પંડિત જસરાજજી અને ગુજરાતનો સંબંધ

0
181
Share
Share

ભારતીય શાસ્ત્રીય સંગીતનો વિશ્વનો સૌથી વિશાળ જલસો અમદાવાદમાં યોજાય છે. ૧૩ રાતો સુધી ચાલતા સપ્તક સંગીત સમારોહ નામના આ જલસામાં આ વર્ષે જાન્યુઆરીમાં જ પંડિત જસરાજનું સન્માન કરવામાં આવ્યું હતું.એ વખતે મંચ પર પંડિત જસરાજને સન્માનવા માટે ઈમદાદખાની ઘરાણાંના સિતારનવાઝ ઉસ્તાદ શુજાત ખાન, બનારસ ઘરાણાંના ગાયકો પંડિત રાજન-સાજન મિશ્ર, ધ્રુપદ ગાયક પંડિત ઉમાકાંત ગુંડેચા, બનારસ ઘરાણાંનાં તબલાવાદક પંડિત કુમાર બોઝ, સિતારવાદક તેમજ સપ્તકના ટ્રસ્ટી મંજુબહેન મહેતા જેવા કદરદાનો ઉપસ્થિત હતા.એ કાર્યક્રમમાં નેવું વર્ષનાં પંડિત જસરાજે બે કલાક ગાયન કર્યું હતું.જાન્યુઆરીએ તેમનું સન્માન થયું અને ૧૭ ઑગષ્ટે સાંજે સમાચાર આવે છે કે પંડિત જસરાજ હવે દુનિયા છોડીને મોટા ગામતરે જતા રહ્યા છે.

પંડિત જસરાજ ’શ્રી રાધે શરણમ મમપ’ ગાય કે પછી ’મેરો અલ્લાહ મહેરબાનપ’ ગાય, તેમની ગાયકીનું અધ્યાત્મ અંગ એટલું પ્રબળ હતું કે આગવી સૃષ્ટિ રચી દેતું હતું. શ્રોતા કાનથી એ સૃષ્ટિ અનુભવી શકતાં હતાં.ગુજરાત સાથે પંડિત જસરાજનો જૂનો ઘરોબો હતો. બાપુસાહેબ તરીકે જાણીતા સાણંદના મહારાજા જયવંતસિંહ વાઘેલા સાથે પં. જસરાજને વર્ષો જૂનો સંગીતનો નાતો હતો. ઉપરાંત, અમદાવાદનાં સપ્તક સંગીત સમારોહ સાથે પણ ચાલીસ વર્ષ જૂનો નાતો હતો. અમદાવાદમાં સપ્તક સંગીત સમારોહ છેલ્લા ૪૦ વર્ષથી ચાલે છે.સપ્તક શરૂ થયું ત્યારથી જ પંડિત જસરાજજીને એ ઘર જેવું હતું. સપ્તક સમારોહમાં પં. જસરાજજી મોટે ભાગે દર વર્ષે પ્રસ્તુતિ આપતા હતા. સપ્તક સમારોહ પ્રત્યે તેમને એટલો લગાવ હતો કે તેઓ પ્રસ્તુતિ તો આપતાં જ પરંતુ ત્યાં અન્ય કલાકારોને સાંભળવા માટે પણ હમેશા ઉત્સુક રહેતા.આટલા ઊંચા ગજાના કલાકાર સપ્તકમાં માત્ર ગાયક તરીકે જ નહીં પણ એક શ્રોતા તરીકે પણ આવતા એ સપ્તકનું અહોભાગ્ય છે.બે વર્ષ પહેલાં નાદુરસ્ત તબિયતને લીધે તેઓ સપ્તકમાં આવી શક્યાં નહોતાં ત્યારે તેમણે વિશેષરૂપે વીડિયો સંદેશ મોકલ્યો હતો અને કહ્યું હતું કે સપ્તકમાં આવવાની દર વર્ષે ઇંતેજારી રહે છે. આ વખતે નથી આવી શકાયું તો એનો ખૂબ અફસોસ છે.

