યુ ડોન્ટ નો બટ વાહરીંગ પ્રોબ્લેમ ઈઝ અ બીગ પ્રોબ્લેમ. મેન ગુજર જાઈંગ ઇન ધીસ પ્રોબ્લેમ.આઈ હેવ ઓન્લી વન બાયડી….બટ યુ હેવ મેની ઓફિસર્સ
તમારા મિત્રને મારે મળવું છે.ચુનીકાકાની સાથે એક જ બાંકડે બેઠેલી સુમીએ કહ્યું.
હમમમ… શું બોલવું એ સમજ ના પડતાં ચુનીકાકાએ ટુંકાવ્યું.
હમમમ…બમમમ મૂકીને ચોખ્ખી વાત કરો.
હું શું વાત કરું..? ચુનીકાકા મૂંઝાયા.એમણે જરાક આઘે જઈને બકાને ફોન જોડ્યો.
બકા… એક પાટર્ી છે… એની સાથે તારે વાત કરવાની છે. બાંકડે આવી જા.
પાટર્ી…બોલે તો…કોણ ? બકાને નવાઈ લાગી.
અલ્યા મારી ફ્રેન્ડ છે… રોજ બગીચામાં ચાલવા આવે છે મારી જોડે.
એ મને ક્યાંથી ઓળખે ?
મારે એની જોડે વાતો શી કરવી ? એટલે તારી વાતો કરતો હોઉં….એમાં અમેરીકાવાળી વાત કરી….એટલે એ તને મળવા માંગે છે. ત્યાં જ ચાલુ વાતમાં ઘરેથી શ્રીમતીજીનો ફોન આવ્યો.બકાએ ચુનીકાકાને સાઈડ કરીને શ્રીમતીજીનો ફોન ઉપાડ્યો.
આજે શું જમવાનું બનાવું …?શ્રીમતીજીએ પૂછ્યું.
અરે… જે બનાવવું હોય એ બનાવ…. હું બાંકડા પાટર્ીમાં ચુનીકાકા બોલાવે છે, એટલે ત્યાં જઈને પછી આવીશ. બકાએ જવાબ આપ્યો.
વોટ ઈઝ બાંકડા પાટર્ી…? શ્રીમતીજી મૂંઝાયા.
ગાર્ડનમાં ચાલતા ચાલતા થાકે એટલે બાંકડે બેસીને વાતોના ગપાટા મારે…એને કહેવાય બાંકડા પાટર્ી…..
એમની એક બાંકડા ફ્રેન્ડ છે, સુમી….એ મારી સ્કૂલ ફ્રેન્ડ છે.એને મારું કઈક કામ છે….
ચુનીકાકાને…. આ ઉમરે એમનાથી અડધી ઉમરની બાંકડા ફ્રેન્ડ…?! ઓહ…. આ વાત પરીકાકીને કરવી પડશે….આવા વિચારમાં અટવાયેલા શ્રીમતીજી ઘડીક અવાક થઈ ગયાં.
બાંકડા પાટર્ીમાં બકાની અને જીગાની સાથે જ એન્ટ્રી થઈ. જીગાએ આવતાં વેંત ચુનીકાકાને ધબ્બો માર્યો.
શું છે ચુનીકાકા …. હેં….?!!જીગાએ ચાળો કર્યો.
અરે આજે તો મને સરપ્રાઈઝ મળી છે….તમારી બાંકડા પાટર્ી વિષે જાણીને.બકાએ કહ્યું.
મને કોઈએ એવું કહ્યું… તમે અમેરિકા જઈ આવ્યાં છો…આઈ એમ સો ઈમપ્રેસ્ડ… સુમી બોલી.
આને તારી અમેરિકાવાળી આખી સ્ટોરી સાંભળવી છે…. ચુનીકાકાએ ઘટસ્ફોટ કર્યો.
તમને તો ખબર જ છે…. તમારે કહી દેવાયને…બકાએ કહ્યું.
ના ના…. મારે તમારા મોઢેથી જ સાંભળવી છે. સુમીએ આગ્રહ કર્યો.બકાએ વાત માંડી.
