પોરબંદર બિલેશ્વર ગામે ડીવાયએસપીનાં પત્નિ સહિત ત્રણ પર હુમલો કરી રિવોલ્વરની લૂંટ ચલાવતા ૬ શખ્સો

0
20
Share
Share

પોરબંદર, તા.૮

પોરબંદર નજીકના બિલેશ્વર ગામની સીમમાં છ શખ્સોએ ધારીયા-કુહાડી વડે હુમલો કરી બેફામ માર મારી, કારમાં આગ લગાડી રાજકોટ એસઆરપીના ડીવાયએસપીના પત્ની તથા ડ્રાયવર સહિત ૩ ઉપર હુમલો કરવાની સાથોસાથ રિવોલ્વરની પણ લુંટ કરી હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ થતા ભારે ચકચાર જાગી છે.

બનાવની વિગત એવી છે કે, રાજકોટના ઘંટેશ્વરમાં આવેલા એસઆરપી કેમ્પમાં રહેતા મુળ હનુમાનગઢના આશાબેન હરભમભાઈ ગોઢાણીયાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિ હરભમભાઈ રાણાભાઈ ગોઢાણીયા રાજકોટ એસઆરપીમાં ડીવાયએસપી તરીકે નોકરી કરે છે અને તેમની ખેતીની જમીન બિલેશ્વર વિસ્તારમાં હોવાથી તેની દેખરેખ પોતે રાખે છે. આથી ગઈકાલે તેઓ પોતાની વેગનઆર કાર લઈને ડ્રાયવર અનંતભાઈ તથા તેમની સાથે રહેતા અજયભાઈને લઈને બિલેશ્વર જવા નીકળ્યા હતા. રાણાવાવમાં કોર્ટનુ કામ પૂર્ણ કરી ખેતરે જતા હતા ત્યારે તેમના ખેતરના જુના મકાન પાસે જમવાની તૈયારી કરતા હતા તે દરમિયાન બાજુના ખેતરવાળા કાઢીયાનેસમાં રહેતા જગા કારા મુશાર, કરશન કારા મુશાર, ભીમા કારા મુશાર, અનિલ કારા મુશાર, ઉકા મૈયા મુશાર, જીવા રાજા ઘેલીયા વગેરે લાકડીઓ, ધારીયા, કુહાડી લઈને આવી પહોંચ્યા હતા. આથી જગાભાઈને ગાળો બોલવાની ના પાડતા જગો અને તેની સાથે રહેલા માણસો ઉશ્કેરાઈ ગયા હતા અને આ લોકોને આડેધડ મારો તેમ કહેતા એ શખ્સો અનંતભાઈ અને અજયભાઈ ઉપર લાકડી અને ધારીયાવડે તુટી પડયા હતા. મહીલા પણ બચાવવા માટે વચ્ચે પડતા જગાએ ધારીયાનો ઘા આશાબેનની ડોક ઉપર માર્યો હતો અને અન્ય સૌને પણ ઈજાઓ થઈ હતી. જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં પરંતુ અનંતભાઈએ સ્વબચાવ માટે રિવોલ્વર રાખી હતી તે પણ આંચકી લીધી હતી અને લુંટીને જતા હતા દરમિયાન વેગનઆર કારને પણ આગ ચાંપી દીધી હતી. આથી બનાવ અંગે તેના પતિને ફોન દ્વારા જાણ કરતા પોલીસ તથા ૧૦૮ એમ્બ્યુલન્સ આવી હતી અને અનંતભાઈને પગમાં ફેકચર તથા અજયને મુંઢ ઈજા થઈ હોવાથી તેમને સારવાર માટે લવાયા હતા તથા આશાબેનને ઈજા થઈ નહીં હોવાથી સારવાર લીધી નથી.

પોલીસ ફરિયાદમાં બનાવનું કારણ એવું જણાવાયું છે કે, બિલેશ્વર ગામે આશાબેને જમીન લીધી હોવાથી આ બાબત આરોપીઓને પસંદ નહીં હોવાથી તેની દાઝ રાખીને આ હુમલો કરી, રિવોલ્વર લુંટી, કાર સળગાવી હોવાનુ ફરિયાદમાં જણાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here