બકાના ગતકડાં

0
20
Share
Share

રવિવારી સવારે એક તો જોરદાર વરસાદનો માહોલ જામ્યો હતો.એમાં દોસ્તાર સાથે ચા પીતાં પીતાં ગપ્પા મારવાના ઈરાદાથી જીગો બકાના ઘરે પહોંચ્યો.બકો આગલા રુમમાં જ સોફા ઉપર છાપું વાંચતો હોય એમ બેઠો હતો.

અલ્યા દસ વાગ્યા….હજી સુધી શું છાપામાંથી બહાર નથી આવ્યો ?જીગાએ ધબ્બો મારતાં પૂછ્‌યું.

હોતું હશે ? આ તને સંભળાતું નથી ?હવે જીગાએ ધ્યાનની દિશા બદલી તો ખબર પડી કે ઘરમાંથી ભાભીજીનો એકધારો બડબડાટ ચાલુ હતો.

તેં ચોક્કસ કઈક કર્યું હશે…હજી તો આમ બોલે ત્યાં જ શ્રીમતીજી આગલા રુમમાં આવી પહોચ્યા.

જીગાભાઈ ક્યારે આવ્યા ?

અબઘડી જ આવ્યો.વરસાદી વાતાવરણમાં તમારા હાથની મસ્ત ચા પીવા આવ્યો છું.પણ…તમે કેમ ખીજાયેલા લાગો છો?

આ તમારા ભાઈબંધને સમજાવો…સવાર સવારમાં ગુસ્સો કરાવે છે.

પણ થયું શું ?

ધાબે વરસાદનું પાણી ભરાયું નથીને ? મારે એમ ચેક કરવા જવું હતું.તો મેં આમને કહ્યું કે તમે જરાક દૂધ જોજો.અને આવીને જોઉં તો બધું દૂધ ઉભરાઈ ગયેલું….ગુસ્સો તો આવે કે નહી ?

કેમ બકા…આવું નાનું કામ તારાથી ના થાય એ હું નથી માનતો.!

એણે કહેલું કે જોજો.બરાબર ! તો મેં જોયા કર્યું….ઊભરાવું ના જોઈએ એવું ક્યાં કહેલું ?ને તો ય એ કેટલીવારે ધાબેથી આવી તે પહેલા મેં જ ગેસ બંધ કર્યો હતો કે નહી ?પૂછી જો.

જુઓ…જુઓ…આમ હોય કાઈ ?

તમે જાવ રસોડામાં.મસ્ત આદુ ફૂદીનાવાળી ચા મૂકો. હું આની ખબર લઉં છું. જીગાએ ભાભીને રસોડામાં રવાના કર્યા.

બકા હાથે કરીને શું ઘરમાં ડખા ઊભા કરે છે ?દૂધ ઉભરાઈ ગયું ત્યારે તું શું કરતો હતો ?ફોન બોન આવેલો કે શું?

અરે…જોતો હતો-દૂધ સામે જ.

તો બંધ કેમ ના કર્યું ?મગજ ક્યાં હતું ?

સવાર સવારમાં પુંગીનો ફોન આવેલો.એની સાલાની વાતોમાં મારું મગજ ભમી ગયું…આ ડખો એટલે જ થયો.બાથરુમમાં દાઢી કરતા કરતા એક તો એનો ફોન એટેન્ડ કર્યો.મારો બેટો કહે છે…મારો મેળ પડી ગયો છે.સામેની પાટર્ીને આઈ લવ યુ’ પણ કહી દીધું છે.એટલે મેં પુંગીને પૂછ્‌યું,એણે તને કહ્યું કે નહી?તો કહે એની જ રાહ જોઉં છું.

એની આવી જ વાતો હોય છે.મારું પાક્કું થઈ ગયું એમ કરીને ખોટી ખોટી પુંગી બજાવીને હજી સુધી વાંઢો ફરે છે.છેલ્લે તો પાછો એનું એ જ બ્રેક અપ !

ગઈ વખતે ફેસબુક ઉપર છોકરીની પ્રોફાઈલમાં કોઈ છોકરો નીકળેલો…અને આ ડોબો સુસાઈડ કરવા તૈયાર થયેલો.મેં એને કહ્યું કે પહેલા ખાતરી કરી લેજે.સામેવાળી પાટર્ી છોકરી જ છેને ?તો મને કહે કે મેં માતાજીની બાધા રાખી જ છે.આ વખતે એવો કોઈ ડખો થશે જ નહી.

એટલે દૂધ ગરમ કરવા મુક્યું ત્યારે મગજમાં આ મસાલો ચાલતો હતો…હમમમ …તો ભાભીને કહી દેવાય ને વિચારોમાં હતો.

અલ્યા…એય…તો તો ઓર રૌદ્ર રુપમાં આવી જાય.કોના વિચારો કરતા હતા ?????જીગાથી ખડખડાટ હસી પડાયું.