સપ્તકના મંચ પર એક વખત કાર્યક્રમની શરૂઆત શ્રોતાઓને એવું કહીને કરી હતી કે બોલો, તમે કહો હું શું ગાઉં? જસરાજજીને ગુજરાતી બોલતાં સાંભળીને શ્રોતાઓએ તાળીઓથી તેમને વધાવી લીધા હતા. અમદાવાદમાં સપ્તક સમારોહનાં સ્થાપક પંડિત નંદન મહેતા સાથે પંડિત જસરાજને પચાસ વર્ષ જૂનો નાતો હતો.નંદન મહેતાનાં પત્ની મંજુબહેન જણાવે છે કે પંડિત જસરાજનું માર્ગદર્શન અને પ્રેમ તો સપ્તકને વર્ષોથી મળતાં જ આવ્યા છે, પણ નંદનજીના નિધન બાદ તેઓ વડીલની જેમ અમને અને સપ્તકના કાર્યક્રમને માર્ગદર્શન અને આશીર્વાદ આપતા રહ્યા છે. પંડિતજી વાતો કરવાના પણ ખૂબ શોખીન હતા. તેમની સાથે મહિને-દોઢ મહિને વાતો થતી રહેતી હતી.ક્યારેક હું ફોન કરવાનું ભૂલી ગઈ હોઉં તો સામેથી ફોન કરતાં. હું તેમને કહેતી કે મૈને ઈસ લીયે ફોન નહીં કિયા કી આપ બહોત વ્યસ્ત હોતે હૈ તો ક્યું તકલીફ દેં, તો તેમનો જવાબ રહેતો કો નહીં નહીં મુજે ફોન કર લિયા કરો.સપ્તક સમારોહ સિવાય પણ તેઓ અમારા ઘરે નિયમિત આવતાં-જતાં રહેતા હતા. ઘરે આવે ત્યારે કૉફી માગે. અલકમલકની વાતો કરે. પછી મૂડ જામે એટલે કંઈક સંભળાવે. તેમનો પારિવારિક પ્રેમ એટલો હતો કે અમદાવાદમાં કાર્યક્રમ હોય ત્યારે કહેતા કે હમારે સાથે તુમ્હારી લડકી હેતલ તબલા બજાયેગી.અમદાવાદનાં મહિલા તબલાંવાદક અને મંજુબહેનનાં પુત્રી હેતલ મહેતા જણાવે છે કે હું ઘણાં વર્ષોથી તેમની સાથે તબલા સંગત કરતી હતી. ૧૯૯૯થી ગુજરાતમાં ઘણાં કાર્યક્રમોમાં તેઓ મને તબલા સંગત કરવા સાથે લઈ ગયા. તેમણે ૧૯૯૯માં અમેરિકામાં સંગીતના એક સાથે ઘણાં કાર્યક્રમ આપ્યા હતા. જેમાં તેઓ તબલા સંગત માટે મને સાથે લઈ ગયા હતા.આટલા ઊંચા ગજાના કલાકાર સાથે સંગત કરવાની તક મળે એ કોઈ પણ કલાકાર માટે સદ્ભાગ્ય હોય અને ઘણું શીખવા મળે. મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. કોઈ પણ તબલાવાદક સોલો એટલે કે એકલપંડે પરફૉર્મન્સ આપતા હોય અને ગાયક સાથે તેઓ તબલાં વગાડતાં હોય તો તેમણે બંનેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે એની સમજ તેમણે આપી હતી.વિલંબિતનો ઠેકો કઈ રીતનો હોય, મધ્યલયનો ઠેકો કઈ રીતનો હોય એના વિશે તેઓ માર્ગદર્શન આપતા હતા. ઉપશાસ્ત્રીય સંગીતમાં તબલાંનો ઠેકો કઈ રીતનો હોય તેની પણ તેમણે સમજ આપી હતી. એક વખત તેઓ ઍન્ટાર્કટિકા જવાનું હોવાતી તેઓ સપ્તક સમારોહમાં આવી શક્યાં નહોતાં. સપ્તક પ્રત્યેના લગાવને લીધે તેમના માટે ફેબ્રુઆરીમાં અમે વિશેષ કાર્યક્રમ અમદાવાદમાં યોજ્યો હતો. અમારા માર્ગદર્શક, ગુરૂ, શુભેચ્છક ગુમાવ્યા હોય એવી લાગણી અમને થઈ રહી છે.