પાટણ,તા.૨૧
હારીજના નાણાં ગામમાં કાર ચાલકે ૬ વર્ષનાં બાળકને કચડવાની ઘટના સામે આવી છે. આ કમકમાટીભરી દૂર્ઘટનામાં બાળકનું મોત નીપજ્યું છે. દાદાની આંખોની સામે જ માસૂમ બાળકનું મોત થયું છે. આ ઘટના બાદ પરિવારજનો સાથે ગામ લોકો રોષે ભરાયા હતા અને ગાડીનાં કાંચ તોડી નાંખ્યા હતા. આ ગાડી ચલાવી રહેલો ચાલક પહેલા ફરાર થઇ ગયો હતો જે બાદ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. છ વર્ષના માસૂમ બાળક સહદેવ ઠાકોરના મૃતદેહને હારીજ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. આ દૂર્ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થયા હતા અને લોકોએ રોષમાં આવી જઇને કારનાં કાંચ તોડી નાંખ્યા હતા. આ દૂર્ઘટનાને કારણે મૃતક બાળકના પરિજનોમાં શોક વ્યાપી ગયો છે.
થોડા દિવસ પહેલા રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક પણ આવી જ એક ઘટના બની હતી. અહીં એક ઓડી કાર ચાલકે મોબાઇલ પર વાત કરતાં કરતાં એક દોઢ વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. દોઢ વર્ષનો બાળકો રમતાં રમતાં ઓડી કાર પાસે પહોંચી ગયો હતો. કાર ચાલકે અચાનક કાર ચાલુ કરતી દેતા બાળક નીચે કચડાયો હતો. બાળકને કચડી નાખ્યા બાદ ઓડી કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કાર નીચે કચડાયેલા બાળકે હૉસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો છે.