બકાના ગતકડાં

0
26
Share
Share

ખબરદાર તમારી ગર્લ ફ્રેન્ડને પાણીપુરી ખાવા લઈ ગયા છો તો….એમાંય તમારી પોતાની બાયડી એક જ પ્લેટમાંથી પાણીપુરી ખાતાં જોઈ જાય તો…???પકોડી ખાવા ચેઈનવાળા માસ્ક માટે ઘરમાં ઝગડો થાય તો પછી કહેતા નહી હોં…!

ખબરદાર… હવે કોઈ દિવસ આમ કોઈની બાયડીને ખરીદી કરવા લઈ ગયા છો તો….

નહી જાઉં બસ…. આપણે તો પાટર્ી કહે એમ….! પણ પકોડી ખવડાવવા તો લઈ જઈશ…

હેં….શું બોલ્યા…???

તને યાર….તને લઈ જઈશ એમ…. શું તું પણ…!

કોઈ મસ્કા નહી ચાલે…. એના જેવો જ પકોડી ખાવાનો ચેઈનવાળો માસ્ક મારા માટે જોઈએ.

જી હુજુરે આલા….. કબૂલ હૈ…બકાને મનમાં થયું કે આ વળી નવી ઉપાધિ આવી.

થયું એવું કે એ દિવસે સવારમાં બકાના મોબાઈલની રીંગ વાગી.બાથરુમમાં શેવિંગ કરતા બકાનું ધ્યાન નહોતું.

આ …. તમારો ફોન વાગે છે. શ્રીમતીજીએ બીજી રીંગ વાગતાં બૂમ પાડી.

કોનો છે …? વાગવા દે ……  બકાએ જવાબ આપ્યો.બરાબર એ જ વખતે જીગાની એન્ટ્રી થઈ.

શું ચાલે છે…. પાટર્ી…. ? ક્યાં ગયો બકો…? એણે શ્રીમતીજીને જોઈને પ્રશ્ન બદલ્યો.અને એને જોઈને બકાનો મોબાઈલ લેવા લંબાવેલા શ્રીમતીજીના હાથ અટકી ગયા.

આ રહ્યા…… બાથરુમમાં દાઢી કરે… અને આ એમનો મોબાઈલ વાગી વાગીને મને હેરાન કરે…

મારો ડીયર ફ્રેન્ડ તો ભલભલાને હેરાન કરી નાખવામાં પાવરધો છે….પણ એનો મોબાઈલ પણ આ કળા જાણે છે… એ આજે ખબર પડી. જીગાની વાત સાંભળી શ્રીમતીજી હસી પડ્યા.

આજે ચા પીવડાવવાના છો….? તો જલ્દી કરો …શું છે કે અમે આંટો મારી આવીએ.

તમારે તો રવિવાર એટલે રખડપટ્ટી… કહીને શ્રીમતીજી રસોડામાં ગયા. એ જ વખતે ફરી રીંગ વાગી.જીગાએ નામ વાંચ્યું…. હલવો…?!!!’  એ મોબાઈલ લઈને બાથરુમ ભણી દોડ્યો.

બકા…. આ કોનો ફોન આવે છે…?એણે બાથરુમમાં દાઢી કરતા બકાને પૂછ્‌યું.

નામ વાંચને ભાઈ… શેવિંગ ક્રીમ પર રેઝર ફેરવતાં બકો બોલ્યો.

હ…લ…વો……જીગાએ એકેએક શબ્દ છૂટો પાડ્યો.

હમમમ… બકાનો એકાક્ષરી જવાબ શંકા પ્રેરક હતો.

આ હલવો કોણ ? આવું તો કોઈનું નામ હોય ? જીગાએ પૂછ્‌યું ભલે……પણ બકો કાઈ બોલ્યો નહી.અને… એ વાત જીગાને ગમી નહી.

ચા આવી.મૂંગા મૂંગા ચા પીવાઈ…..બેય ભાઈબંધ સાથે બહાર નીકળ્યા.

આ… તારું હલવાવાળું શું લફરું છે …? તું તો મને કશું કહેતો ય નથી…. જીગાએ રિસાયેલા અવાજે કહ્યું.

