પી.વી.નરસિંહારાવ :  ભારતમાં આર્થિક ક્રાંતિના જનક

0
7
Share
Share

દેશમાં કોરોના મહામારીને પગલે આર્થિંક મંદીનું ચિત્ર જોવા મળી રહ્યું છે તેલંગણામાં ભારતના પૂર્વ વડા પીવી નરસિમ્હા રાવના જન્મશતાબ્દી વર્ષની ઊજવણીની શરૂઆત થઈ રહી છે.તેલંગણાના મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવે પીવી નરસિમ્હા રાવના જન્મશતાબ્દી વર્ષની શરૂઆત કરતા સમગ્ર વર્ષ દરમિયાન શ્રેણીબદ્ધ કાર્યક્રમો સાથે ઉજવણીની જાહેરાત કરી છે.પૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવની સરકારમાં એ વખતના નાણામંત્રી અને હાલના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના સમયમાં ભારતમાં નવી આર્થિક નીતિની શરૂઆત થઈ હતી.ખાડે જઈ રહેલા દેશના અર્થતંત્રને નવી દિશા આપવાનો શ્રેય અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિહંને આપવામાં આવે છે પરંતુ તેમને ખોળી લાવનાર એ વખતના વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ હતા.૧૯૯૧માં નરસિમ્હા રાવનો રાજકીય દાવ પૂરો થવાને આરે હતો. રોજર્સ રિમૂવલ કંપનીનો ટ્રક તેમનાં પુસ્તકોનાં ૪૫ બૉક્સ લઈને રવાના થઈ ચૂક્યો હતો.એ અલગ વાત છે કે તેમના એક કર્મચારી અને જ્યોતિષ શાસ્ત્રનો શોખ ધરાવતી વ્યક્તિએ તેમને કહેલું, આ પુસ્તકો અહીં જ રહેવા દો, મને લાગે છે કે તમે ફરી પાછા આવશો.

વિનય સીતાપતિ પોતાના પુસ્તક હાફ લાયન-હાઉ પી વી નરસિમ્હા રાવ ટ્રાન્સર્ફૉર્મ્ડ ઇન્ડિયામાં તેનું વર્ણન કર્યું છે.તેઓ લખે છે કે નરસિમ્હા રાવ એટલી હદે નિવૃત્તિ માટે તૈયાર હતા કે, તેમણે જાણીતા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરના સભ્યપદ માટે પણ અરજી કરી દીધી હતી. જેથી તેઓ ભવિષ્યમાં દિલ્હી આવે તો તેમને રહેવા માટે કોઈ મુશ્કેલી ન પડે.પણ ત્યારે જ જાણે અચાનક બધું જ બદલાઈ ગયું. ૨૧ મે, ૧૯૯૧ના રોજ શ્રીપેરંબદૂરમાં રાજીવ ગાંધીની હત્યા થઈ.આ ઘટનાના અમુક કલાકો બાદ પરવેઝ આલમે નાગપુરમાં નરસિમ્હા રાવનો સંપર્ક કર્યો હતો.ત્યારે થયેલી વાતચીતથી કલ્પના પણ નહોતી કરી શકાતી કે આવનારા થોડા જ દિવસોમાં તેઓ ભારતના વડા પ્રધાન બની જશે.નટવરસિંહે બીબીસીને જણાવ્યું કે રાજીવ ગાંધીની હત્યા બાદ શોક વ્યક્ત કરવા આવેલા મહેમાનોના નીકળ્યા બાદ સોનિયા ગાંધીએ ઇંદિરા ગાંધીના પૂર્વ મુખ્ય સચિવ પી. એન. હક્સરને ૧૦, જનપથમાં બોલાવ્યા.તેમણે હક્સરને પૂછ્યું કે તમારી નજરમાં કૉંગ્રેસના અધ્યક્ષ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ કોણ છે? હક્સરે ત્યારના ઉપરાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માનું નામ આપ્યું.