ચોવીસમી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ અમદાવાદની મુલાકાતે આવેલાં….ત્યારે મારી ડ્યુટી પણ મોટેરા સ્ટેડીયમમાં હતી….
અને… આ પાછો જે સ્ફૂર્તિથી કામ કરે …. એમાં ટ્રમ્પભાઈની નજરે ચડી ગયો….! એને એમ થયું કે આ માણસ મારે મારી ટીમમાં જોઈએ. ચુનીકાકા બોલ્યાં.
હેં….? શું વાત કરો છો ? તમે ટ્રમ્પને ગમી ગયાં…!!!ઓ માય ગોડ…!પછી….પછી શું થયું…?સુમીની આતુરતા એકદમ વધી ગઈ.
ટ્રમ્પે બકાને ઓફર આપી…. પણ એમ કાઈ મારો ભાઈબંધ માની જાય…? એટલે એમણે ચીફ મિનિસ્ટર પાસે માંગણી કરી…! ટ્રમ્પની વાત સાંભળીને રુપાણી સાહેબ મૂંઝાયા…!જીગો બોલ્યો.
એવું કેવું…?એમ કાઈ મંગાય ખરું…?
થાય…ને… આપણે ત્યાં પણ એવું થાય છે.કોઈ વિભાગમાં કર્મચારીઓની ઘટ હોય તો બીજા વિભાગમાંથી કામ કરવા કર્મચારીઓ માંગે. એને લોન પર સ્ટાફ લીધો,એમ કહેવાય…. બકાએ સ્પષ્ટતા કરી.
પછી…?પછી શું થયું ?સુમીની આતુરતા વધી રહી હતી.
રુપાણી સાહેબ તો બહુ શાણા….! એમણે કહ્યું આ મુદ્દો તો પીએમને પૂછવો પડે….!એટલે વાત ગઈ મોદી સાહેબ પાસે.બકાએ વાત આગળ વધારી.
મોદી સાહેબે પહેલાં તો ના પાડી….આ કાઈ વસ્તુ થોડી છે તો આપી દેવાય…?પણ તો ય ટ્રમ્પ તો માન્યા જ નહી…. માન્યા જ નહી…. મારે તો બકાને અમેરિકા લઈ જ જવો છે.
ઓહ….એવું થયું…?
ત્યારે વચલો રસ્તો એવો કાઢ્યો કે બકાને હાલ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે મોકલીએ…. પણ એને કોઈ તકલીફ ના પડવી જોઈએ.અને ભવિષ્યમાં એના ફેમિલીને પણ ત્યાં બોલાવી શકશે.
વાઉ…. વોટ અ ચાન્સ…! તો પછી તમે બધાં હજી ઇન્ડિયામાં કેમ છો ?સુમીએ પૂછ્યું.
એ જ તો સાંભળવા જેવું છે… બકાએ હસતાં હસતાં કહ્યું.
હું અમેરિકા પહોચ્યો….અને પ્રોબ્લેમો શરુ….સૌથી પહેલો તો લેન્ગવેજ પ્રોબ્લેમ…સાલા એ લોકો શું સટર પટર બોલે…..અડધી સમજણ ના પડે.
બરાબર છે…અજાણી ભાષા…પેલીએ સુર પુરાવ્યો.
હવે જેવો એરપોટર્ પર ઉતર્યો…. મને તો લાગી….મેં એક મારી જોડે ધોળિયો હતો એને કહ્યું… આઈ વોન્ટ ટુ ગો….પેલો કહે…વોટ…વોટ…પણ સાલું મને ઝટ યાદ ના આવે કે જાજરુ જવું છે એને ઇંગ્લિશમાં શું કહેવાય..? મેં કીધું આઈ વોન્ટ ટુ ગો જાજરુ ફટાફટ. ફિર દુર્ઘટના ઘટીંગ નોટ બ્લેમીંગ મી.
એટલે હવે પેલાને ખબર ના પડી…તો એ કહે પ્લીઝ…પ્લીઝ….અને આણે કીધું…પ્લીઝ પ્લીઝ કર નહી…તારા કાકાને અહીને અહી થઈ જશે… જીગાએ હસતા હસતા વાત આગળ વધારી.
