પ્રજા શિસ્તબદ્ધ રહે તો લોકડાઉનની જરૂર નથી

0
60
Share
Share

કોરોનાનાં સામાન્ય લક્ષણો ના દેખાય એટલે વ્યક્તિને પોતાને કશું થયું છે એવું લાગે જ નહીં પણ કોરોના તો હોય જ. એ વધારે વકરે પછી ખબર પડે ને એવા કેસો વધતા જાય છે. લોકો અંદરખાને કોરોનાનો ભોગ બની રહ્યા છે પણ બહાર ખબર પડતી નથી. એવી વ્યક્તિ આપણને ચેપ ના લગાડી જાય એટલા માટે આપણે શિસ્તબદ્ધ બનીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે

નરેન્દ્ર મોદી સરકારે લાદેલા લોકડાઉનનો બીજો તબક્કો પૂરો થવા આડે હવે ગણીને  એક બે દિવસ બચ્યા છે. મોદી સરકાર લોકડાઉન લંબાવવાના મૂડમાં હોય એવું લાગતું નથી. મોદી સરકારે જે રીતે ઉદ્યોગો અને નાની નાની દુકાનો સુધ્ધાંને ખોલવાની મંજૂરી આપવા માંડી છે તેના પરથી લાગે છે કે, ચાલીસ દિવસના લોકડાઉનના કારણે અર્થતંત્ર પર પડેલા ફટકાના કારણે મોદી સરકાર પણ હાંફવા માંડી છે. મોદી સરકારને પણ લાગવા માંડ્યું છે કે, કોરોના સામે લડવા માટે લોકડાઉન લાદ્યા કરીશું તો અર્થતંત્રની બુંદ બેસી જશે ને એવી હાલત થઈ જશે કે ફરી બેઠાં થતાં ફીણ પડી જશે. હજુ દેશનાં ઘણાં રાજ્યો લોકડાઉન લંબાવવાની તરફેણ કરે છે પણ મોદી સરકાર લોકડાઉન નહીં લંબાવે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.મોદી સરકાર લોકડાઉન ના લંબાવે તો તેમાં કશું ખોટું નથી. મોદીએ લોકોના સ્વાસ્થ્યની સાથે અર્થતંત્રના સ્વાસ્થ્યની ચિંતા પણ કરવી જ પડે. લોકોને સાજા રાખવા માટે લોકડાઉન લંબાવ્યા કરીએ તેમાં અર્થતંત્ર માદું પડી જાય એ પણ ના ચાલે. મોદી એ સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી જેમાં કેટલાક રાજ્યોએ લોકડાઉન લંબાવવાની વાત કરી હતી પણ કેન્દ્ર સરકાર જ્યાં પરિસ્થિતિ એટલી ગંભીર નથી તે વિસ્તારોમાં લોકડાઉનને લંબાવવા માંગતી નથી જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે ત્યાં નિયંત્રમ આકરા રાખવાનો સરકારનો ઉદ્દેશ્ય છે.જો કે મોદીએ આખા દેશની ચિંતા કરવાની છે એ જોતાં મોદી લોકડાઉન પૂરું કરવાનું વિચારતા હોય તો તેમાં કશું ખોટું નથી.