પુલવામા હુમલો સુનિયોજિત ષડયંત્ર હતુંઃ શિવસેના

0
25
Share
Share

ભાજપએ ચૂંટણી જીતવા પુલવામા હુમલામાં ૪૦ જવાનોનું લોહી વહાવ્યું

ન્યુ દિલ્હી,તા.૨૧

એક સમયે ત્રણ ત્રણ દાયકા સુધી ભાજપની સાથે રહેલા શિવસેનાએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી જીતવા માટે ખુદ ભાજપે પુલવામામાં ૪૦ સીઆરપીએફ જવાનોનું લોહી વહાવ્યું હતું.

ટીઆરપી વધારવા વિવિધ ટીવી ચેનલ્સ દ્વારા રમાતા કાવાદાવાની તપાસ દરમિયાન રિપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામી અને બાર્કના ભૂતપૂર્વ વડાની વ્હૉટ્‌સ એપ ચેટ બહાર આવ્યા પછી શિવસેનાએ આવો ગંભીર આક્ષેપ કર્યો હતો.

પોતાના મુખપત્ર સામનામાં લખેલા અગ્રલેખમાં શિવસેનાએ કહ્યું હતું કે પુલવામાની ઘટના આતંકવાદી હુમલો નહોતો પણ ભાજપે ચૂંટણી જીતવા માટે સીઆરપીએફના ૪૦ જવાનોનું લોહી રેડ્યું હતું. અર્ણબ ગોસ્વામીની બહાર આવેલી વ્હૉટ્‌સ એપ ચેટ આવા આક્ષેપોને સમર્થ આપે છે. અર્ણબ ગોસ્વામીની ટીવી ચેનલે ટીઆરપી વધારવા માટે આ પ્રકારના ગોરખધંધા કર્યા હતા.

સામનામાં વધુમાં લખવામાં આવ્યું હતું કે અર્ણબ ગોસ્વામીની વ્હોટ્‌સ એપ ચેટે રાષ્ટ્રીય સલામતી સાથે સંકળાયેલી ઘણી વાતો પ્રગટ કરી દીધી હતી. આ મુદ્દે ભાજપ કેમ તાંડવ નથી કરતું. ચીને અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરીને ગામ વસાવી દીધું એ મુદ્દે કેમ ભાજપ તાંડવ નથી કરી રહ્યું. અર્ણબ ગોસ્વામીને રાષ્ટ્રીય સલામતીને લગતી ગુપ્ત બાબતો કોણે આપી હતી, એની સામે ક્યારે પગલાં લેવાશે એ ભાજપે સ્પષ્ટ કરવું જોઇએ.

સામનામાં ભાજપની આજના જેવી આકરી ટીકા અગાઉ બહુ ઓછા પ્રસંગે થઇ હતી. સામનાએ લખ્યું કે અર્ણબ ગોસ્વામીએ ૪૦ જવાનોની શહાદતનું ઘોર અપમાન કર્યું હતું. એવું અપમાન તો પાકિસ્તાનીઓએ પણ નથી કર્યું. અર્ણબના દેશદ્રોહના મુદ્દે ભાજપ મોઢામાં મગ ભરીને કેમ બેઠો છે.

કોંગ્રેસે પણ તપાસની માંગણી કરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટની સહિત સુશીલ કુમાર શિંદે, સલમાન ખુર્શીદ અને ગુલામનબી આઝાદે પણ બુધવારના રોજ પત્રકાર પરિષદમાં આ મામલાની તપાસ કરાવા અને ‘સરકારી ગોપનીયતા અધિનિયમ’ની અંતર્ગત કર્યવાહી કરવાની માંગણી કરી છે. આખા કેસને દેશદ્રોહ જ ગણાવતા કોંગ્રેસ નેતાઓએ આ મુદ્દાને સંસદ સત્રમાં ઉઠાવાના સંકેત પણ આપ્યા છે. આ પ્રકરણમાં જે સચ્ચાઇ છે, તેને સરકારને બહાર લાવવી જોઇએ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here