પાટનગરના ૬ સેકટરના રસ્તાનું રીસરફેસિંગ કરવા ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવા નિર્ણય

0
18
Share
Share

ગાંધીનગર,તા.૨૪

પાટનગરના જર્જરિત બનેલા માર્ગોને રીસરફેસ કરવા માટે પાટનગર યોજના વિભાગને રૂ. ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવાયો છે. સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ, રૂ.૧૦ કરોડની ગર્ન્ટમાંથી સે-૨૪, ૨૫, ૨૬ કિસાનનગર, સે-૨૬ ગ્રીન સિટી, સેકટર-૨૭, ૧૭ અને ૧૯માં માર્ગોનું રીસરફેસિંગ થશે. મંગળવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાટનગરમાંથી રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવાની કામગીરી ખાનગી એજન્સીને સોંપવા નિર્ણય લેવાયો હતો. ઢોર દીઠ રૂ.૨૧૦૦ના ભાવે એજન્સીને ગાંધીનગરમાંથી ઢોર પકડવાનું કામ સોંપવા નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે,

અત્યાર સુધી પાટનગરમાં ઢોર પકડવાની કામગીરી આઉટસોર્સિંગ સ્ટાફ પાસે કરાવવામાં આવતી હતી. જો કે હવે આ કામ એજન્સીને સોંપવા નિર્ણય લેવાયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. આ કાર્યક્રમોમાં મંડપ ડેકોરેશનની કામગીરી માટે રૂ. એક કરોડના અંદાજ સાથે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. એક એજન્સીએ અંદાજ કરતાં ૬૨.૬૨ ટકા નીચા ભાવે ટેન્ડર ભર્યું હતું. રૂ. એક કરોડનું કામ માત્ર રૂ.૩૭.૩૮ લાખમાં કરવા એજન્સીએ તૈયારી બતાવતા આશ્ચર્ય સર્જાયું હતું. એજન્સીએ શંકાસ્પદ ભાવ ભરતાં તેના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા.

જેમાં ગુમાસ્તા ધારાના લાઈસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી અને કંપની પાસે પોતાનું ગોડાઉન પણ ન હતું. આ બંને સહિત અન્ય કેટલીક શરતોમાં પણ કંપની પાસે પૂરતી લાયકાત ન હોવાથી તેને કામ નહીં સોંપવાનો નિર્ણય લેવાયો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બીજા ક્રમે નીચા ભાવ ભરનારી એજન્સી સાથે આ મામલે ચર્ચા કરવા અને તે ૬૨.૬૨ ટકા નીચા ભાવે કામ કરવા તૈયાર થાય તો તેને સોંપવા સૂચના આપી હતી. એજન્સી નીચા ભાવે કામ કરવા તૈયાર ન થાય તો ફરી ટેન્ડર પ્રક્રિયા કરવા જણાવાયું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here