અમરેલી તા. ર૯
બગસરાના પીઠડિયા ગામે ડુપ્લીકેટ ખાવાના ચુનાનું વેચાણ કરતો એક યુવાનને રૂા.૭૧ હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધેલ હતો.પ્રાપ્ત વિગત મુજબ બગસરા પીઠડિયા ગામનો ચેતન ચતુરભાઇ ડાબસરા (ઉ.વ.૨૮) નામનો યુવાન અમદાવાદ જ સિધ્ધી લાઇમ ગૃહ ઉદ્યોગ નામની ટ્રેડમાર્ક કંપનીનો ડુપ્લીકેટ ખાવાના ચુનાનું વેચાણ કરતો હોવાની કંપનીના હિરેન મુકેશભાઇ પટેલને જાણ થયેલ હતી. ગઇકાલે પોલીસને સાથે રાખી ચેતન ડાબસરાના ઘરે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં અમદાવાદની કંપનીના નામે ડુપ્લીકેટ ચુનાનું વેચાણ કરતો હોવાનું માલુમ પડેલ હતું. પોલીસે પાઉચ પેકીંગ માટેનું ઓટોમેટીક મશીન, ચુનાના પેકીંગ પાઉચ, સીુંધુ લાઇમ પ્રિન્ટીંગ પેકેજીંગ રોલ સહિત કુલ રૂા.૭૧,૩૨૦ના મુદ્દામાલ સાથે આરોપી ચેતન ડાબસરાની ધરપકડ કરવામાં આવેલ હતી.
સાયલા : સોરીંભડા નજીકથી દેશી રીવોલ્વર સાથે શખ્સ ઝડપાયો
સાયલા પોલીસે બાતમીના આધારે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ જે દરમ્યાન સોરીંભડા ગામના પાટીયા પાસે શંકાસ્પદ હાલતમાં ટુવ્હીલર પર એક શખ્સ પસાર થતા તેની પુછપરછ હાથ ધરતા પોતાનુ નામ મુકેશભાઈ જગાભાઈ રાઠોડ હોવાનુ જણાવ્યું હતુ અને તલાશી લેતા ગેરકાયદેસર દેશી હાથ બનાવટની સીંગલ બેરલ રીવોલ્વર કિંમત રૂા.૩૦૦૦ તથા મોબાઈલ કિંમત રૂા.૫૦૦ તથા ટુવ્હીલર કિંમત રૂા.૨૦,૦૦૦ મળી કુલ રૂા.૨૩,૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને વધુ પુછપરછ દરમ્યાન આ દેશી રીવોલ્વર પોતાના મામા દેવજીભાઈ કાળાભાઈ ચાવડા પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. બંન્ને વિરૂઘ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જોડીયા : બાલંભડી ગામે બિમારીથી કંટાળી વૃઘ્ધાનો આપઘાત
જોડીયા તાલુકાના બાલંભડી ગામમાં રહેતા ધીરજબા બોઘુભા જાડેજા નામના ૬૫ વર્ષના વૃઘ્ધ મહિલાએ ગઈકાલે પોતાના ઘરે લાકડાની આડશમાં દોરી વડે ગળા ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ ત્યાં તેઓનો મૃતદેહ જ પહોંચ્યો હતો. ફરજ પરના તબીબે તેઓનુ મૃત્યુ નીપજ્યું હોવાનુ જાહેર કર્યું હતુ. આ બનાવ અંગે મૃતકના પુત્ર અનોપસિંહ બોઘુભા જાડેજાએ પોલીસને જાણ કરતા પોલીસે ધીરજબાના મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. કરાવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.