધુ છૂટોની સમીક્ષા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.