પૂજારાને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે તેની બેઝ પ્રાઈઝ ૫૦ લાખ રૂપિયામાં ખરીદ્યો

0
22
Share
Share

અમદાવાદ,તા.૧૯

ભારતના સ્ટાર બેટ્‌સમેન ચેતેશ્વર પૂજારા પર ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્‌સમેનનું લેબલ લાગી ગયું છે. જોકે, પૂજારા ઘણી વખત કહી ચૂક્યો છે કે તે તમામ ફોર્મેટમાં પ્રદર્શન કરવા સક્ષમ છે તેમ છતાં તેને ટી૨૦ ક્રિકેટમાં રમવાની ઓછી તક મળી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં તેને વધારે રમવાની તક મળી નથી. જોકે, ગુરૂવારે આઈપીએલ-૨૦૨૧ માટે યોજાયેલી ખેલાડીઓની હરાજીમાં પૂજારાને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે તેની બેઝ પ્રાઈઝ ૫૦ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તેથી હવે તે ફરીથી આઈપીએલમાં રમતો જોવા મળશે.

જોકે, ટી૨૦ ક્રિકેટમાં પણ પૂજારાએ પોતાનું કૌવત દેખાડી દીધું છે. ડોમેસ્ટિક ટી૨૦ ક્રિકેટમાં રમતા પૂજારાએ સૌરાષ્ટ્ર માટે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. પૂજારા ટી૨૦ ક્રિકેટમાં સદી ફટકારનારો સૌરાષ્ટ્રનો પ્રથમ ક્રિકેટર છે. ફેબ્રુઆરી ૨૦૧૯મા પૂજારાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રેલ્વે વિરુદ્ધ પૂજારાએ સદી ફટકારી હતી.

તે મુકાબલામાં પૂજારાએ તાબડતોબ બેટિંગ કરતા ૬૧ બોલમાં જ સદી પૂરી કરી હતી. જેમાં તેણે ૧૪ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આ સાથે તે ટી૨૦માં સદી નોંધાવનારો સૌરાષ્ટ્રનો પ્રથમ બેટ્‌સમેન બન્યો હતો. તેની સદીની મદદથી સૌરાષ્ટ્રએ ત્રણ વિકેટે ૧૮૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. પૂજારાએ ૨૯ બોલમાં અડધી સદી ફટકારી હતી.

આ સદી સાથે જ પૂજારાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનાથી વિરુદ્ધ બેટિંગ સ્ટાઈલ ધરાવતા બેટ્‌સમેનોની ક્લબમાં સ્થાન બનાવી લીધું હતું. ટી૨૦માં સદી સાથે પૂજારા ટી૨૦માં સદી, લિસ્ટ-એમાં ૧૫૦+ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી નોંધાવનારો ચોથો બેટ્‌સમેન બની ગયો હતો. પૂજારા અગાઉ વીરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા અને મયંક અગ્રવાલે આ સિદ્ધિ નોંધાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here