ફાયર સેફ્ટીના પાલન અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાંટકણી કાઢી

0
20
Share
Share

અમદાવાદ,તા.૧૮

કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલા સુઓમોટોની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ અમદાવાદની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં આઠ કોરોના દર્દીઓ મૃત્યુ પામવાની ઘટનાને અત્યંત ગંભીર અને દુઃખદ ગણાવી છે. ખંડપીઠે રાજ્ય સરકારને વેધક સવાલ કર્યો છે કે ગુજરાત ફાયર સેફ્ટી એક્ટમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને શા માટે બાકાત રાખવામાં આવ્યા છે. ફાયર સેફ્ટી એક્ટમાંથી કોર્પોરેશન હેઠળના વિસ્તારોને બાકાત રાખી રાજ્ય સરકારે લોકો સાથે છેતરપિંડી કરી છે તેવું કહી શકાય. આ અંગે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબ રજૂ કરવા કોર્ટે આદેશ આપ્યો છે. સુઓમોટોની સુનાવણી દરમિયાન ખંડપીઠે શ્રેય હોસ્પિટલની દુર્ઘટના મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકારને ખંડપીઠે સવાલ કર્યો હતો કે અમદાવાદ સહિતની આઠ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને ફાયર સેફ્ટી એક્ટમાંથી બાકાત શા માટે રાખવામાં આવ્યા છે.

વધુ વસતી ધરાવતા મોટાં વિસ્તારોને જ જો આ કાયદામાં સમાવિષ્ટ ન કરવના હોય તો પછી આકાયદાનો અર્થ શું..? શ્રેય હોસ્પિટલની દુર્ઘટના અંગે અંગે હાઇકોરેટ ટકોર કરી હતી કે કોઇ ખાનગી હોસ્પિટલમાં આગ લાગે તો ફાયર ફાઇટિંગ કેવી રીતે કરવું તેની તાલીમ ફાયરકર્મીઓને આવે છે ? જો આવી તાલીમ આપવામાં આવી હોય તો આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના શા માટે ટળતી નથી ? અમદાવાદની ૨૦૨૨માંથી ૯૧ હોસ્પિટલ પાસે જ ફાયર સેફ્ટીની એન.ઓ.સી. છે, આવી પરિસ્થિતિ કેવી રીતે ચલાવી લેવાય? શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ સામે થયેલી રિટમાં અરજદારે રજૂઆત કરી હતી કે ગુજરાત હાઇકોર્ટે રાજ્યામાં ફાયર સેફ્ટી મુદ્દે વર્ષ ૧૯૯૭થી ૨૦૦૧ દરમિયાન વિવિધ આદેશો કર્યા હતા અ ને આ આદેશોને સુપ્રીમ કોર્ટે પણ ગ્રાહ્ય રાખ્યા હતા. બન્ને કોર્ટના આદેશો બાદ પણ રાજ્ય સરકારે ફાયર સેફ્ટી એક્ટ અમલમાં મૂકવાની વાતો કરી હતી પરંતુ નિયમો ઘડયા નહોતા.

૨૦૧૩માં ઘડવામાં આવેલા નિયમોને ૨૦૧૬માં અમલમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ કાયદામાંથી કોર્પોરેશન હેઠળના વિસ્તારો બાકાત રાખવામાં આવ્યા છે. કોર્પોરેશન તંત્ર બહુમાળી ઇમારતો અને હોસ્પિટલોને ફાયર સેફ્ટીની એન.ઓ.સી. આપે છે પરંતુ રહેણાક વિસ્તારોમાં એન.આ.સી. અપાતી નથી.ફાયર સેફ્ટીના ભંગ મુદ્દે કોમર્શિયલ ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ રહેણાક ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજ્ય સરકાર તરફથી આ અંગે પક્ષ રજૂ કરવાની માગણી કરાતા સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબ રજૂ કરવા નિર્દેશ કરાયો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here