નટવરસિંહ અને અરુણા આસફ અલીને શંકરદયાલ શર્માની ઇચ્છા જાણવાની જવાબદારી સોંપવામાં આવી.શર્માએ આ બંનેની વાત સાંભળી અને કહ્યું કે તેઓ સોનિયા ગાંધીના આ પ્રસ્તાવથી અહોભાગ્ય અને સન્માન અનુભવે છે.પણ ભારતના વડા પ્રધાન હોવું એ એક અનંતકાળ સુધી ચાલે તેવી જવાબદારી છે. મારી ઉંમર અને મારા સ્વાસ્થ્યના કારણે આ દેશના સૌથી મોટા હોદ્દાને માન આપી નહીં શકું.આ બંનેએ શર્માનો આ સંદેશો સોનિયા ગાંધી સુધી પહોંચાડ્યો.

ફરી એક વખત સોનિયાએ હક્સરને બોલાવ્યા. આ વખતે હક્સરે નરસિમ્હા રાવનું નામ લીધું. આગળની કહાણી ઇતિહાસ છે.નરસિમ્હા રાવ ભારતીય રાજકારણના ઊબડખાબડ રસ્તાઓ પર ઠોકરો ખાઈને સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા હતા. કોઈ પણ પદ મેળવવા માટે તેમણે રાજકીય પૅરાશૂટનો ઉપયોગ કર્યો નહોતો. રાવનું કૉંગ્રેસ અને ભારત માટે સૌથી મોટું પ્રદાન હતું ડૉ. મનમોહન સિંઘની શોધ.વિનય સીતાપતિએ જણાવ્યું, જ્યારે નરસિમ્હા રાવ ૧૯૯૧માં વડા પ્રધાન બન્યા તો તેઓ ઘણી બાબતોમાં નિષ્ણાત બની ચૂક્યા હતા.તેઓ પહેલાં સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રાલય સંભાળી ચૂક્યા હતા. તેઓ ભારતના વિદેશમંત્રી પણ રહી ચૂક્યા હતા. એક જ વિષય તેમના માટે અઘરો હતો, નાણા વિભાગ.વડા પ્રધાન બનવાના બે દિવસ પહેલાં તેમને કૅબિનેટ સચિવ નરેશ ચંદ્રાએ આઠ પાનાનો પત્ર લખીને જણાવ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે.સીતાપતિ આગળ જણાવે છે, તેમને એક નવા ચહેરાની જરૂર હતી, જે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડાર સંભાળી શકે.તેમજ તેમના વિરોધીઓને સમજાવી શકે કે હવે ભારત જૂની રૂઢિઓથી નહીં ચાલે.

રાવે એ વખતના પોતાના સૌથી મોટા સલાહકાર ઍલેક્ઝૅન્ડરને પૂછ્યું કે શું તેઓ કોઈ એવી વ્યક્તિનું નામ સૂચવી શકે જેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્વીકૃતિ મળી હોય.ઍલેક્ઝૅન્ડરે તેમને રિઝર્વ બૅન્કના ગવર્નર રહી ચૂકેલા અને લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના ડિરેક્ટર આઈ. જી. પટેલનું નામ સૂચવ્યું.સીતાપતિના મતે, આઈ. જી. પટેલ દિલ્હી આવવા માગતા નહોતા, કારણ કે તેમના માતા બીમાર હતા અને તેઓ વડોદરામાં રહેતાં હતાં.

પછી ઍલેક્ઝૅન્ડરે જ મનમોહનનું નામ લીધું. એલેક્ઝેન્ડરે શપથગ્રહણ સમારોહના એક દિવસ પહેલાં મનમોહન સિંહને ફોન કર્યો.ડૉ. સિંઘ ઊંઘી રહ્યા હતા, કારણ કે અમુક કલાક પહેલાં જ તેઓ વિદેશથી પરત આવ્યા હતા.ઊઠીને જ્યારે તેમને આ પ્રસ્તાવ વિશે કહેવામાં આવ્યું તો તેમને વિશ્વાસ થતો નહોતો.પછીના દિવસે શપથ ગ્રહણ સમારોહના ત્રણ કલાક પહેલાં ડૉ. મનમોહનસિંહ પર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની ઑફિસમાં નરસિમ્હા રાવનો ફોન આવ્યો કે હું તમને મારા નાણામંત્રી બનાવવા માગું છું.

