પોરબંદરમાં બેરોજગાર યુવાન સાયબર ક્રાઈમનો શિકાર બન્યો

0
29
Share
Share

નોકરીની લાલચે યુવકે ૩૨ હજાર ગુમાવ્યા

પોરબંદર, તા.૧૯

પોરબંદર શહેરમાં વધુ એક યુવાન સાયબર ફ્રોડનો શિકાર બન્યો હતો. આ યુવાનને નોકરીની લાલચ આપીને તેની પાસેથી ૩૨ હજાર રૂપિયા જેવી રકમ પડાવી લેવામાં આવી છે, સમગ્ર મામલે યુવાને સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ભોગ બનેલા યુવાનને મોટાભાગની રકમ પરત મળી ગઈ છે.

અતિ આધુનિક ટેકનોલોજીના આ યુગમાં દિન-પ્રતિદિન સાયબર ક્રાઈમ સામાન્ય બની રહ્યો છે. પોરબંદરમાં પણ સાયબર ફ્રોડનો શિકાર વધુ એક યુવાન બન્યો હતો.

પંકજભાઈ રામજીભાઈ ચૌહાણ નામના આ યુવાને છાપામાં નોકરીની જાહેરાત વાંચી જાહેરાતમાં અપાયેલ નંબર પર સંપર્ક કર્યો હતો. તેમાં યુવાનને રિલાયન્સ ફોર માટે નોકરીની લાલચ આપી ડેબીટ કાર્ડની વિગતો મેળવી લેવાઈ હતી અને તેના ખાતામાંથી રૂા.૭૨૯૮ ઉપાડી લેવાયા હતા ત્યારબાદ તેનું જોબકાર્ડ બનાવવાનું કહી પંકજભાઈ પાસેથી ૯૬૫૦ અને રૂા.૧૫,૨૦૦ કેશ ડીપોઝીટ કરાવી લેવાયા હતા. આમ કુલ રૂા.૩૨,૧૪૮ ની આ યુવાન સાથે છેતરપીંડી થઈ હતી જ્યારે આ યુવાનને ભાન થયું કે તે છેતરાયો છે ત્યારે તુરંત પંકજભાઈ નામના આ યુવાને સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બેંક સહીતનો સંપર્ક કરી તુરંત જ આ યુવાનનાં ખાતામાંથી ઉપાડી લેવાયેલ રૂા.૭૨૯૮ પરત અપાવ્યા હતા, તો અન્ય રકમ પણ આ યુવાનને પરત મળી શકે તે માટે પોલીસ પ્રયત્નશીલ બની હતી. ત્યારબાદ આજદિન સુધીમાં રૂા.૨૩,૩૦૫ જેટલી રકમ પોરબંદર પોલીસના પ્રયત્નથી આ યુવાનને પરત મળી ચૂકી છે, જેને લઈને યુવાન અને તેના પરિવારજનોએ પોરબંદર પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

ભેંસાણમાં ઈલેક્ટ્રીકની દુકાનમાંથી ૩.૭૭ લાખની ચોરી

ભેંસાણમાં જુનાગઢ રોડ પર આવેલી ઈલેકટ્રીક દુકાનમાંથી ૩.૭૭ હજારથી વધુ રોકડાની ચોરી થઈ ગયાનો બનાવ સામે આવતા ફરીયાદ નોંધાઈ છે. ભેંસાણમાં જુનાગઢ રોડ ઉપર આવેલ એક ઈલક્ટ્રિકની દુકાનના થડામાં રાખેલ વાર્ષિક હીસાબના રૂા.૨,૦૦૦ ના દરની ૮૧ નોટો તથા રૂા.૫૦૦ ના દરની ૪૩૧ નોટો મળી કુલ રૂા.૩,૭૭,૫૦૦ ની કોઈ અજાણ્યો માણસ ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. રાણપુર ગામે રહેતા અને ભેંસાણ દુકાન ધરાવતા કેતનભાઈ નાથાભાઈ મોણપરા અન્ય એક ભાગીદાર સાથે ઈલેકટ્રીકની દુકાન ચલાવતા હોય અને દુકાનનાં વાર્ષિક હીસાબના પૈસા દુકાને જ રાખતા હોય ત્યારે થડામાં રાખેલ રૂપિયા કોઈ ચોરી ગયાની કેતનભાઈ નાથાભાઈ મોણપરાએ ભેસાણ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