અરે મારી ફ્રેન્ડ છે….બસ બીજું કાઈ નહી…

બીજું કાઈ નહી…વાળીની………કાલ સવારે તું એને લઈને ભાગી ગયો તો …?! જીગો તો એનો ખા….સ ભાઈબંધ….પકડો એને….એમ કરીને અહીં તો બધા મારો ઘડો લાડવો કરી નાખશે. અરે…યાર… એવું કશું નથી…બાપા…. વી આર જસ્ટ ફ્રેન્ડસ….

આ વળી જસ્ટ ફ્રેન્ડસ એટલે શું… ?

જસ્ટ ફ્રેન્ડસ એટલે લફરાબાજી નહી….એમ.

એટલે તમારી બેની વચ્ચે કઈ નથી…?

ના….

તેં એને આઈ લવ યુ નથી કીધું….એમ ?

ના….

આ …..તારા જવાબનો મને ભરોસો નથી….! તમે ક્યાં મળ્યા…ક્યારે મળ્યા…એ બધી ડીટેઈલ મારે જોઈએ…ચાલ…. હવે તો બકા પાસે કોઈ છૂટકો જ હતો નહી.

એમાં શું છે કે …. હું એકવાર વોલ્વો બસમાં બરોડા જતો હતો…. અને મારી બાજુની સીટમાં એક લેડી બેઠેલી.

એ કોણ… આવડી આ જ…? કે બીજી…? જીગાએ ઉત્સુકતાથી પૂછ્‌યું.

સાંભળ તો ખરો… એણે ઓનલાઈન બુકિંગ કરાવેલું …. પણ એની પાસે ટીકીટ નહોતી .કંડકટરને ટીકીટ ના બતાવે તો ચાલે નહી…..

એટલે તેં એને મદદ કરી…. ને એમ તમારે ઓળખાણ થઈ…..ને પછી દોસ્તી પણ…. હવે આનાથી આગળ શું થયું એ બોલવા માંડ.એક્સાઈટેડ જીગો રીમાન્ડનું એક પગથિયું આગળ વધ્યો.

એટલે….  એને જ્યારે પકોડી ખાવાનું મન થાય, ત્યારે મારે એને કંપની આપવી પડે છે….બસ આટલી જ વાત છે.

આ તારી વાતમાં સાલું કઈ જ સમજાયું નહી… એ મોં ખોલે….. ને તું એમાં પકોડી મુકે…એમ…..? જીગાની તઘલખી વાત સાંભળીને બકાથી ખડખડાટ હસી જવાયું.

તને શું એવો લાગુ છું…..કે રોડ પર ઊભો રહીને બીજાની બાયડીને મારા હાથે પકોડી ખવડાવું…?

એટલે……. શું એ પરણેલી છે…..??? જીગાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ…..!

યેસ માય ડીયર……. બાય મેરીટલ સ્ટેટ્‌સ,વી બોથ આર મેરીડ. આંખો નચાવતાં બકાએ કહ્યું.

બકા…. તો….આને લફરું કહેવાય કે નહી…??

નો મીન્સ નો….. જો મારી જગ્યાએ બીજો કોઈ હોય તો કહેવાય…હોં મલકતાં મલકતાં બકાએ ફોડ પાડ્યો.

અચ્છા…. એમ…?! તો આ હલવો… એ તારો કોડવર્ડ છે ? જીગાએ મૂળ મુદ્દાની પૂછપરછ કરી.

નામ છે એનું હરણી લખમનદાસ.એ વોલ્વોમાં મળેલી એટલે હરણી લખમનદાસ વોલ્વોવાળી….અને એનું ટૂંકું કરો તો હ.લ.વો. થયું કે નહી ?

હા….ભાઈ….હા….તારો તો હલવો ય પકોડી ખાય…!!!જીગો ખડખડાટ હસ્યો.

ફોન એના માટે જ કર્યો હશે. બકાએ કહ્યું.

અલ્યા… આ હજી તેં કહ્યું નથી.એને પકોડી ખાવી હોય તો એમાં તું શું કામમાં આવે…? ઓ…કે… પેમેન્ટ તું કરે એમ…? આ સાલું ….. બોલતાં બોલતાં જીગો ટોટલી કન્ફ્યુડ….!

એને પકોડી ખાવી ખૂબ ગમે… એ પણ લારીની….! પણ એનો વર આને લારીની પકોડી ખાવાની ના પાડે.

