નારાજ કાર્યકર્તાઓને મનાવવા બોર્ડ નિગમમાં નિમણૂંકો કરશે ભાજપ

0
23
Share
Share

ગાંધીનગર,તા.૧૨

ભાજપમાં સંગઠનની સાથે સાથે બોર્ડ નિગમમાં પણ હવે નિમણૂંકો કરવામા આવશે. ૨૫થી વધુ બોર્ડ નિગમમાં વિવિધ નેતાઓની નિમણૂંકો કરવામાં આવશે. જેમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપનારા ૮ ધારાસભ્યોમાંથી ૫ નેતાઓને બોર્ડ નિગમમાં સ્થાન મળશે. ત્યારે ભાજપ સંગઠનની સાથે સાથે મોટા બદલાવ પર જોર આપી રહ્યું છે. લાંબા સમય બાદ બોર્ડ નિગમમાં ભાજપ સરકાર નિમણૂંકો કરવા જઈ રહી છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓને કહ્યું હતું કે, સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવશે, જેના કારણે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રમુખે સતત પોતાના સંબોધનમાં ખાતરી આપી હતી કે, મોટા ફેરફાર જોવા મળશે અને તેઓની ફરિયાદો દૂર થશે.

લાંબા સમયથી ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની એવી માંગ હતી કે, બોર્ડ નિગમમાં નવી નિમણૂંકો કરવામાં આવે. બોર્ડ નિગમમાં હંમેશા પક્ષ પોતાના એવા નેતાઓને સ્થાન આપે છે, જેઓને સંગઠનમાં સ્થાન આપી શકાતુ નથી કે ધારાસભ્યપદે ચૂંટણી લડાવી શકતું નથી. આવા નેતાઓને બોર્ડ નિગમમાં જગ્યા આપીને ખુશ કરવામાં આવતા હોય છે. જ્યાં પણ જરૂર પડે ત્યારે આવા નેતાઓનો ઉપયોગ કરવામા આવે છે. બોર્ડ નિગમમાં દરેક સમાજ વર્ગ ને પ્રતિનિધિત્વ મળે તેવો પ્રયાસ અહી હોય છે, જેનો ઉપયોગ દરેક પક્ષ કરતું હોય છે. લાંબા સમયથી બોર્ડ નિગમમાં નિયુક્તિ કરવામાં આવી નથી. જેથી નેતાઓ અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી હતી. કારણ કે, એક નેતા સાથે હજારો કાર્યકર્તાઓ જોડાયેલા હોય છે. ત્યારે આ કાર્યકતાઓનો વિશ્વાસ ટકાવી રાખવા માટે હવે આ ચેન્જિસ કરવામાં આવે છે.

પરંતુ હવે ભાજપમાં ૨૫ થી ૩૦ બોર્ડ નિગમ ભરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. શ્રાદ્ધ પક્ષ પૂરૂ થશે તેના બાદ તમામ નિમણૂંક કરવામાં આવશે. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર ૮ માથી ૫ નેતાઓને પણ સ્થાન અપાશે. ત્યારે સવાલ એ છે કે શું આ પક્ષપલટુ નેતાઓને ભાજપ વિધાનસભાની ટિકીટ નહિ આપે. તેઓને પક્ષપલટા દરમિયાન કમિટમેન્ટ અપાયું હતું કે, આ નેતાઓને ટિકીટ આપીને ચૂંટણી લડાવાશે. પરંતુ સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, જો આ પાંચ નેતાઓને ચૂંટણી લડાવવામા આવશે તો સ્થાનિક નેતાઓની નારાજગીનો સામનો પક્ષને કરવો પડી શકે છે. આવામાં ભાજપ આ બેઠકો જીતવાને બદલે ફરીથી ગુમાવી શકે છે. તેથી આ બદલાવ કરાયો છે કે, પાંચ નેતાઓને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવે. પરંતુ તેઓ માની જશે કે સંગઠનને મનાવવું પડશે તે મોટો પ્રશ્ન છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here