પ્યાસીઓને ભરી પીવા અમરેલી જિલ્લામાં ૮ ચેકપોસ્ટ શરૂ, ૩૧મી પહેલા ઠેર-ઠેર બુટલેગરો પર પોલીસ ત્રાટકશે-એસ.પી રાય

0
20
Share
Share

અમરેલી તા.૨૭

અમરેલી પંથકમા દર વર્ષે નવા વર્ષની ઉજવણીના પ્રસંગ પર દારુનુ દુષણ વધે છે. ખાસ કરીને દિવ નજીક હોય મોટી સંખ્યામા પ્યાસીઓ ત્યાંથી નશો કરેલી હાલતમા આવે છે. ત્યારે અમરેલી જિલ્લામા પોલીસે એકશન પ્લાન બનાવી દારુના ધંધાર્થીઓ અને નશાખોરોની શાન ઠેકાણે લાવવા આઠ વધારાની નવી ચેકપોસ્ટ શરુ કરી છે. વળી આ ચેકપોસ્ટ એવી રીતે શરુ કરાઇ છે કે કોઇ વ્યકિત આડા અવળા રસ્તેથી પણ જિલ્લામા પ્રવેશે તો કોઇને કોઇ ચેકપોસ્ટ પર ઝડપાઇ જાય. અમરેલી જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય અને તેની ટીમ દ્વારા આ એકશન પ્લાન અમલમા મુકાયો છે.

ટીંબી, કોટડાપીઠા, માણેકવાડા, ભોરીંગડા, ચાવંડ વિગેરે જગ્યાએ અગાઉથી ચેકપોસ્ટ કાર્યરત છે. પરંતુ નવા વર્ષની ઉજવણીના બહાને નશાખોરી કરતા તત્વોને ભરી પીવા વધારાની આઠ ચેકપોસ્ટ ઉભી કરવામા આવી છે. વળી આ ચેકપોસ્ટ એવા સ્થળોએ ઉભી કરાઇ છે કે કોઇ વ્યકિત આગળથી પણ પોલીસની નજરમાથી છટકી જાય તો જિલ્લાના અંદરના વિસ્તારમા પણ ચેકપોસ્ટ પર ઝડપાઇ જાય. ખાસ કરીને ઉના, દિવ તરફથી નશો કરીને આવતા લોકો છટકે નહી તે માટે તે વિસ્તાર પર ખાસ ફોકસ કરાયુ છે. બીજી તરફ આજે અમરેલી જિલ્લામા જુદાજુદા સ્થળેથી ૫૦ શખ્સોને પોલીસે નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા.આ ઉપરાંત જયારે ત્રણ સ્થળેથી દેશીદારુ ઝડપાયો હતો. આ ઉપરાંત બાબરાના કરિયાણા રોડ પર રહેતા ભરત વલ્લભ ગોલાણી તથા ગઢડાના ઇતરીયા ગામના જશુ ઉર્ફે દિલીપ જગુ ધાધલ નામના શખ્સોને ઇંગ્લીશ દારુની બે બોટલ સાથે ઝડપી લીધા હતા. બાબરાના નવાણીયામાથી હિમતભાઇ મગનભાઇ વાવડીયાની વાડીમા રહેતા પરપ્રાંતિય સુરેશ મહનીયાને પોલીસે ઇંગ્લીશ દારુની ૧૮ બોટલ સાથે ઝડપી લીધો હતો. અમરેલી જિલ્લામા પોલીસ દ્વારા દારુના ધંધાર્થીઓ અને નશાખોરો સામે આ સ્પેશ્યલ ડ્રાઇવ આગામી ત્રીજી તારીખ સુધી ચાલશે. અને આ તમામ ચેકપોસ્ટ પણ ત્રીજી તારીખ સુધી ચાલુ રહેશે.પોલીસે નશાખોરોને કાબુમા લેવા આ વખતે નવતર કિમીયો અજમાવ્યો છે. અગાઉ ૩૧ ડિસેમ્બર આસપાસ બે કે વધુ વખત નશો કરેલી હાલતમા ઝડપાયેલા નશાખોરોની યાદી બનાવી તેમના ઘરે ઘરે જઇ તેઓ પીધેલી હાલતમા છે કે કેમ તે ચેક કરાશે.પોલીસે હાલમા લીસ્ટેડ બુટલેગરો પર ઠેરઠેર દરોડા પાડવાનુ શરુ કર્યુ છે. આ ઉપરાંત અગાઉ જેની પાસેથી એકાદ વખત દારુ પકડાયો હોય તેવા લોકો પર પણ નજર રખાઇ રહી છે.પોલીસે જિલ્લાભરમા ફાર્મ હાઉસના માલિકો તથા પાટર્ી પ્લોટના સંચાલકોની મિટીંગો બોલાવી ખાસ તાકિદ કરી હતી કે નશાખોરીને પ્રોત્સાહન મળે તેવા કોઇ કાર્યક્રમો ન યોજાઇ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here