મને તો મારી બૈરી આવી ઓફર કરતી નથી.નહિતર હું…. તો લઈ જ જાઉં. ત્યાં જાતજાતની ને ભાતભાતની…. જોવા તો મળે….

શું…? બકાને લાઈટ ના થઈ.

ભાઈ… ભા…ઈ….. એ ના કહેવાય…. જીગો બોલ્યો એ ભેગા જ બકાને લાઈટ થઈ ગઈ….

સાલા… આને એક ને જ જોઈ હોય…. તો એકે બીજી જોવાની જરુર જ ના પડે…. જીગાને ધબ્બો મારતાં બકાએ કહ્યું.

તો … એનો વર એવો કેવો માથાભારે… તે ઘરવાળીનું ના માને…..?

એનો વર કલેકટર છે. બકો ટાઢા કલેજે બોલ્યો.અને એ સાંભળીને જીગો પાંદડાની જેમ ધ્રુજવા લાગ્યો.

ક્યાંનો…. અમદાવાદનો… ? ગાંધીનગર… રાજકોટ… વડોદરા….? ક્યાંનો…??? જીગાની આતુરતા હદ બહારની હતી.

શાંતિ રાખ…. આમાંથી એકેય શહેરનો નહી…

હવે….. તો આને લફરું નહી…. મહાલફરું કહેવાય….. જીગો બોલ્યો….ને એજ ઘડીએ બકાનો મોબાઈલ રણક્યો.

જી… બકો આટલું ટૂંકાક્ષરીમા વાત કરે એ જ શંકાસ્પદ. જીગાએ ડોળા કાઢ્યા… કોણ છે…? જવાબમાં બકાએ ફોન સ્પીકર ઉપર મૂક્યો.

આજે સાંજે લો ગાર્ડન…? સામે છેડેથી રુપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો.

હમમમ… જોઉં….બકાએ જવાબ આપ્યો.

એની પ્રોબ્લેમ…?

નો…નો…બકો જરા ગૂંચવાયો.

બે મહિના થયા છે…

ઓકે… ઓકે… ડન. કહી બકાએ ફોન કટ કર્યો.

બે… મહિના…. એટલે શી ઈઝ પ્રેગ્નેન્ટ….????? ઓ માય ગોડ….તું…. તું…. વાત આટલે પહોંચી તો ય મને તો સાલું કઈ ખબર જ ના પડી. જીગો હાકોબાકો થઈ ગયો હતો.

અલ્યા…. મગજ પર જોર ના આપ…તું વિચારે છે એવું કઈ નથી.મેં એને હજી સુધી આંગળી પણ અડાડી નથી.એના તો બેય છોકરાઓ કોલેજમાં છે…. હવે…નવાજૂની ના હોય…યાર.બકાએ સાવ શાંતિથી કહ્યું.

પણ એણે તો કહ્યું…….બે મહિના થયા છે…

પકોડી ખાધે બે મહિના થયા છે.એમ કહ્યું.ડોબા…. સાલા … એ શબ્દોમાંથી એને પકોડી ખાવાનું બહુ મન છે,એ અર્થ મારે તારવવાનો હતો….મેસેજ સમજ્યા પછી…. મેં હા પાડી.બકો બોલ્યો.

તે એનો વર ના શું કામ પાડે ?

સ્ટેટ્‌સ….! મોટા ઘરની બૈરી ચાર રસ્તે પકોડી ખાય તો સારું ના લાગે…એમ.

આજે તો તારી બેનપણી મારે પણ જોવી જ છે… જીગાએ હઠ પકડી.છેવટે દૂરથી દર્શન કરવાની બકા તરફથી મંજૂરી મળી.

સાંજ પડી.પાંચ વાગ્યે લો ગાર્ડન ચાર રસ્તે ચારે તરફ જીગાની જાસુસ નજરોનો ફેરો હતો.એવામાં હવામાંથી પ્રગટ થઈ હોય એમ એક રુપકડી પાણીપુરીની લારી પાસે દેખાઈ. એ જ રીતે શી ખબર ક્યાંથી બકો પણ ત્યાં દેખાયો.માસ્કમાં પણ એની સુંદરતા દેખાઈ આવતી હતી. કુર્તી જીન્સના સાદા પોશાકમાં એની સિમેટ્રીકલ ફિગર બરાબર જોઈ શકાતી હતી.

