પર્યાવરણ શુદ્ધ બને તે માટે રાજકોટ મનપાના કમિશનર સહિત કર્મચારીઓએ સાઈકલ સવારી કરી

0
14
Share
Share

રાજકોટ,તા.૯

રાજકોટમાં પર્યાવરણ શુદ્ધ બને અને લોકોની તંદુરસ્તીમાં વધારો થાય તે માટે રાજકોટ કોર્પોરેશનના કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં લોકોને સાઈકલનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. સાથે જ મનપાના તમામ કર્મચારીઓ દર શુક્રવારે ફરજીયાત સાઈકલ પર આવશે. આથી આજે કમિશનર સહિત કર્મચારીઓ સાઈકલ સાથે મનપા કચેરીએ પહોંચ્યા હતા. જે કર્મચારીઓ પાસે સાઈકલ નથી તેઓ સિટી બસ અને ચાલીને ઓફિસે પહોંચ્યા હતા. મનપા કમિશનર ઉદિત અગ્રવાલ, મનપા ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણી સહિતના સાઇકલ લઈ મનપા કચેરી પહોંચ્યા હતા.

મનપા દ્વારા આગામી સમયમાં વધુમાં વધુ લોકો સાઇકલ સવારી માટે પ્રેરાય તે દિશામાં નીતિ તૈયાર કરવામાં આવશે. મનપા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, મને બાળપણ અને યુવાનીના દિવસો યાદ આવી ગયા. મારા માતા-પિતાએ મને પહેલી સાઇકલ લઈ દીધી હતી. હું રાજકોટના લોકોને અપીલ કરું છું કે વધુને વધુ લોકો માસ ટ્રાન્સપોર્ટસ અને સાઇકલનો ઉપયોગ કરે. પર્યાવરણની જાળવણી એ આપણા સૌ કોઈની ફરજ અને જવાબદારી છે. ઉદિત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારે અઠવાડિયામાં એક દિવસ સાઈકલ ચલાવીને કચેરીએ આવવાથી પેટ્રોલ બચશે, કસરત થતાં તંદુરસ્તી રહેશે અને પર્યાવરણ શુદ્ધ થશે.

આ પ્રયોગ અન્ય કચેરીઓ માટે તેમજ શહેરીજનો માટે પ્રેરણારૂપ બને તેવો અમારો હેતુ છે. સાઈકલ ન હોય તેવા લોકો સિટી બસ જેવા પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા થશે. જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે. મનપા કમિશનરે જાતે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધીના સાઈકલ ટ્રેક પર સાઈકલ ચલાવી અને હેન્ડલ બાર સર્વે કર્યો હતો. સાઈકલ ટ્રેક પર જ્યાં જ્યાં દબાણો જોવા મળ્યા તે તમામ દબાણો દૂર કરાવી સાઈકલ ટ્રેક પર લોકો સાઈકલ ચલાવે તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here