ના એ સમજે…. ના હું સમજુ….પછી હું તો ભાગ્યો.ધોળીયાઓને એમ થયું કે મને પરાણે અમેરિકા લાવ્યા છે તે હું પાછો ઇન્ડિયા જવા ભાગ્યો…. ને આખી ફોજ મારી પાછળ…!
બકાની વાત સાંભળીને સુમી તો લોટપોટ થઈ ગઈ.
પછી…???!
પછી… મને બાથરુમ જડી ગયું….ને હું પેઠો….બહાર બધા ભરી બંદુકે….હું તો કામ કરીને શાંતિથી બહાર નીકળ્યો…ત્યાં તો ચારેબાજુથી ઘેરી લીધો.
પછી….???!
પછી…મેં આમ બે આંગળી બતાવી…. મોટેથી કીધું સાલાઓ ખવડાવી પીવડાવીને મારી નાખવાનો છે…? બહાર તો કાઢવા દો.પણ હરામ એકેને ખબર પડી હોય તો.
ઓહો….પછી…શું થયું..???
પછી…એમનેમ ગાડું ચાલ્યું….
ત્યાં તમને શું કામ સોંપ્યું હતું…?
મારે ટ્રમ્પની સાથે જ રહેવાનું…એમની વ્યવસ્થા ચેક કરવાની. ટ્રમ્પ તો મારાથી એટલા ઈમપ્રેસ હતાં કે… એમના ધોળીયાઓને એમ કહેતા…જુઓ….જુઓ…શીખો…આની પાસેથી.
તો તો ધોળીયાઓને તમારી ઈર્ષા જ થાયને…?
એમાં એકવાર એક લેડી ઓફિસર સાથે હું લંચ કરતો હતો…. ને ઘરવાળીનો ફોન આવ્યો…. મને કહે વિડીયો કોલ કરો…. આપણે તો કર્યો…..ને ત્યાંથી શરુઆત થઈ…
શું… શેની શરુઆત…? સુમીને ન સમજાયું.
અરે…. પેલી ધોળીયણ તો શું…. રુપાળી…..શું… રુપાળી….! અને આખી કેન્ટીનમાં બે જણા એકલા બેસીને સેન્ડવીચ ખાય….! એ ઘડીએ આની વાઈફને રીયલાઈઝ થયું, કે ટ્રમ્પને તો બીજો માણસ મળી રહેશે….પણ મારે તો એકનો એક જ પતિ છે.ચુનીકાકાએ પત્તાં ખોલ્યાં.
પછી તો એણે હઠ પકડી… પાછા જ આવો.પણ આવવું કઈ રીતે ?બકાએ કહ્યું.
ઇન્ટરેસ્ટીંગ ….પછી શું કર્યું…?સુમી બોલી.
મેં એકવાર શાંતિથી ટ્રમ્પને કહી જોયું.મારે ઇન્ડિયા પાછું જવું છે.પણ એ તો ભડક્યા… નો…નો…નો…યુ હેવ ટુ બી હિયર…આઈ એમ ઈમપ્રેસ્ડ બાય યોર એટીટ્યુડ…. ટીચ ઓલ ટુ માય ઓફિસર્સ.
એટલે બીજા શબ્દોમાં ના પાડી જ કહેવાય…જીગો બોલ્યો.
સીધી આંગળીએ ઘી ના નીકળે તો…. કહી બકાએ સુમીની સામે જોયું.
ટ્રમ્પનો એક ખાસ માણસ હતો.એને મેં કહ્યું કે આજે મારાથી મીટીંગમાં નહી અવાય.તો કહે કેમ? મેં કીધું કે ટુ ડે નોટ ફીલિંગ વેલ. આઈ મે બી વાહરી પડીંગ.એ તો સમજે જ નહી ….એ કે ના….ચાલે … આવવું જ પડે.
વાહરી પડીંગ……ઓ માય ગોડ…. હસાહસ ચાલુ થઈ ગઈ.
ત્યાં એક ઇન્ડીયન રસોઈયો….એણે એક પાવડર આપ્યો.જે લેવાથી ખૂબ ગેસ થાય. મીટીંગ પહેલા એક ડોઝ લઈ જ લેવાનો….અને મીટીંગ વચાળે…. ધૂમ ધડાક… ભૂમ ભડાક…!!!