શપથ ગ્રહણ સમારોહ પહેલાં નરસિમ્હા રાવે મનમોહન સિંઘને કહ્યું, જો આપણે સફળ થઈએ તો આપણને બંનેને તેનું શ્રેય મળશે. જો આપણા હાથ નિષ્ફળતા લાગી તો તમારે જવું પડશે.સીતાપતિ જણાવે છે કે ૧૯૯૧ના બજેટના બે અઠવાડિયાં પહેલાં જ્યારે મનમોહન બજેટનો મુસદ્દો લઈને નરસિમ્હા રાવ પાસે ગયા તો તેમણે મથાળાથી જ તેને રદ કરી નાખ્યો.તેમનાથી બોલાઈ ગયું, જો મારે આ જ જોઈતું હોત, તો મેં તમને કેમ પસંદ કર્યા હોત?

પોતાના પહેલા બજેટ ભાષણમાં ડૉ. મનમોહન સિંઘે વિક્ટર હ્યુગોની આ જાણીતી પંક્તિ ટાંકતા બોલ્યા, દુનિયાની કોઈ પણ તાકાત એ વિચારને નહીં રોકી શકે જેનો સમય આવી ગયો છે.તેમણે પોતાના બજેટ ભાષણમાં રાજીવ ગાંધી, ઇંદિરા ગાંઘી અને નહેરુનું વારંવાર નામ તો લીધું પણ તેમની આર્થિક નીતિઓને બદલતા તેઓ સહેજ પણ ખચકાયા નહીં અને એ રીતે ૧૯૯૧માં ખાડે જઈ રહેલા અર્થતંત્રને નવી દિશા મળી પીવી નરસિમ્હા રાવની સરકારમાં.