સાણંદના બાપુસાહેબ સાથે પં. જસરાજ તેમજ તેમના ભાઈ પં. મણિરામજી અને પરિવારનો નાતો અનેરો હતો. મંજુબહેન જણાવે છે કે સાણંદ દરબારગઢમાં દર અષ્ટમી-નવમીએ સંગીતનો કાર્યક્રમ થતો હતો. જે આખી આખી રાત ચાલતો હતો. જેમાં હિંદુસ્તાનનાં દિગ્ગજ કલાકારો રજૂઆત કરતા હતા. જેમાં જસરાજજી નિયમિત ત્યાં આવતા હતા.પં. જસરાજજી ગુજરાત આવતા ત્યારે સાણંદ જવાનો તેમનો નિયમ હતો. સંગીતમાં પંડિતજીએ જે મુકામ હાંસલ કર્યો છે એનો યશ તેઓ સાણંદના બાપુસાહેબને મોકળા મને આપતા હતા. સાણંદના રાજવી પરિવાર પ્રત્યે તેમને ખૂબ ભાવ હતો. સાણંદ સાથેનો તેમનો વર્ષો જૂનો નાતો હોવાને લીધે તેઓ ગુજરાતી પણ બોલતાં થઈ ગયા હતા.થોડાં વર્ષ અગાઉ સપ્તકના મંચ પર પં. જસરાજજીની ગાયકીને સાંભળીને એ વખતે બનારસ ઘરાણાંના તબલાનવાઝ પંડિત કિશન મહારાજ એટલા ખુશ થઈ ગયા હતા કે જેવો જસરાજજીનો કાર્યક્રમ પૂરો થયો કે તરત તેઓ મંચ પર આવી ગયા હતા. મંચ પરથી જ તેમણે જસરાજજીની ગાયકીની ખૂબ પ્રસંશા કરી હતી. એ વખતે જસરાજજી મંચ પર એટલા ભાવુક થઈ ગયા હતા કે કિશન મહારાજનાં શબ્દો સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.અમદાવાદનાં જ શાસ્ત્રીય ગાયક સ્વ. પંડિત કૃષ્ણકાંત પરીખ તેમજ નિરજ પરીખ, વિકાસ પરીખ વગેરેએ પંડિત જસરાજજી પાસે જ સંગીતની તાલીમ મેળવી છે.પંડિત જસરાજે ગુજરાતમાં મંદિરોમાં પણ શાસ્ત્રીય રાગો છેડ્યાં. તેમણે સોમનાથ મંદિરમાં પણ ગાયકી પ્રસ્તુત કરી હતી. પંદરેક વર્ષ અગાઉ તેઓ સોમનાથ દર્શન કરવા ગયા હતા ત્યારે મંદિરનાં નૃત્યમંડપમાં ગાયન કર્યું હતું.પંડિત જસરાજ સોમનાથમાં છે એ વાત ગામમાં વાયુવેગે પ્રસરી હતી અને તરત ગામ લોકો મંદિરના નૃત્યમંડપમાં જશરાજજીને સાંભળવા એકઠા થઈ ગયા હતા.એક તરફ દર્શનાર્થીઓ દર્શન કરતાં હતા અને બીજી તરફ પંડિત જસરાજજી શાસ્ત્રીય રાગદારીઓ રજૂ કરતા હતા. સોમનાથના સ્થાનિક લોકોએ પં. જસરાજને જણાવ્યું કે ગામમાં ઊભી બજારે ભગવાન કૃષ્ણનું ઠાકોર મંદિર છે ત્યાં પણ પધારો.જસરાજજી સાંજે ઠાકોર મંદિર ગયા હતા અને ત્યાં પણ કૃષ્ણભક્તિની રચના રજૂ કરી હતી.

