પિનસાડ ગામે સુતેલા શ્રમજીવી પરિવાર પર ટ્રક ફરી જતાં મોભીનું મોત

0
27
Share
Share

નવસારી,તા.૨૦
નવસારીના પિનસાડ ગામે ચાલકે ટ્રક રિવર્સ લેતા જમીન પર સૂતેલા શ્રમિક પરિવારના સભ્યોને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બે ને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે સુરત હોસ્પિટલમાં ખસેડાયા હતા. પિનસાડ ગામમાં શેરડીની કાપણી કરવા આવેલા શ્રમિક પરિવારનો પડાવ ગામમાં પાદરે રખાયો છે. રાત્રિ દરમિયાન ઘણાં લોકો પોતાના પડાવમાંથી કેટલાક લોકો પડાવની બહાર સૂતા હતા. દરમિયાન રાત્રે ટ્રક પાર્ક કરવા માટે ચાલકે ટ્રક રિવર્સ કરતા પડાવ બહાર સૂતેલા એક જ પરિવારના સભ્યો ટ્રકની અડફેટે આવી ગયાં હતા. ઘટનામાં મોભીનું સ્થળ પર જ ગંભીર ઇજાના પગલે મોત થયું હતું.
જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સુરત હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ ઘટનામાં નાની બાળકીને પણ સામાન્ય ઇજા થઇ હતી. ટ્રક ચાલક મોડી રાત્રે પોતાની ટ્રક પાર્ક કરવા માટે જગ્યા શોધી રિવર્સ કરી રહ્યો હતો ત્યારે અંધારામાં સૂતેલા પરિવારને તે જોઇ શક્યો ન હતો અને તેના કારણે ટ્રકનું ટાયર સૂતેલા પરિવારના એક શખસ પર ચઢી જતાં તેનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે તેની બાજુમાં સૂતેલી મહિલાને ગંભીર અને બાળકીને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ચીસાચીસ સંભળાતા ટ્રક ચાલકે કશુંક અઘટિત થયાનું લાગતા ગાડીને બ્રેક મારી દીધી હતી અને નીચે ઉતરીને જોતા જ ચાલક અવાક રહી ગયો હતો.
તાત્કાલિક ટ્રક આગળ ખસેડી પરિવારને બચાવવા પ્રયાસ કર્યો હતો, ગંભીર ઇજાને લઇ શ્રમિક પરિવારના મોભીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ અન્ય પરિવારને પણ થતાં શ્રમિક પરિવાર એકત્ર થઇ ગયા હતા. બાદમાં ટ્રક ચાલક પોતાની ટ્રક હંકારી રવાના થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના અંગે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં આ લખાઇ છે ત્યાં સુધીમાં ફરિયાદ નોંધાઇ ન હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here