નોકરી કરવી જ છે તો મક્કમ બનો

0
36
Share
Share

સુમનને આજે પણ યાદ છે એ દિવસ.  એ દિવસે તે બેંકમાં નોકરીએ જોડાઈ હતી. પ્રથમ દિવસે જ ઘરમાંથી નીકળતાં સસરાએ ટકોર કરી કે સુમન શું કામ નોકરી કરવા જાઓ છો? ઘરમાં બધું છે. મુકેશ પણ સારું કમાય છે. પણ સુમન, નતમસ્તકે  સસરાના આશીર્વાદ લઈને ધીમે પગલે બહાર નીકળી. બંડખોરી નહીં પણ આત્મનિર્ભરતા તેના મનમાં દ્રઢ બની ગઈ હતી.સુમન સુખી ઘરમાં પરણી હતી. પતિ પણ સારું કમાતો હતો. સુમન સુશિક્ષિત અને હોંશિયાર હતી તેને પોતાની કેરિયર બનાવવી હતી. પોતાના વ્યક્તિત્વની આગવી ઓળખ બનાવવી હતી. સમાજમાં પોતાનું એક ખાસ ’સ્ટેટસ’ બનાવવું હતું. આત્મ નિર્ભરતા કેળવવી હતી. આજે એ વાતને લગભગ દસ વર્ષ થવા આવ્યા હતા. સુમન આજે પોતાની કારકિર્દીના ક્ષેત્રમાં સારી રીતે ગોઠવાઈ ગઈ છે.

સુમનની માફક આજે અનેક યુવતીઓને આત્મનિર્ભરતા કેળવવાની આવશ્યકતા સમજાઈ ગઈ છે. આજના જમાનામાં ગૃહિણી તરીકે જીવન વ્યતીત કરતી દરેક સ્ત્રી એવું જ ઈચ્છે છે કે પોતાની દીકરી સુશિક્ષિત થાય અને પોતાના પગ પર ઊભી રહે અને પ્રત્યેક યુવતી એવું ઈચ્છે કે મારી તમામ જરૃરિયાતો હું જ જાતે જ મેળવી શકું. તથા મા-બાપને પણ મદદરૃપ થઈ શકું. તેથી જ આજની યુવતી અભ્યાસ પુરો થાય કે તરત જ નોકરીની શોધખોળ આદરે છે. પોતાની આવડત અને હોંશિયારી પ્રમાણે આગળ વધતી જાય છે. તેને બે પૈસા માટે કોઈની સામે હાથ લંબાવવો નથી ગમતો.આજની કારમી મોંઘવારીમાં ઘરખર્ચના બે છેડા ભેગા કરવા મોટાભાગની સુશિક્ષિત બહેનો નોકરી કરે છે. જો કે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પોતાની જાતને અનેક લોલુપ નજરોથી બચાવતા રહેવું પડે છે. ઘર અને ઓફિસના કામકાજ વચ્ચે ભારે ભીંસ અનુભવે છે. તેમ છતાં યે જો તે આત્મ નિર્ભર હોય તો અચાનક પતિનું મૃત્યુ થાય અથવા એવા અન્ય કોઈ સંજોગો ઉપસ્થિત થાય ત્યારે કોઈની મહેરબાની પર જીવવું પડતું નથી.

પતિ લાંબો સમય બીમાર રહે કે અપંગ બની જાય તો પત્ની ઘરનો આર્થિક બોજ ઝીલવા સક્ષમ હોય છે.આપણાં સમાજમાં ઘણીવાર સુશિક્ષિત સ્ત્રીઓ પણ ઘર અને બાળ ઉછેર સિવાયની બાબતો પ્રત્યે  શરૃઆતમાં દુર્લક્ષ સેવે છે અને રોજિંદી ઘરેડમાં પરોવાઈ રહે છે. પરિણામે જરૃરિયાત વખતે તેઓ બહાર નીકળતાં ખચકાય છે. એટલે આત્મિનિર્ભરતા કેળવવાની સાચી સમજ તે કેળવી શકતી નથી.

મનોવૈજ્ઞાાનિકોનાં મંતવ્ય મુજબ આત્મિનર્ભરતાનો અર્થ આર્થિક સુરક્ષા નથી. હા, આર્થિક સુરક્ષા એ નારી માટે એક આત્મનિર્ભરતાનું માધ્યમ જરૃર છે.પરંતુ વધારે તો તે પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વની પહેચાન કરાવે છે. વ્યવસાય માટે બહાર નીકળતી મહિલા માટે અનેક નવી દિશાઓ ઉઘડે છે. સમાજ અને પરિવારમાં પોતાનું સ્થાન જમાવવાનું એ પ્રથમ ચરણ છે. એમાં કેટલું આગળ વધી શકાય છે. એ વ્યક્તિની પોતાની શક્તિ અને આવડત પર અવલંબે છે. જાતે નિર્ણય લેવાની શક્તિ, સાહસ પ્રાપ્ત થાય છે. ઉપરાંત તેના વડે તે પોતાની ઈચ્છા પૂરી કરવા સમર્થ બને છે.આનો અર્થ એવો પણ ન કરી શકાય કે ગૃહિણી જે વ્યવસાયી નથી તેનું કોઈ મહત્ત્વ જ નથી. ઘરનો મોભી કમાઈને લાવે પણ ઘર સુવ્યવસ્થિતપણે ચલાવવું, બાળકોને ઉછેરવા, તેમનામાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવું, એ પણ એક જવાબદારી યુક્ત કર્તવ્ય છે.

