નિષ્ફળતામાંથી જ, સફળતાનું ઝરણું પ્રગટે છે

0
19
Share
Share

જીવનમાં સફળતા મેળવવી હોય તો પોઝીટીવ વિચારધારા જોઈએ. ધીરજ રાખી મહેનત કરવાથી અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. જે માણસ અકળાય  છે. હતાશ થાય છે. તે ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શક્તો નથી.જે માણસને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય છે, શ્રદ્ધા હોય છે. સફળતા પ્રાપ્ત કરવાની જેને ધૂન સવાર થઈ હોય છે તેવા માણસો કદી જીવનમાં પાછા પડતા નથી. એવો સાર આ પંક્તિ આપણને સમજાવી રહી છે. આપણે સફળતા પ્રાપ્ત કરવી હોય તો, જીંદગીમાં ક્યારેય નિષ્ફળતાથી ડરશો નહિ, નિષ્ફળતાને જ સફળતાના પગથિયાં બનાવીને આગળ વધવું જોઈએ. એ દિશા તરફ આ લેખમાં આપણે વિચારીશું.આ દુનિયાના દરેક માનવીની ઇચ્છા હોય છે કે તે સફળતા પ્રાપ્ત કરે. સફળતાના શિખરે પહોંચે.

સફળતાના માપદંડ માનવી- માનવીના જુદા હોઈ શકે છે. તેના ક્ષેત્રો પણ જુદા- જુદા હોય શકે છે. કોઈ ધંધામાં, તો કોઈ નોકરીમાં સફળતા મેળવવા ઇચ્છે છે, કોઈ વિદ્યાભ્યાસમાં તો કોઈ રમત ગમતમાં સફળ થવા ઇચ્છા રાખે છે. ટૂંકમાં દરેકને સફળતા પ્રાપ્ત કરવી એવી ઇચ્છા તો હોય જ છે, અને હોવી પણ જોઈએ.

સફળતા મેળવવી હોય તો પોઝીટીવ વિચારધારા જોઈએ. જેની પોઝીટીવ વિચારધારા હોય તે અવશ્ય જીવનમાં સફળ થાય જ છે. આપણે વીજળીની શોધ કરનાર આલ્વા એડીશનને આજે યાદ કરીએ છીએ. તેમનામાં ગજબની ધગશ હતી. નિષ્ફળતાથી તે ક્યારેય ડગતા જ ન હતા. અનેક પ્રયોગમાં નિષ્ફળ જવા છંતા તેઓ કદી હાર સ્વીકારતા ન હતા.એક વખત તો તેમની સાથે કામ કરનાર વિજ્ઞાાનીઓએ કીધું કે, આપણે હવે વીજળીની શોધ પડતી મૂકીએ, કારણકે આમાં સફળતા મળતી નથી. શોધ કરવી જ હોય તો બીજી કોઈ કરીએ. પરંતુ એડીસન પોતાની વિચારધારાને છોડવા માંગતા ન હતા.

એક દિવસ તો કંટાળીને બધા સાથીઓએ કહ્યું કે,  તમો આ વિજળીની શોધ છોડી દો,  નહિ તો અમે કંટાળી ગયા છીએ, તેથી હવે અમો તમને છોડી દઈશું. ત્યારે એડીસને તેમના સાથી મિત્રોને પ્રેમથી સમજાવ્યા કે, આપણે જેમ જેમ નિષ્ફળ જઈએ છીએ, તેમ તેમ સફળતા નજીક આવતી જાય છે. સફળતાનું મોટાભાગનું આપણે અંતર કાપી ચૂક્યા છે. નિષ્ફળતા જ આપણને સફળતાના શિખરે પહોચાડશે.એડીસનની વાત સાંભળીને મને કે કમને મિત્રો તેમની સાથે જોડાયા અને થોડા દિવસોમાં જ એક દિવસ સોનાનો સૂરજ ઉગ્યો હોય તેમ, એડીસનની પ્રયોગશાળા વિજળીથી ઝળબળી ઉઠી. સૌ નાચી ઉઠયા.