નરસિમ્હા રાવ સતત આઠ વખત ચૂંટણી જીત્યા અને કૉંગ્રેસ પાર્ટીમાં ૫૦ વર્ષથી વધારે સમય પસાર કર્યા પછી ભારતના વડા પ્રધાન બન્યા.તેઓ આઠ બાળકોના પિતા હતા, ૧૦ ભાષાઓમાં વાત કરી શકતા હતા અને અનુવાદ કરવામાં પણ ઉસ્તાદ હતા. જ્યારે તેમણે પહેલો વિદેશપ્રવાસ કર્યો ત્યારે તેમની ઉંમર ૫૩ વર્ષ હતી.તેમણે બે કૉમ્પ્યૂટરની ભાષાઓમાં માસ્ટર કર્યું હતું અને ૬૦ વર્ષની ઉંમર પછી કૉમ્પ્યૂટર કોડ બનાવ્યા હતા. પરંતુ તેમની આ દાસ્તાન અહીં ખતમ થતી નથી.ખેંચતાણથી ભરપૂર લોકશાહીના દસમાં વડા પ્રધાન બન્યા પહેલાં નરસિમ્હા રાવે ત્રણ ભાષાઓમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો. તેમણે ત્રણ સીટ પર જીત મેળવી અને તેઓ આજના નેતાઓની તુલનામાં તળિયા સાથે જોડાયેલા નેતા હતા.તેઓ વિદેશ, સંરક્ષણ, ગૃહ, શિક્ષા, સ્વાસ્થ્ય અને કાયદા જેવાં અનેક મંત્રાલયોનાં મંત્રીપદ પર રહ્યા હતા, જ્યાં તેમણે સફળતા હાથ લાગી હતી. આ પછી નરસિમ્હા રાવ વિશે કાંઈ પણ ખાસ ચમકદાર નથી.તેમની જ પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી જયરામ રમેશના કહેવા પ્રમાણે, નરસિમ્હા રાવની સૌથી મોટી ઉણપ એ હતી કે તેમની પ્રતિભા એક મરેલી માછલી જેવી હતી.નરસિમ્હા રાવ એક એવા વડા પ્રધાન હતા જેમણે ભુલાવી દેવામાં આવ્યા, ઇમાનદારીથી કહીએ તો કોઈ પણ પ્રકારની સંભાવના વિના નેતા બનેલા રાવ એક આકસ્મિક વડા પ્રધાન હતા.૧૯૯૧માં રાજીવ ગાંધીના મૃત્યુ પછી કૉંગ્રેસ પાર્ટી શોકમાં ડૂબેલી હતી. સોનિયા ગાંધીએ સત્તા સંભાળવાનો ઇનકાર કરતા નરસિમ્હા રાવ તમામને ચોંકાવીને ઉમેદવાર બન્યા હતા.રાવનું મૃત્યુ ૮૩ વર્ષની ઉંમરે ૨૦૦૪માં થયું. રાજકીય વિશ્લેષક વિનય સીતાપતિ કહે છે કે નરસિમ્હા રાવ ભારતમાં આર્થિક સુધારાના નેતા હતા. આવું એ સમયે હતું જ્યારે રાવ લધુમતીની સરકાર ચલાવી રહ્યા હતા.રાવની સરકાર પહેલાંની બે સરકાર અને તેના પછીની ચાર સરકાર પણ બહુતીની સરકાર હતી, પરંતુ આવી દરેક સરકાર માત્ર એક વર્ષ સુધી જ ચાલી શકી હતી.વિનય સીતાપતિએ ’હાફ લાયન : હાઉ પીવી નરસિમ્હા રાવ ટ્રાન્સફૉર્મ્ડ ઇન્ડિયા’ના નામથી નરસિમ્હા રાવની આત્મકથા લખી છે. રાવને સમર્થન કરતી સોશિયાલિસ્ટ પાર્ટી તે સુધારાઓની વિરોધી પણ હતી.સીતાપતિ લખે છે, બીજા શબ્દોમાં કહીએ તો નરસિમ્હા રાવે વહેંચાયેલી સંસદ, પરેશાન ઉદ્યોગપતિઓ, આકરા ટીકાકાર બુદ્ધિજીવીઓ અને કૉંગ્રેસના ઘસાયેલા-પિટાયેલા રણનીતિકારોનો સામનો કરવો પડ્યો.આ માથાકૂટની વચ્ચે આમાં વાસ્તવિકતા એ છે કે રાવ સાચા સમયે સાચી જગ્યાએ હતા. જૂન ૧૯૯૧ની આસપાસ તો તે પોતાના અસ્તિત્વના સંકટ સામે લડી રહ્યા હતા.રાજીવ ગાંધીની હત્યા પછી ભારતની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ હતી. દેશની પાસે આયાતના બદલે ચૂકવણી કરવા માટે માત્ર બે અઠવાડિયાંની વિદેશી મુદ્રા બચી હતી.૧૯૯૦ના ખાડીયુદ્ધ પછી ઑઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો હતો. જેથી મુખ્યરૂપે ક્રૂડઑઇલની આયાતના ભરોસાને કારણે ભારતની અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ હતી.મધ્ય-પૂર્વમાં કામ કરતા ભારતીયોના પૈસા મોકલવામાં ભારે ઘટાડો નોંધાયો હતો. વિદેશોમાં રહેનારા ભારતીયોએ ડરના કારણે ભારતીય બૅન્કોમાંથી પોતાના ૯૦ કરોડ ડૉલર કાઢી લીધા હતા.