લારીથી નજીક એક ચણિયાચોળીનો સ્ટોલ હતો.ત્યાં જઈ જીગો ખોટેખોટો નજર આમતેમ ફેરવતો ઊભો.બીજા કોઈ ઘરાક હતા નહી.જીગાને હતું કે પાણીપુરી ખાવા માસ્ક હટાવશે…. એટલે દૂરથી તો દૂરથી પણ મુખદર્શન થઈ જશે.પકોડીવાળાએ પહેલી પકોડી બનાવીને લંબાવી.પેલીએ પ્લેટમાં લીધી…. હાથમાં પકડી…. મોમાં મૂકી દીધી.જીગો વિચાર કરે…. સાલું માસ્ક ઉતાર્યા વગર… ???સાલી આ પણ બકાની જેમ જ અઘરી નોટ છે.

ક્યા સાબ … આપકો કૌન સી ચાહીએ…? ચણિયચોળીના સ્ટોલવાળી છોકરીએ કંટાળીને જીગાને પૂછ્‌યું.

તુ દેખતી નહી…ક્યા….? વો તો ઉધર લાઈન માર રહેલા….ચલો સાબ લેના નહી હૈ તો ટાઈમ ખોટી નહી કરને કા … છોકરીની માએ ચિડાઈને કહ્યું.

હવે જીગો સામી ફૂટપાથે જઈ ચશ્માની લારીએ ઊભો.લારીવાળાની નજીક હલવો…. અને એનાથી જરા સોશિયલ ડીસ્ટન્સ જાળવીને બકો ઊભો ઊભો એકી નજરે નજાકતથી ખવાતી પાણીપુરીને એકીટશે જોઈ રહ્યો હતો.

અરે… તમે ??? અહી શું કરો છો…? સરપ્રાઈઝ… યાર…. શ્રીમતીજીનો અવાજ સાંભળીને બકો ચોક્યો.

તું…. તું…. અહી…. આટલું બોલતાં બોલતાં બકાને પરસેવો વળી ગયો.

લોગાર્ડન ખરીદી કરવા…. જુઓ…એ રહી મારી ફ્રેન્ડસ…લેડીઝના એક જૂથ તરફ આંગળી ચીંધીને શ્રીમતીજીએ કહ્યું.આ બાજુ પાટર્ીને તો આ કશી ખબર નહોતી….યોગાનુયોગ પાટર્ીની પકોડી ખાવાનો કોટા પૂરો થયો.અને કોયલ ટહુકી…

લો… આ તમારા ભાગની….આ બાજુ આવો હવે… કહી એણે પાણીપુરીની પ્લેટ બકા તરફ લંબાવી. કરે તો ક્યા કરે…? એવો બકાનો ઘાટ હતો. છપ્પનની છાતી કરીને એ એક ડગલું આગળ વધ્યો.પાણીપુરી ઉપાડી… અને મોંમાં મૂકી.

આ… શું છે…? કોણ છે આ..? શ્રીમતીજીનો ગુસ્સો સાતમા આસમાને હતો….બકાએ સામે આંગળી ચીંધી.

જો આ કામ એણે સોપ્યું છે… શ્રીમતીજીએ સામે ઊભેલા જીગાને ચશ્માની લારીએ જોયો.

બકાની ઉલટતપાસમાં બકો એ સાબિત કરવામાં સફળ રહ્યો કે એ’ જીગાના નવા બોસની પત્ની હતી…..એને ચણિયાચોળી ખરીદવાના હતાં.અમે ખરીદી કરાવવા સાથે ગયા.ત્યાં સાહેબને

અગત્યનો ફોન આવતાં….જવું પડ્યું….ને મેડમને પકોડી ખાવાની ઈચ્છા થઈ…!

ટાણે જ જીગાને ચશ્મામાં રસ પડ્યો….! ને એકલા એકલા…ખવાય…? એવો વિચાર આવતાં મેડમે પાણીપુરી ઓફર કરી…. તો મારાથી એમને ના કેમ પડાય….? મારા મનમાં ચોર હોય તો તારા દેખતાં ખવાય ?

પેલી પાસે હતો એવો સ્પેશિયલ પકોડી ખાવાનો ચેઈનવાળો માસ્ક લઈ આપવાની શરતે માંડ મામલો થાળે પડ્યો.

લેખક : નિકેતા વ્યાસ કુંચાલા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here