જીવનમાં સફળતા મેળવવી હોય તો હરહંમેશ પોઝીટીવ વિચારધારા જોઈએ. સકારાત્મક વિચારો રાખવા જોઈએ. ધીરજ રાખી મહેનત કરવાથી અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. જે માણસ અકળાય જાય છે. હતાશ થઈ જાય છે. તે ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શક્તો નથી. નિષ્ફળતા મળે ત્યારે, સફળતા ક્યાંથી મળશે તેને શોધો. એક રસ્તો નહિ, તો બીજો રસ્તો અપનાવો.એકભાઈ એક વખત એક બૂટ- ચંપલની દુકાનમાં બૂટ લેવા માટે ગયા. એક પછી એક ઘણા બધા બૂટ જોયા. પરંતુ તેમના પગમાં તે સેટ થતાં ન હતા. દુકાનદારે કહ્યું કે, ભાઈ ! તમારા પગમાં એક પણ બૂટ સેટ નહી થાય કારણકે, તમારા પગની સાઈઝ બહુ જ મોટી છે.પેલાભાઈએ કહ્યું કે, તમારી પાસે ચામડું છે ? દુકાનદારે કહ્યું હા, હોય જ ને. પેલા ભાઈએ કહ્યું કે, ખીલી અને સોય પણ હશે જ ને ? દુકાનદારે કહ્યું એ પણ છે. પેલાભાઈને કહ્યું કે, તો બસ મારા પગના બૂટ મને તારી દુકાનમાંથી અવશ્ય મળી જશે. તારી પાસે ચામડું છે, સોય અને ખીલી પણ છે, તો નવા બનાવી આપને.. મારે તારી પાસે જ બૂટ ખરીદવા છે.દુકાનદારે બે દિવસમાં બૂટ તૈયાર કરી આપ્યા.  પેલા ભાઈએ પોતાની સાઈઝના બૂટ એજ દુકાનદાર પાસેથી મળી ગયા. થોડું આપણે વિચારીએ. જે ભાઈને બૂટ જોઈતા હતા, તેમની પોઝીટીવ વિચારધારા હતી, તો તેઓ પોતાના સાઈઝના બૂટ ના મળ્યા, તો તેઓ હતાશ પણ ના થયા, અને ગુસ્સે પણ ના થયા. અને શાંતિથી વાત કરીને દુકાનદારને પણ સમજાવીને પોઝીટીવ વિચારધારા તરફ લઈ ગયા અને પોતાનું કાર્ય તેમણે સાધી લીધું.આવી રીતે જે માણસ કાર્ય કરી શકે છે, તે જીવનમાં ક્યારેય નિષ્ફળ જતો નથી.

આ લોકની અંદર સફળતા પ્રાપ્ત કરવી હોય કે , આધ્યાત્મિક માર્ગે સફળતા પ્રાપ્ત કરવી હોય તો હિંમત રાખી પુરુષાર્થ તો કરવો જ પડશે. શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વયં ગઢડા પ્રથમ પ્રકરણના ૧૭મા વચનામૃતમાં કહે છે કે,’ સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે.તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે, ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે ? ને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પાળે તેટલું પાળીએ ને ભગવાન તો અધમ ઉદ્વારણ છે તે કલ્યાણ કરશે અને વળી એમ વાત કરે છે જે, ભગવાનનું સ્વરૃપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી.એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે, એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિક જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈપણ એવી હિંમત રહિત વાત કરશો નહિ, સદા હિંમત સહિત જ વાત કરજ્યો, અને જે એવી હિંમત રહિત વાત કરે તેનો તો નપુંસક જાણવો, અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તે દિવસ ઉપવાસ કરવો.ટૂંકમાં નિષ્ફળતા જ, સફળતાના શિખરે પહોંચાડે છે. નિષ્ફળતામાંથી જ સફળતાનું ઝરણું પ્રગટે છે. પરંતુ એ માટે ધીરજ, ઉત્સાહ, આત્મવિશ્વાસ અને પોઝીટીવ વિચારધારા અને નિત્ય ભગવાનને પ્રાર્થના કરવાનો અભિગમ જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here