નરસિમ્હા રાવ સત્તામાં આવ્યા એનાં બે અઠવાડિયા પછી ભારતે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડમાં ૨૧ ટન સોનું મોકલ્યું, જેથી ભારતને વિદેશી ડૉલર મળી શકે અને તે દેવાના હપતાઓ ભરવામાંથી બચી શકે.આ એવો સમય હતો જ્યારે ભારતનાં ત્રણ રાજ્ય પંજાબ, કાશ્મીર અને આસામમાં ઉગ્રવાદી હિંસા થઈ રહી હતી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું સૌથી નજીકનું સહયોગી સોવિયત સંઘ તૂટી રહ્યું હતું.પરંતુ આ તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ નરસિમ્હા રાવે જે સાહસ સાથે આર્થિક સુધારાઓને આગળ વધાર્યા, એવું કોઈ બીજો ભારતીય નેતા કરી શક્યો નહોતો.તેમણે વિદેશી રોકાણની સીમાને વધારી, લાઇસન્સરાજને ખતમ કર્યું, સરકારી કંપનીઓની મનમાની પર રોક લગાવી, અનેક પ્રકારની ટેરિફમાં ઘટાડો કર્યો, શૅરબજાર અને બૅન્કિંગમાં સુધારા માટે પગલાં વધાર્યાં.તેમણે આ તમામ કામ મનમોહન સિંહને નાણામંત્રી બનાવીને કર્યું, જે બાદમાં ભારતના વડા પ્રધાન બન્યા હતા.રાવે કેટલાક ઉદારમતવાળા અધિકારીઓને પણ પસંદ કર્યા, જેમણે સત્તા પર રહીને તેમને સહકાર આપ્યો.ત્યાં સુધી કે રાવની પાસે પોતાના કેટલાક જાસૂસ પણ હતા, જે આર્થિક સુધારાઓ પર સોનિયા ગાંધી અને બીજા અનેક કૉંગ્રેસીઓના વિચારો રાવ સુધી પહોંચાડતા હતા.રાવના પ્રયાસોના કારણે ૧૯૯૪માં ભારતનો જીડીપી ૬.૭ ટકાએ પહોંચ્યો. તેમના કાર્યકાળનાં અંતિમ બે વર્ષમાં આઠ ટકા સુધી પહોંચી શક્યો હોત.આ દરમિયાન પ્રાઇવેટ કંપનીઓના નફામાં ૮૪ ટકાનો વધારો થયો હતો.ભારતનું વિદેશી મુદ્રાભંડાર પણ ૧૫ ગણું વધી ગયું હતું. ભારતનું પહેલું પ્રાઇવેટ રેડિયોસ્ટેશન અને હવાઈસેવા પણ આજ સમયે શરૂ થઈ હતી.સીતાપતિએ લખ્યું છે, નરસિમ્હા રાવને જે ભારતની જવાબદારી મળી હતી તેની સ્થિતિ ઘણી સારી હતી. રાવે ૧૯૯૪ સુધી એ ભરોસાને તાકાત આપી કે ભારત પોતાની મૂળ ઓળખ ગુમાવ્યા વિના દુનિયાની સામે પણ મુકાબલો કરી શકે છે.વિનય સીતાપતિએ પોતાના પુસ્તકમાં રાવનાં સારાં-ખરાબ કામોને લઈને સાવધાનીપૂર્વકનું સંશોધન કર્યું છે.રાવના ભાગમાં અનેક નિષ્ફળતાઓ આવી, જેમાં સૌથી મોટી ૧૯૯૨માં કટ્ટરવાદી હિંદુઓના હાથે પાડવામાં આવેલી બાબરી મસ્જિદ હતી.સીતાપતિ લખે છે કે રાવ પોતાના વ્યક્તિગત વિચારોના કારણે અંધ થઈ ગયા હતા, ભાજપના નેતાઓએ તેમને ભરોસો આપ્યો હતો કે મસ્જિદને કોઈ નુકસાન નહીં થાય.રાવનું હિંદુ સંગઠનોને સમજાવી શકવું એ પોતાની ક્ષમતા પર મિથ્યાભિમાન કરવા જેવું થયું, જે તેમની ગંભીર નાકામયાબી હતી.સીતાપતિના કહેવા પ્રમાણે તેમની ખુદની પાર્ટીએ તેમને છોડી મૂક્યા, જે પાર્ટી નહેરુ-ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને આગળ વધતો જોઈ શકતી ન હતી.આની સાથે જ તેમના શાનદાર આર્થિક રેકર્ડ પર મસ્જિદ પાડવાનો દાગ લાગ્યો હતો. આ ઘટના પછી આઝાદ ભારતમાં સૌથી મોટી ખૂની હિંસામાંથી એક હિંસા થઈ.સામાન્ય રીતે સારી અર્થવ્યવસ્થા ખરાબ રાજકારણ માટે તૈયાર હોય છે. પરેશાન કરનારી વાત એવી હતી કે રાવની પાર્ટી ૧૯૯૬ની ચૂંટણી હારી ગઈ.રાવ આર્થિક સુધારાને છળકપટથી કરેલા સુધારા માનતા હતા. એટલા માટે આ મુદ્દે ચૂંટણી પ્રચાર ન કર્યો. નરસિમ્હા રાવે દક્ષિણ ભારતની એક પાર્ટી સાથે ગઠબંધન કર્યું, જે પાર્ટીને ઘણું મોંઘું પડ્યું.આ બધું ભેગું કરીને સીતાપતિ કહે છે, રાવ પોતાના સમયથી આગળના માણસ હતા. કેટલાક લોકો આ વાતથી અસંમત પણ થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here