મોદી શું નિર્ણય લેશે એ આપણને ખબર નથી પણ લોકો પોતાની ફરજ સમજીને વર્તે તો લોકડાઉનની હવે જરૂર પણ નથી. લોકડાઉન લાદવાની ફરજ પડી તેના મૂળમાં આપણા લોકોમાં શિસ્તનો સદંતર અભાવ ને સ્વાર્થવૃત્તિ જવાબદાર છે. મોદીએ લોકડાઉન પહેલાં એક દિવસનો જનતા કરફ્યુ લાદ્યો ત્યારે આપણે જે રીતે સાવ જંગલીની જેમ વર્ત્યા ને શિસ્તના લીરેલીરા ઉડાડી દીધા તેના કારણે લોકડાઉન લાદવું પડ્યું. બાકી આપણે ભીડ એકઠી કરવાના બદલે શાંતિથી ઘરોમાં ભરાઈ રહ્યા હોત ને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યું હોત તો લોકડાઉન લાદવાની જરૂર જ ક્યાં હતી ? ચાલીસ દિવસના લોકડાઉન પછી આપણે આ વાત સમજ્યા હોઈએ તો સારું. એ વખતે જે ભૂલો કરી એ આ વખતે ના કરીએ તો લોકડાઉનની જરૂર જ નથી.આપણે શિસ્તબધ્ધ બનવા અને સ્વાર્થવૃત્તિ છોડવા સાથે એ વાસ્તવિકતા પણ સમજવાની જરૂર છે કે, કોરોનાની તલવાર હજુ આપણા માથે લટકે જ છે. લોકડાઉન લાદી દીધું ને ચાલીસ દાડા કાઢી નાંખ્યા એટલે કોરોના ભાગી ગયો છે એવો ભ્રમ રાખવાની જરાય જરૂર નથી. ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા બીજા દેશોની સરખામણીમાં ઓછી છે ને મૃત્યુઆંક પણ ઓછો છે એવું સતત કહેવાય છે. રાજ્ય સરકારો આ વાતને પોતાની સિદ્ધિ પણ ગણાવે છે પણ આ અર્ધસત્ય છે ને રાજ્ય સરકારો જાતે જ પોતાની પીઠ થાબડે તેનાથી આપણે છેતરાઈ જવાની જરૂર નથી. તેના કારણે કોરોનાનો ખતરો ઘટી ગયો છે કે હવે બહુ સાવચેતીની જરૂર નથી એવું માનવાની ભૂલ કરવા જેવી નથી.આંકડાની રીતે ભારતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક ઓછો છે પણ સામે ભારતમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા પણ બહુ ઓછી છે એ પણ યાદ રાખવા જેવું છે. ભારતમાં અત્યાર લગીમાં માંડ ચારેક લાખ લોકોના ટેસ્ટ થયા છે. દુનિયાના જે દેશોમાં કોરોનાના કેસોની સંખ્યા મોટી છે ત્યાં કેટલા ટેસ્ટ થયા છે તેના આંકડા પર નજર નાંખશે તો સમજાશે કે તેમની સરખામણીમાં ભારતમાં ટેસ્ટિંગનું પ્રમાણ બહુ નીચું છે. અમેરિકામાં ૬૦ લાખ કરતાં વધારે લોકોના ટેસ્ટ કરી દેવાયા છે જ્યારે ઈટાલી, ફ્રાન્સ, સ્પેન, જર્મની, યુ.કે. જેવા કોરોનાની લપેટમાં સૌથી વધારે આવી ગયેલા દેશોમાં પણ ૨૦ લાખ કરતાં વધારે લોકોના ટેસ્ટ કરાયા છે. આ બધા દેશો એવા છે કે જેમની વસતી આપણા કરતાં દસમા ભાગથી પણ ઓછી છે ને છતાં ટેસ્ટનું સરેરાશ પ્રમાણ પાંચ ગણું વધારે છે. દક્ષિણ કોરિયામાં તો કોઈ ઘર એવું નથી કે જ્યાં ઓછામાં ઓછી એક વ્યક્તિનો ટેસ્ટ ના કરાયો હોય.

