પંડ્યા-જાડેજાના જોરે ભારતે ઓસી. સામે ક્લિન સ્વિપ ટાળી

0
25
Share
Share

ભારતના ૫ વિકેટે ૩૦૨ રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા ૨૮૯ રનમાં સમેટાઈ, ઓસી.નો શ્રેણીમાં ૨-૧થી વિજય

કેનબેરા

હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની તોફાની બેટિંગ બાદ શાર્દૂલ ઠાકુરની શાનદાર બોલિંગની મદદથી ભારતે કેનબેરાના મનુખા ઓવલ મેદાન પર રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં ૧૩ રને વિજય નોંધાવ્યો છે. જોકે, ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૧થી જીતી લીધી છે પરંતુ અંતિમ મેચમાં જીતીને વિરાટ કોહલીની ટીમે વ્હાઈટવોશ અટકાવ્યો છે. અંતિમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ભારતે નિર્ધારીત ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૦૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ ૪૯.૩ ઓવરમાં ૨૮૯ રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. આ મેદાન પર ઓસ્ટ્રેલિયાનો પ્રથમ પરાજય છે.

૩૦૩ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત અપેક્ષા પ્રમાણે રહી ન હતી. પ્રથમ બે વન-ડે કરતા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ નિરાશાજનક શરૂઆત કરી હતી. ટીમે ૫૬ રનમાં માર્નસ લાબુશેન અને સ્ટિવન સ્મિથની મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. બંનેએ સાત-સાત રન નોંધાવ્યા હતા. ત્યારબાદ મોએસિસ હેનરિક્સ અને કેમેરોન ગ્રીન પણ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યા ન હતા. હેનરિક્સે ૨૨ અને ગ્રીને ૨૧ રન નોંધાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની બેટિંગ અપેક્ષા પ્રમાણે રહી ન હતી પરંતુ કેપ્ટન એરોન ફિંચે સિરીઝમાં વધુ એક અડધી સદી ફટકારી હતી. ફિંચે એક છેડો જાળવી રાખ્યો હતો પરંતુ ૨૬મી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ ફિંચને પેવેલિયન ભેગો કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી. ફિંચે ૮૨ બોલમાં ૭૫ રન નોંધાવ્યા હતા જેમાં સાત ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. ત્યરાબાદ એલેક્સ કેરી અને ગ્લેન મેક્સવેલની જોડીએ શાનદાર બેટિંગ કરી હતી. તેમાં પણ મેક્સવેલે તોફાની અંદાજમાં બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાના વિજયની આશા જીવંત રાખી હતી પરંતુ મહત્વના સમયે જસપ્રિત બુમરાહે તેને આઉટ કરીને ભારતને રાહત અપાવી હતી. તેણે ૩૮ બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી ૫૯ રન ફટકાર્યા હતા. ભારત માટે શાર્દૂલ ઠાકુરે ત્રણ, નટરાજન અને જસપ્રિત બુમરાહે બે-બે તથા કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાને એક-એક સફળતા મળી હતી. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. શિખર ધવન અને શુભમન ગિલે ટીમને મક્કમ શરૂઆત અપાવી હતી. જોકે, બંને બેટ્‌સમેન મોટી ઈનિંગ્સ રમી શક્યા ન હતા. ધવન ૧૬ રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે ગિલે ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. કોહલીએ ૭૮ બોલમાં પાંચ વિકેટે ૬૩ રન નોંધાવ્યા હતા. શ્રેયસ ઐય્યર અને લોકેશ રાહુલ પણ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યા ન હતા. ઐય્યર ૧૯ અને રાહુલ પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. ભારતે એક સમયે ૧૫૨ રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારે ભારત મોટો સ્કોર કરી શકશે કે નહીં તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની જોડીએ વિસ્ફોટક બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયન બોલર્સની ધોલાઈ કરી હતી. આ જોડીએ ૧૫૦ રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. હાર્દિકે સિરીઝમાં વધુ એક વખત ૯૦થી વધુ રનની ઈનિંગ્સ રમી હતી. અગાઉ પ્રથમ વન-ડેમાં પણ તેણે ૯૦ રન ફટકાર્યા હતા. પંડ્યા અને જાડેજા છેક સુધી નોટ આઉટ રહ્યા હતા. હાર્દિક પંડ્યાએ ૭૬ બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સર સાથે અણનમ ૯૨ રન ફટકાર્યા હતા જ્યારે જાડેજાએ ૬૦ બોલમાં અણનમ ૬૬ રનની ઈનિંગ્સ રમી હતી જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. ઓસ્ટ્રેલિયા માટે એશ્ટન અગરે બે વિકેટ ઝડપી હતી જ્યારે હેઝલવૂડ, એબોટ અને ઝામ્પાને એક-એક સફળતા મળી હતી.

સ્કોરબોર્ડ

ભારત ઇનિંગ્સ :

ધવન   કો. અગર બો. એબોટ   ૧૬

ગિલ    એલબી બો. અગર      ૩૩

કોહલી  કો. કેરી બો. હેઝલવુડ  ૬૩

શ્રેયસ અય્યર   કો. લબુસેન બો. ઝંપા   ૧૯

રાહુલ  એલબી બો. અગર      ૦૫

હાર્દિક પંડ્યા    અણનમ        ૯૨

જાડેજા  અણનમ        ૬૬

વધારાના               ૦૮

કુલ     (૫૦ ઓવરમાં ૫ વિકેટે)        ૩૦૨

પતન  : ૧-૨૬, ૨-૮૨, ૩-૧૧૪, ૪-૧૨૩, ૫-૧૫૨

બોલિંગ : હેઝલવુડ : ૧૦-૧-૬૬-૧, મેક્સવેલ : ૫-૦-૨૭-૦, એબોટ : ૧૦-૦-૮૪-૧, ગ્રીન : ૪-૦-૨૭-૦, અગર : ૧૦-૦-૪૪-૨, ઝંપા : ૧૦-૦-૪૫-૧, હેનરીક્ષ : ૧-૦-૭-૦

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ :

લાબુસેન        બો. નટરાજન   ૦૭

ફિન્ચ   કો. ધવન બો. જાડેજા   ૭૫

સ્મિથ   કો. રાહુલ બો. ઠાકુર    ૦૭

હેનરીક્ષ કો. ધવન બો. ઠાકુર    ૨૨

ગ્રીન    કો. જાડેજા બો. કુલદીપ ૨૧

કેરી    રનઆઉટ       ૩૮

મેક્સવેલ       બો. બુમરાહ    ૫૯

અગર  કોે. કુલદીપ બો. નટરાજન     ૨૮

એબોટ  કો. રાહુલ બો. ઠાકુર    ૦૪

ઝંપા    એલબી બો. બુમરાહ    ૦૪

હેઝલવુડ       અણનમ        ૦૭

વધારાના               ૧૭

કુલ     (૫૦ ઓવરમાં ઓલઆઉટ)     ૨૮૯

પતન  : ૧-૨૫, ૨-૫૬, ૩-૧૧૭, ૪-૧૨૩, ૫-૧૫૮, ૬-૨૧૦, ૭-૨૬૮, ૮-૨૭૮, ૯-૨૭૮, ૧૦-૨૮૯

બોલિંગ : બુમરાહ : ૯.૩-૦-૪૩-૨, નટરાજન : ૧૦-૧-૭૦-૨, ઠાકુર : ૧૦-૧-૫૧-૩, કુલદીપ : ૧૦-૦-૫૭-૧, જાડેજા : ૧૦-૦-૬૨-૧

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here