પેટા ચૂંટણીઓ સુધી જીતુ વાઘાણી જ પ્રમુખ પદે રહે તેવી સંભાવના

0
16
Share
Share

અમદાવાદ,તા.૨૫

ગુજરાત ભાજપના અધ્યક્ષ પદે જીતુ વાઘાણીની ટર્મ આમ તો પૂરી થઈ ગઈ છે. પરંતુ રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી જીતુ વાઘાણી જ પ્રમુખ પદે રહે તેવી સંભાવના છે. જૂનના પહેલા અઠવાડિયામાં દિલ્હી, છત્તીસગઢ અને મણિપુરના ભાજપ અધ્યક્ષનો કાર્યકાળ પૂરો થતાં પક્ષના મોવડી મંડળે આ પદે ફેરફાર કર્યા હતા, ત્યારે ગુજરાતમાં જીતુ વાઘાણીના સ્થાને અન્ય કોઈ પ્રમુખ પદ સંભાળશે તેવો ગણગણાટ શરૂ થયો હતો. જો કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત થતાં ચર્ચા છે કે, વાઘાણી હજી થોડા મહિના સુધી ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. ભાજપના મહત્વના સૂત્રોના જણાવ્યા અનુસાર,

માત્ર બે નેતાઓ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ જણાવી શકે છે કે, ગુજરાત ભાજપના પ્રમુખ બદલાશે કે નહીં. રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી, મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે સંગઠનમાં મહત્વના ફેરફાર આ ચૂંટણી પછી જ થશે તેમ કહી શકાય. સૂત્રોનું માનીએ તો, સીએમ વિજય રૂપાણીના કાર્યકાળનું ત્રીજું વર્ષ પૂરું થાય પછી કેબિનેટમાં ફેરફાર થઈ શકે છે. સૂત્રના જણાવ્યા મુજબ, જીતુ વાઘાણીને ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી હટાવીને મંત્રી મંડળમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે.

ઓગસ્ટ ૨૦૧૬માં જીતુ વાઘાણીની વરણી થઈ હતી અને તેઓ ગુજરાત ભાજપના સૌથી યુવા પ્રમુખ બન્યા હતા. વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવાતા ભાજપ અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીની પસંદગી કરાઈ હતી. જીતુ વાઘાણી પ્રથમ ધારાસભ્ય હતા જેમણે પ્રદેશ ભાજપ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. ભાવનગર શહેરથી રેકોર્ડ માર્જિનથી તેઓ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તરીકે જીતુ વાઘાણીએ રાજકીય કરિયર શરૂ કર્યું હતું. પ્રદેશ અધ્યક્ષ બનાવાયા તે પહેલા તેમણે પાર્ટીની કોર ટીમ સાથે રહીને કામ કર્યું હતું. ગુજરાતમાં જ્યારે પાટીદાર અને અન્ય જ્ઞાતિઓના આંદોલનો ચરમ પર હતા ત્યારે વાઘાણીને અધ્યક્ષ પદ સોંપાયું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here