ઓહો….આ બાજુ ખાઈ ને પેલી બાજુ કૂવો…! તો ઘરની બહાર જતા રહેવાયને…સાંભળવું તો નહી.

તું બૈરાઓને ઓળખતો નથી.એને બોલી લેવા દેવાનું.એટલે માનસિક સંતોષ થઈ જાય.વરને બરાબરનો ધમકાવી કાઢ્યો છે એમ એને લાગે ત્યાં સુધી આપણે ગંભીર રહેવાનું.એકેય શબ્દ કાનમાં જવા નહી દેવાનો…ભલેને ગમે તેટલું બોલે !

છાપું વાંચવામાં મગજ પરોવી દેવાનું એમ ને .

છાપું આડું રાખીને તો હું વિચાર કરતો હતો… આટલી લાંબી જીભને થોડી કાપી નાખી હોય તો ?એની વાત સાંભળતા સાથે જ  જીગાની તો બત્રીસી વેરાઈ ગઈ..

પછી શું કાઈ આઈડીયા મળ્યો ખરો અમલ કરવાનો ?

અરે ભૂલથી જો કોક દિવસ વાત વાતમાં એની વાત કાપીએ ત્યાં તો ઘરમાં મહાભારત થઈ જાય છે….મહાભારત …જીભ વિશે તો ખાલી વિચાર જ કરી શકાય.એ પણ મનમાં જ.

એક નવા સમાચાર હું આપું.મારી બાજુવાળો ભાડુઆત બત્રીસ જીબીનું મેમરી કાર્ડ ગળી ગયો એ સમાચાર તો તેં છાપામાં વાંચ્યા જ હશે.એ પછી આ અઠવાડિયામાં જ એ ઓછામાં ઓછો બે ડઝન વખત માર ખાઈ ચુક્યો છે.

પણ એ તો પરણેલો ય નથી એમ તું કહેતો હતો.તો માર્યો કોણે?

મેમરી કાર્ડ ગળી ગયા પછી એ દિવસરાત ગમે ત્યારે ઓન થઈ જાય છે.અને ઓન થાય ત્યારે એના મોંમાંથી જાતજાતના ગીતો આપોઆપ ગવાવા માંડે…ગઈકાલની જ વાત કરું.એના ઘરે ખાંડ ખલાસ થઈ ગઈ હશે તો એ ખાંડ આપોને એમ કરીને પુનીકાકીના ઘરે ગયો.ખાંડ લઈ લીધી એવી જ એની તો કેસેટ ચાલુ થઈ ગઈ… તુમ ના હુએ મેરે તો ક્યા…મૈ તુમ્હારા… મૈ તુમ્હારા ….મૈ તુમ્હારા રહા……’ અને પુનીકાકીને એમ લાગ્યું કે એની પૌત્રીને જોઇને ગીત ગાય છે.તે એ તો વેલણ લઈને ફરી જ વળ્યા.

ખાંડ તો ઢોળાઈ જ ગઈ હશે…

શ્રીમતીજી મસાલેદાર ચા લઈને આવ્યાં.ચા પીવાઈ.ધીમેથી જીગાએ વાત શરુ કરી.

ભાભી તમે ખીજાવ નહી તો એક વાત કહું.બાકી આને તો મેં બરાબર વઢી લીધું છે.શ્રીમતીજીના ચહેરા ઉપર આછી ખુશી ચોખ્ખી દેખાતી હતી.એમણે હકારમાં ડોકું હલાવ્યું.

દૂધ ઊભરાઈ ગયું ત્યારે એના ઊભરાને જોઇને બકાને થયું કે આની જગ્યાએ જો ગરમ ગરમ તેલ હોત…તો ભજીયા તળવાની અને ખાવાની કેવી મઝા આવી જાય.બસ આ વિચારમાં એનું ધ્યાન દૂધમાં ના રહ્યું.અને તમને તો આવું કેવી રીતે કહે ?હજી પરમ દિવસે જ તમે હમણાં હમણાંનો ફાંદો થોડો વધી ગયો છે તે ધ્યાન રાખો.’એવી ટકોર મારા ભાઈબંધને કરેલીને ?આવું મસ્ત વરસાદી વાતાવરણ હોય…..ને તમારા જેવી કિચન માસ્ટર પત્ની હોય….પછી બિચારાને ભજીયા ખાવાનું મન થાય જ. એમાં પણ બિચારો તમારાથી સંતાડે….આ તો બહુ કહેવાય.

ત્યારે સીધી રીતે કહેવાતું નથી…?! તમે બેય વાતો કરો.આજે તો ટનાટન ભજીયા ખવડાવું. મુસ્કુરાતા શ્રીમતીજી ભજીયા બનાવવા ગયાં.

વાહ જીગા …બારોબાર આજ તો લંચનું ઠેકાણું પાડી દીધું.બકો હસ્યો.

જેવા ગુરુ એવા ચેલા.તારી પાસેથી તો શીખ્યો છું. કહી જીગાએ આંખ મીંચકારી

લેખક : નિકેતા વ્યાસ કુંચાલા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here