પતિ ઘર અને બાળકો પાછળ જાત ઘસી નાખતી સ્ત્રી પોતાના અનેક અરમાનો, શોખ, ઈચ્છાઓ દબાવી દે છે, આવી સ્ત્રી આર્થિક રીતે પતિ પર નિર્ભર હોય છે પણ પતિ અને બાળકો અન્ય તમામ બાબતો માટે તેના પર નિર્ભર હોય છે.જરૃરિયાતને નામે કે સ્વાશ્રયી થવાને નામે કેટલીક પરિણીત બહેનો નોકરી કરતી હોય છે અને શોષણ વેઠતી પણ જોવા મળે છે. દિવસભર ઘર અને ઓફિસમાં ઝઝૂમતી સ્ત્રી પોતાનો આખો પગાર લાવી સાસુને આપી દેવાના દાખલા પણ આપણા ઘરોમાં જોવા મળે છે.

છતાં આવી સ્ત્રીઓ જરાયે અવાજ ઉઠાવી શકતી નથી. જયારે કયાંક એવું પણ જોવા મળે છે કે બે પૈસા કમાઈને ઘરમાં લાવતી સ્ત્રીઓ પતિ અને પરિવાર પર પોતાનો રોફ જમાવે છે.આત્મ નિર્ભરતાથી  માત્ર આર્થિક નહિ, ભાવનાત્મક અને માનસિક પરિપકવતા કેળવાય છે. સ્ત્રી પોતાની સુષુપ્ત શક્તિઓ જાગૃત કરી શકે છે. સંકોરી શકે છે. સ્વતંત્રતાની અનુભૂતિ મેળવે છે.  સ્વતંત્ર વ્યક્તિત્વ ખીલતા ક્યારેક પતિ સાથેના સંબંધો અસમતુલિત બને છે, વણસે છે, અને વિચ્છેદમાં પરિણમે છે. પુરુષ હંમેશા એવું ઈચ્છે છે કે કમાઉ પત્ની મોટી રકમ લાવી ઘરમાં આપે, પણ તે પોતાના પર નિર્ભર નથી એવું માનવા તે ક્યારેય તૈયાર થતો નથી. વ્યવસાયી મહિલાઓ પ્રત્યે હજી પુરૃષોનો દ્રષ્ટિકોણ બદલાયો નથી.વિવાહિત સ્ત્રી ઘરપરિવાર સાથે લાગણીના સંબંધોથી સંલગ્ન હોય છે. સાથે સાથે જયાં તે નોકરી કરતી હોય ત્યાં તે તેટલા સમય પૂરતી તન મનથી જોડાયેલી રહેતી હોય છે. તેનું માન-સન્માન તેના પગાર પર નહિ તેના ઘરના સભ્યો સાથેના પરસ્પર પ્રેમ પર નિર્ભર કરે છે અને એના માટે પરસ્પર સમજ અને આત્મીયતા હોવી અત્યંત જરૃરી બની રહે છે.બદલાતા સમયના વહેણ સાથે કદમ મિલાવતા આધુનિક સુવિધાઓ આવશ્યક બનતી જાય છે. જીવનશૈલી સંપૂર્ણપણે બદલાતી જાય છે. આ પરિસ્થિતિમાં સ્ત્રી પોતાના જ નહિ, પરિવાર માટેય ઘરનો ઉંબરો ઓળંગીને પોતાથી બનતો પ્રયત્ન કરી, આર્થિકરૃપે સહયોગ આપવાનો પ્રયાસ કરે છે. એ તેના અને તેના પરિવાર માટે હિતકારક બની રહેવા મથે છે.આ માટે જ આત્મનિર્ભરતાને ભાવનાત્મક જટિલતામાં સંડોવ્યા વિના, વ્યવહારિક સ્તર પર અપનાવી શરૃઆતથી જ યોજનાબદ્ધ રીતે આગળ વધવું ઉપયોગી થઈ પડશે… આજે સ્ત્રી માટે ઘણાબધા ક્ષેત્રો ખુલ્યા છે. ઓફિસમાં નોકરી ઉપરાંત ઘરમાં ગૃહઉદ્યોગ દ્વારા પણ આત્મ નિર્ભર બની શકાય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here