જામનગરમાં બે દુકાનનાં તાળા તૂટ્યા

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે બે દુકાનમાં બે દિવસ પૂર્વે રાત્રીના ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. એક દુકાનમાંથી ૨૦ કિલો વજનના લોખંડના ત્રણ તોલા અને અન્ય દુકાનમાંથી રૂા.૨૦૦૦ ની રોકડ સહિતનો મુદામાલ ચોરી થયો હોવાની સીટી બી.પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ક્રિષ્ના વે-બ્રીજની સાઈડમાં આવેલ પરેશભાઈ નરશીભાઈ રાઠોડના શેઠની ભાનુશાળી નામની લોખંડની ત્રણ શટરવાળી દુકાનમાં ગત તા.૧૬મીના રોજ રાત્રે ૧૦ વાગ્યે તસ્કરો દુકાનનું શટર ખોલી અંદર પ્રવેશ કરી અંદરથી રૂા.૧૨૦૦ ની કિંમતના ૨૦ કિલો વજનના ત્રણ લોખંડના તોલા તેમજ પાંચ કિલો વજનનું એક લોખંડનું તોલુ તેમજ આઈ સેકશનવાળા લોખંડના ત્રણ કટકા સહિત રૂા.૩૫૦૦ ની કિંમતનો ૬૦ કિલો વજનનો લોખંડનો મુદામાલ ચોરી કરી ગયા હતા. આ દુકાન ઉપરાંત તેની બાજુમાં આવેલ હિતેન્દ્રભાઈ કેશુભાઈ પોકારની ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ રૂા.૨ હજારની રોકડ સહિત બન્ને દુકાનમાંથી રૂા.૭ હજારનો મુદામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે પરેશભાઈએ સીટી બી.ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. એસ.વી.સામાણીએ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ટ્રકે એક્ટિવાને હડફેટે લેતા પુત્રીની નજર સામે માતાનું મોત

પૂરઝડપે દોડતા એક ટ્રકે એક્ટિવાને ઠોકર મારતા એક્ટિવા પાછળ સવાર એક મહિલા પરથી ટ્રકના તોતીંગ ટાયર ફરી વળતા તેણીનું કમકમાટી ભર્યું મૃત્યું નિપજ્યું છે. આ અકસ્માત નિપજાવી ટ્રક ચાલક નાસી ગયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મહાપ્રભુજીની બેઠક નજીક જલારામ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેતા મોહીનીબેન કાનજીભાઈ પરમાર પોતાનું જી.જે.૧૦.સી.એલ.-૭૪૦૩ નંબરનું એકટીવા લઈ પસાર થતા હતા ત્યારે પૂરઝડપે આવી ચડેલા જી.જે.૧૦ઝેડ-૭૭૫૨ નંબરના ટ્રકએ એકટીવાને જોરદાર ઠોકર મારી હતી. જેમાં એકટીવા પાછળ બેઠેલા મોહીનીબેનના માતા મંજુલાબેન ટ્રક નીચે આવી ગયા હતા અને ટ્રકનું તોતીંગ ટાયર તેણીના શરીર પરથી ફરી વળ્યું હતુ અને માથું ચગદાઈ જતા તેણીનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતુ. અકસ્માત નિપજાવી ટ્રક ચાલક નાસી છુટયો હતો જ્યારે આ બનાવ અંગે મોહીનીબેને નાશી ગયેલ ટ્રક ચાલક સામે સીટી એ.ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ભાગી છૂટેલા ટ્રક ચાલકને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

રાજડા ગામની પરિણિતાનો આપઘાત

કાલાવડ તાલુકાના રાજડા ગામે રહેતી એક મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકની પુત્રી વારે-વારે રાજકોટના એક શખ્સના ઘરે રહેવા જતી હોવાથી તેણીએ આ પગલુ ભર્યુ હોવાનુ સામે આવ્યું છે. કાલાવડ તાલુકાના રાજડા ગામે કંચનબેન મહેન્દ્રભાઈ કંટારીયા (ઉ.વ.૪૦) નામની મહિલાએ પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની પુત્રી વારેવારે રાજકોટના એક શખ્સના ઘરે રહેવા જતી હોવાથી તેણીએ આ પગલુ ભર્યુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

કલ્યાણપુરની યુવતિને બદનામ કરવાનો કારસો

નકલી આઈડી બનાવી સોશ્યલ મીડીયા ઉપર અંગત ફોટા અપલોડ કરનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતી એક યુવતી દ્વારા કોઈ અજ્ઞાત શખ્સે તેણીની ફેક આઈડી બનાવીને સોશ્યલ મીડીયામાં ફોટા અપલોડ કરવા સબબ ફરીયાદ નોંધાઈ છે.

જેમાં જણાવ્યાનુસાર કોઈ અજ્ઞાત ઈસમે તેણીનું ચોક્કસ નામથી યુઝર આઈડી દ્વારા ફેક એકાઉન્ટ બનાવી, અંગત ફોટા અપલોડ કરી તેણીને બદનામ કરવાનો કારસો કરતા જ સાયબર ક્રાઈમમાં લેખિત અરજી કરવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.ટી.એકટની કલમ મુજબ ગુનો નોંધતા દ્વારકા સી.પી.આઈ. ગઢવી દ્વારા તપાસ ચલાવાય રહી છે.

મીઠાપુરની પરિણીતા પર સાસરીયાનો સીતમ

દ્વારકા જીલ્લાના ઓખા મંડળનાં મીઠાપુરમાં રહેતી લાખાભાઈ વેગડાની પુત્રી કલ્પનાબેન (ઉ.૩૦) ને લગ્ન દરમ્યાન મોરબી રહેતા પતિ મહેન્દ્ર કરસનભાઈ પરમાર, સાસુ દેવુબેન પરમાર વારંવાર શારીરીક અને માનસીક ત્રાસ આપતા હતા.

ઉપરાંત તેણીનો પતિ પણ દારૂ ઢીંચીને મારતો હતો અને પીધેલી હાલતમાં પોતાની જ પત્નીને મારી નાખવાની ધમકી પણ આપતો હોવાની ફરીયાદ થતા મહિલા પોલીસે વિવિધ કલમો નોંધી તપાસ આદરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here