નિશા ગોંડલિયા કેસઃ બીટકોઈન કાંડના ખરા લાભાર્થી કોણ તેનું રહસ્ય ઘેરાયું

0
16
Share
Share

ગાંધીનગર,તા.૧૨
નિશા ગોંડલિયાએ જાતે જ પોતાના પર ફાયરિંગ કરાવ્યાનો ઘટસ્ફોટ થતાં જ વર્ષ પૂર્વે ગાજેલો બીટકોઈન કાંડ પુનઃ તાજો થયો છે. પરંતુ જે પ્રકારે ગુજરાત પોલીસ, સીઆઈડી ક્રાઈમ અને એટીએસ આખા કૌભાંડ પર પડદો જ પડેલો રહે તે રીતે ગોકળગાય ગતિએ તપાસ કરી રહી છે તે જોતાં નિશા ગોંડલિયા પર કોણે ફાયરિંગ કર્યું કે કરાવ્યું તે મુખ્ય મુદ્દો જ નથી, ખરેખર તો હાલની કિંમતે અબજોનું મૂલ્ય ધરાવતા આ બીટકોઈન કાંડના ખરા લાભાર્થી કોણ તેનું રહસ્ય જ આખા કાંડનો હાર્દ છે, જેના પરથી ધ્યાન હટાવવા સમયાંતરે નિશા ગોંડલિયા જેવા ઘટનાક્રમો થઈ રહ્યા હોવાનું સમજાય છે. ગુજરાત એટીએસ દ્વારા બેની જે ધરપકડ થઈ તેમણે કરેલી કબૂલાતમાં નિશા ગોંડલિયાએ પોતે જ આર્થિક ડખ્ખાને કારણે મિત્રની મદદથી પોતાના પર ફાયરિંગ કરાવ્યાનો ખુલાસો થયો હતો. બીજી તરફ રાજયના સૌથી મોટા બિટકોઈનકાંડમાં મુખ્ય સૂત્રધાર શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયા પાસેથી દુબઈ જયેશ પટેલે બિટકોઈનનો મોબાઈલ લૂંટી લીધો હોવાની જાહેરાત ઓગષ્ટ ૨૦૧૯માં કરી હતી.
ખરેખર નિશા ગોંડલિયા પાસે શૈલેષ ભટ્ટના મોબાઈલમાં લૂંટેલા અબજો રૂપિયાના બિટકોઈન પડયા હતા. આ બિટકોઈનનું પગેરુ પોલીસને ના મળે તે માટે ખેલ કરવામાં આવ્યો હોવાનું સીઆઈડી ક્રાઈમ માની રહી છે. કારણ કે, દુબઈ નિશા ગોંડલિયા શૈલેષ ભટ્ટનો મોબાઈલ લઈને ગઈ કેમ હતી, જામનગર એડવોકેટની હત્યા કેસનો આરોપી જયેશ પટેલ દુબઈમાં હોવાથી તેની મુલાકાત કરતા શૈલેષ ભટ્ટનો મોબાઈલ માગ્યો હતો અને તે મોબાઈલમાં શૈલેષ ભટ્ટે લૂંટેલા ૨૨૦૦ બિટકોઈન હતા. આ અંગે નિશા ગોંડલિયાએ દુબઈની પોલીસમાં ફરિયાદ કરી હતી. નિશા ગોંડલિયાએ અમદાવાદમાં પત્રકાર ૨૦મી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ પરિષદ યોજીને જણાવ્યુ હતુ કે, જામનગરના જયેશ પટેલને મળવા માટે દુબઈ ગઈ હતી.
તે વખતે જયેશ પટેલે તેના બનેવી શૈલેષ ભટ્ટે સાચવવા આપેલ મોબાઈલ લૂંટી લીધો હતો. આ સમયે નિશા ગોંડલિયાએ એવો દાવો કર્યો હતો કે, શૈલેષ ભટ્ટના મોબાઈલમાં ૫૦ કરોડના ૬૯૯ બિટકોઈન પડેલા હતા. જયારે સીઆઈડી ક્રાઈમનું કહેવુ હતુ કે, શૈલેષ ભટ્ટના મોબાઈલમાં ૧૫૦૦ બિટકોઈન હતા. સીઆઈડી ક્રાઈમે જ્યારે શૈલેષ ભટ્ટની ધરપકડ કરી ત્યારે શૈલેષ ભટ્ટ પાસેથી એક પણ બિટકોઈન કબજે કરી શકી નહોતી. અહી સવાલ ઉભો થાય છે કે, અબજો રૂપિયાના બિટકોઈન કોણ ગળી ગયુ તે રહસ્ય જ રહેશે કે કેમ? ઉલ્લેખનીય છે કે સીઆઈડી ક્રાઈમે બે વર્ષ પહેલાં અબજો રૂપિયાના બીટકોઈન કૌભાંડ ખોલ્યું હતું પરંતુ હજુ સુધી એકપણ બિટકોઈન ફ્રિઝ કરી શક્યું નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here