પંડિત જસરાજનો પરિચય

એમણે પંડિત મનીરામ, જયવંત સિંહ વાઘેલા, ઉસ્તાદ ગુલામ કાદર ખાન (મેવાત ઘરાના) અને સ્વામી વલ્લભદાસ (આગરા ઘરાના) પાસેથી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ લીધી હતી.એમને વર્ષ ૧૯૮૭માં ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૯૯૦માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’થી, ૨૦૦૦માં ભારત સરકાર દ્વારા ‘પદ્મવિભૂષણ’થી, ૨૦૧૦માં ‘સંગીત નાટક અકાદમી ફેલોશિપ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.પંડિત જસરાજ મેવાતી ઘરાના સંગીત યુગના ગાયક હતા જેની સ્થાપના ઉસ્તાદ ઘગ્ગે નઝીર ખાન અને ઉસ્તાદ વાહિદ ખાને જોધપુરના દરબારમાં કરી હતી.હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના પિલી મંડોરી ગામમાં જન્મેલા પંડિત જસરાજ જે મેવાતી ઘરાનાનાં ગાયક હતા તે ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રતિ ભક્તિ માટે જાણીતું છે.તેઓ કૃષ્ણ અને હનુમાનજીના ભક્ત હતા મોટે ભાગે ભગવાન શ્રીકૃષ્ણના ભજન ગાતા હતા શરૂઆતમાં, એમના પિતા મોતીરામે જ એમને ગાયકીનું પ્રશિક્ષણ આપ્યું હતું. બાદમાં એમણે તેમના ભાઈ અને ગુરુ પંડિત મનીરામની સાથે એક તબલાવાદકના રૂપમાં કાર્ય શરૂ કર્યું હતું.પંડિત જસરાજના પત્ની મધુરાએ ગીત-ગોવિંદ, કાન કહાની, સૂરદાસ જેવી અમુક દસ્તાવેજી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. ૨૦૦૯માં મધુરાએ એક ફિલ્મ બનાવી હતી – ‘સંગીત માર્તંડ પંડિત જસરાજ’ જે એમના પતિ પંડિત જસરાજના જીવન પર આધારિત છે.જાણીતા સંગીતકાર બંધુઓ – જતીન અને લલિત એમના ભત્રીજા છે અને અભિનેત્રી સુલક્ષણા પંડિત અને વિજયતા પંડિત એમની ભત્રીજીઓ છે.પંડિત જસરાજ મૂળ તબલાવાદક બનવા માગતા હતા. ૧૯૪૬માં એમણે કલકત્તામાં એક ભારતીય શાસ્ત્રીય કાર્યક્રમમાં તબલાવાદન પેશ પણ કર્યું હતું. પરંતુ એ સમયમાં લોકો તબલાવાદકને હીણભાવનાથી જોતા હતા એટલે એમણે સંગીતકાર બનવાનું નક્કી કર્યું હતું. ૧૪ વર્ષની ઉંમરે જ એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે જ્યાં સુધી પોતે સંગીતકાર નહીં બને ત્યાં સુધી પોતાના માથાના વાળ નહીં કપાવે.૧૬ વર્ષની ઉંમરે એમણએ ગાયકના રૂપમાં પ્રશિક્ષણ શરૂ કર્યું હતું અને ૨૨ વર્ષની વયે પોતાનો પહેલો લાઈવ સંગીત કાર્યક્રમ આપ્યો હતો.ગ્રહનું પોતાના નામથી નામકરણ કરાતાં પંડિત જસરાજ હવે મોઝાર્ટ, બીથોવન અને ટેનલ લ્યુસિઆનો પાવારોટ્ટી જેવા અમર બની ગયેલા સંગીતકારોની હરોળમાં આવી ગયા.

અમેરિકાના એરિઝોનામાં ખગોળવિજ્ઞાનની જાણીતી સંસ્થા કેટાલિના સ્કાય સર્વે દ્વારા અનેક ટેલીસ્કોપ્સની મદદથી ઍસ્ટરૉઇડ – નાનકડા ગ્રહને શોધવામાં આવ્યો હતો, જેને હવે ‘પંડિતજસરાજ’ નામ આપવામાં આવ્યું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here