બીજા ઘણા બધા દેશો એવા છે કે જ્યાં આપણા કરતાં વસતી પંદરમા કે વીસના ભાગની હોય ને છતાં દસ લાખ કરતાં વધારે લોકોના ટેસ્ટ તો થઈ જ ગયા હોય.ભારતની કુલ વસતી ૧૩૦ કરોડ છે એ જોતાં વસતીના એક ટકા ૧.૩૦ કરોડ લોકો થાય. આ ગણિત માંડીએ તો ભારતમાં કુલ વસતીના કેટલા ટકા લોકોના ટેસ્ટ હજુ થયા છે તેની ગણતરી કરી જુઓ. એક ટકાના દસમા ભાગના એટલે કે ઝીરો પોઈન્ટ ૧ પર્સન્ટ પર પણ હજુ આપણે પહોંચ્યા નથી. અત્યારની ગતિએ આગળ વધીએ તો આપણે કુલ વસતીના એક ટકા લોકોના ટેસ્ટ ક્યારે કરી રહીશું એની ગણતરી માંડતાં પણ હાંફી જવાય. રાહુલ ગાંધી કોરોનાની લડાઈમાં રાજકારણ ઘુસાડી દે છે એ ખોટું છે પણ ભારતમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધારવાની જરૂર છે એવી તેમની વાત સાવ સાચી છે. અત્યારે આપણે ત્યાં રોજના માંડ ચાલીસેક હજાર ટેસ્ટ થાય છે ને આપણી વસતીના પ્રમાણમાં એ કંઈ ના કહેવાય. દુનિયાના બીજા દેશો એક ટકા કરતાં વધારે વસતીના ટેસ્ટ કરી ચૂક્યા છે ત્યારે આપણે ટેસ્ટિંગમાં હજુ બહુ પાછળ છીએ જ.અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસો અને મૃત્યુઆંક આપણી સરખામણીમાં વધારે છે. આપણે ત્યાં એ સ્થિતિ નથી એ સારું છે પણ આપણે ત્યાં હજુ કેસ વધવાના છે એ પણ યાદ રાખવું જરૂરી છે. જેમ જેમ ટેસ્ટનું પ્રમાણ વધતું જશે તેમ તેમ આ આંકડો વધતો જશે. શરૂઆતના તબક્કે આપણને કોરોનાના હોટ સ્પોટ ક્યાં છે તેની ખબર નહોતી. તેના કારણે અડસટ્ટે ટેસ્ટ થતા હતા. હવે આપણને ખબર છે કે ક્યા વિસ્તારોમાં કોરોના વાઈરસનો ચેપ વધારે લાગેલો છે. આ કારણે એ જ વિસ્તારોને નિશાન બનાવીને હવે ટેસ્ટ કરાય છે ને તેના કારણે પણ કોરોનાના કેસનો આંકડો વધશે જ. આ આંકડો બીજા દેશો જેટલો ચોક્કસ નહીં હોય પણ આપણે એ સમજવાની જરૂર છે કે, કોરોનાના ટેસ્ટ ના નોંધાયા હોય તેના કારણે કોઈ વિસ્તારમાં ચેપ નથી એવા ભ્રમમાં ના રહેવું. તેનું કારણ એ વિસ્તારમાં ટેસ્ટ નથી થયા એ પણ હોય.ભારતીયોએ બીજી પણ એક બાબતથી પણ ચેતવા જેવું છે. ભારતમાં કોરોનાના ટેસ્ટ ઓછા છે તેનું એક કારણ એ પણ છે કે, ભારતમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેથી કોરોના થયો હોય તો પણ એ ઝડપથી ધ્યાનમાં નથી આવતું. દુનિયાના ધનિક દેશોમાં લોકો ભૌતિક સવલતો વધારે ભોગવે છે તેથી સુંવાળા છે. તેની સામે આપણે તો રોજ લઠ્ઠા લઈને જ જીવવાનું હોય તેથી આપણ વધારે કસાયેલા છીએ. આપણે ત્યાં દર વર્ષે જાત જાતના રોગચાળા પણ ફાટી નિકળે છે ને તેના કારણે પણ આપણે ત્યાં લોકોનાં શરીર પ્રતિકૂળ સ્થિતિ સામે ટક્કર ઝીલવા માટે વધારે સક્ષમ છે. આ વિજ્ઞાનનો નિયમ છે ને એ નિયમ અત્યારે કામ કરી રહ્યો છે.બીજી એક વાત એ કે, રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાના કારણે કોરોના વાઈરસનાં લક્ષણો ઝડપથી નથી દેખાતાં. ભારતમાં છેલ્લા એકાદ અઠવાડિયામાં કોરોનાના જે નવા કેસો આવ્યા છે તેના પરથી જ આ વાત સ્પષ્ટ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ તો પોતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં નવા નોંધાતા કોરોનાના કેસોમાંથી ૮૦ ટકા કેસો અસિમ્પટોમેટિક એટલે કે લક્ષણો ના દેખાય એવાં છે. કોરોનાનાં સામાન્ય લક્ષણો ના દેખાય એટલે વ્યક્તિને પોતાને કશું થયું છે એવું લાગે જ નહીં પણ કોરોના તો હોય જ. એ વધારે વકરે પછી ખબર પડે ને એવા કેસો વધતા જાય છે. તેનો અર્થ એ કે, લોકો અંદરખાને કોરોનાનો ભોગ બની રહ્યા છે પણ બહાર ખબર પડતી નથી. એવી વ્યક્તિ આપણને ચેપ ના લગાડી જાય એટલા માટે આપણે શિસ્તબદ્ધ બનીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.

મોદી સરકારે જે છૂટ આપી છે એ અર્થતંત્રની ગાડી ચાલતી રહે તેના માટે છે ને તેનો ગેરલાભ આપણે ના લેવો જોઈએ. આપણને તકલીફ ના પડે એટલે આ નિર્ણય લેવાયો છે પણ આપણા માટે તો લોકડાઉન અમલી છે જ એમ માનીને આપણે વર્તીએ તો વાંધો નહીં આવે. ઘરમાં બધું ભરવા માટે દોડાદોડ કર્યા કરીએ ને બજારોમાં ભીડ કરીએ તો કોરોના ફેલાશે જ એ વાત હંમેશાં યાદ રાખીએ તો લોકડાઉનની જરૂર નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ, શિસ્ત ને સ્વાર્થવૃત્તિનો ત્યાગ એ જ કોરોના સામે લડવાનો ઉપાય છે એ વાત યાદ રાખીએ તો મોદીએ બીજું કશું કરવાની પણ જરૂર નહીં પડે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here