મોરબી,તા.૨૯
હાલમાં કોરોનાની મહામારીમાં લોકોમાં દહેશતનો માહોલ છે. જેમાં સરકાર દ્વારા ફરજિયાત માસ્ક, સેનિટાઇઝરનો નિયમિત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ફરજિયાત પાલન સહિત કોવિડ-૧૯ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના પોલીસકર્મી દેવેન રબારીના જન્મદિવસ નીમીતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા,અધિક કલેકટર કેતન જોશી, નગરપાલિકાના અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
જેમાં આ ઉજવણીમાં તમામ લોકો ગરબે રમ્યા હતા. જેમાં કોઈ પણ જાતની મંજૂરી વિના કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. વધુમાં આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતાં જોવા મળ્યા હતા. અને આખા કાર્યક્રમમાં એક પણ વ્યક્તિ માસ્કમાં જોવા મળ્યો નહોતો. આ કાર્યક્રમમાં લોકગાયક જીગ્નેશ બારોટ પણ હાજર રહ્યો હતો અને એ પણ સૌની સાથે ગરબે રમ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર આ પોલીસ કર્મી દેવેન હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યા છે અને આ દેવેન યંગ ઇન્ડિયા ગ્રુપ નામનું એનજીઓ પણ ચલાવી રહ્યા છે. ત્યારે સામાન્ય માણસો માટે કોરોનાના કડક નિયમ જ્યારે આ મહામારીના કાયદાનો મોરબીમાં છડેચોક ઉલાળીયો જોવા મળ્યો હતો. મોરબીના સ્કાય મોલ ખાતે આવેલા હોલમાં ગત તા.૨૭ ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મોરબીમાં જે અધિક કલેકટર કેતન જોષી જાહેનામુ બહાર પાડે છે એજ અધિકારી નિયમનો ઉલાળીયો કરતાં નજરે ચઢતા આ મુદો સમગ્ર મોરબીમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યોં છે.