ત્યાં તો મેનર્સ….એટલે…કેવી ?! આવું ચાલે જ નહી. જીગાએ ટાપસી પૂરી.
એ લોકોએ મને ટપાર્યો….ઠપકાર્યો…. પણ છેવટે એમ થયું કે આને દાખલ કરો….કર્યો દાખલ…દવાખાનામાં પણ કોઈ ફેર નહી. ધોળીયાઓ મૂંઝાયા….
દવાખાનામાં પણ કોઈ ફેર ન પડ્યો….એ કેવી રીતે ?
મારી રસોઈ પેલો ઇન્ડીયન રસોઈયો બનાવતો….. એ ખોરાકની સાથે વાહરીંગ પાવડર મોકલી આપે .ક્યારેક ફ્રુટ પર છાંટીને તો ક્યારેક જ્યુસમાં….સરવાળે ધૂમ ધડાક…. ભૂમ ભડાક….માં કોઈ ફેર નહી.
આ વાતની ઇન્ડીયન પબ્લિક અને એમ્બસીને ખબર પડી…. ટ્રમ્પ ઉપર દબાણ વધ્યું….પછી તો વાજા ગાજા સાથે મને પાછો મોકલવો પડ્યો .
ટ્રમ્પે તમને કશું કહ્યું નહી?
કહ્યું ને…એ બહુ બધું બોલેલા…પણ મેં ક્યાં સાંભળ્યું હતું….?! મેં એમને કીધું… કે યુ ડોન્ટ નો બટ વાહરીંગ પ્રોબ્લેમ ઈઝ અ બીગ પ્રોબ્લેમ. મેન ગુજર જાઈંગ ઇન ધીસ પ્રોબ્લેમ.આઈ હેવ ઓન્લી વન બાયડી….બટ યુ હેવ મેની ઓફિસર્સ. આઈ કેન નોટ પરણીન્ગ સેકન્ડ ટાઈમ એટ ધીસ એઈજ. બીકોઝ આઈ હેવ ટુ ચિલ્ડ્રન…! યુ નોટ વિચારીંગ…. ધીસ અગેઈન.અધરવાઈઝ ખરાબ પરિણામ આવીંગ.બકા સીરીયસલી ટેલીંગ.
આમાં એમને સમજણ પડી ખરી…?હસતા હસતાં સુમી બોલી.
પાડવાની જ ક્યાં હતી….?! એના દુભાષિયાને કહ્યું, આને સમજાવી દે.ઇન્ડીયન પબ્લિક વિરોધ કરશે તો બીજીવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતશે નહી.
હમમમ… ટ્રમ્પ તમને પરાણે લઈ ગયાં એટલે ચુંટણીમાં હારી ગયાં…..ઓહ હવે સમજાયું.
હારી જાય ….હારી જાય…. બકાની સામે પડાય જ નહી….કહીને ચુનીકાકાએ જોરથી બાંકડા ઉપર હાથ પછાડ્યો.એવી જ એક સટાક કરતી પડી.
પડી એટલે બેઠા થઈ ગયાં.જુએ તો બાજુમાં ગુસ્સાથી લાલઘૂમ કાકી….
આ અડધી રાતે હું માંડ્યું સ…?બકો… બકો… બકો….આખો દન ઈની જોડ રખડી રખડીન સપના ય ઇના જ આવહ….રાતના તૈણ વાજ્યા તૈણ…. હાથપગ ઉલાર્યા વગર હુઈ જાવ… નકર તગડી મેલે ઘરની બાર…. અલ્ટીમેટમ આપીને કાકીએ તો રજાઈ ખેંચી લીધી.
ચુનીકાકા ચડ્યા વિચારે .આવતીકાલથી જ બગીચામાં જોગીંગ કરવાનું શરુ કરવું છે.સાચેસાચ કોઈ સુમી મળી પણ જાય…! પ્રેમ ભલભલાને બદલી નાંખે હો…! એ હાવ હાચું…!
લેખક : નિકેતા વ્યાસ કુંચાલા