ન્યુ દિલ્હી,તા.૨૬
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીને પોતાના ઈશારે નચાવનારા ચીનને હવે તાજેતરમાં ઘટેલા રાજકીય સંકટ બાદ પોતાની જમીન ખસકી રહી હોવાનું નજરે પડી રહ્યું છે. માટે જ ચીન નેપાળમાં કમ્યુનિસ્ટ પાર્ટીમાં ચાલી રહેલા મહાસંકટ વચ્ચે ધડાધડ પોતાના મંત્રીને મોકલી રહ્યું છે.
ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય વિભાગના ઉપમંત્રી ગૂઓ યેઝોગ નેપાળની મારતી મુલાકાતે જઈ રહ્યાં છે અને માનવામાં આવી રહ્યું છે કે, તે વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને તેમના વિરોધી પુષ્પ કમલ દહલ વચ્ચે વિવાદનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરશે.
નેપાળના માધ્યમો પ્રમાણે, ચીનના ઉપ મંત્રી ગૂઓ યેઝોગ આવતી કાલે રવિવારે રાજધાની કાઠમંડુ આવી રહ્યાં છે. ચીની નેતાની આ યાત્રાના સંબંધમાં નેપાળમાં ચીનની રાજદુત હાયો યાંકીએ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. ચીની નેતાની આ યાત્રાને નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીમાં ખુબ જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે જે પીએમ ઓલી દ્વારા સંસદ ભંગ કરવાના નિર્ણયે બે ફાડિયા કરી નાખ્યા છે.
મીડિયા અહેવાલ પ્રમાણે પોતાની નેપાળ યાત્રા દરમિયાન ચીની મંત્રી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના બંને જુથના નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. આ અગાઉ નેપાળમાં ચીની રાજદૂતે રાષ્ટ્રપતિ બિંદિયા દેવી ભંડારી, પ્રચંડ, માધવ કુમાર નેપાલ અને ઝાલા નાથ ખનલ સાથે મુલાકાત કરી હતી. નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીને તુટતી બચાવવા માતે ચીની રાજદૂતે પુરી તાકાત લગાવી દીધી પણ હજી સુધી તેને કોઈ જ સફળતા મળી નથી.