નવસારી,તા.૧૯
દરેક રાજકીય પાર્ટીએ પોતાના વોર્ડમાં કાર્યાલયનું ઉદઘાટન કરવા સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા છે પણ ચૂંટણી મેનિફેસ્ટો જે પાંચ વર્ષમાં પોતાના વોર્ડ અને સમગ્ર નગરપાલિકામાં રોડ મેપનું કામ કરે છે તે બનાવવા અંગે ભાજપ અને કોંગ્રેસ પૈકી કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં ફ્રી વાઈફાઈ સેવા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.રખડતા ઢોરને કાબુ કરવુંતે કોંગ્રેસમાં મેનિફેસ્ટોમાં પ્રાથમિકતા રખડતા ઢોર મામલે જ્યારે અનેક પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે અને અનેક રાહદારીઓએ ઇજાગ્રસ્ત થઇને રખડતા ઢોરનો ભોગ બની ચૂક્યા છે ત્યારે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં પાંજરાપોળ બનાવવાની જાહેરાત કરી છે અને મતદારોને આ મામલે આકર્ષવા માટે મહત્વના મુદ્દાને પોતાના મેનિફેસ્ટોમાં સ્થાન આપ્યું છે.
ભાજપના શહેર પ્રમુખ પરેશ કાસુન્દ્રાને મેનિફેસ્ટો વિશે પૂછતાં તેઓ દ્વારા આગામી બે દિવસમાં મેનિફેસ્ટો જાહેર થશે તેવી વાત કહી હતી. ભાજપના ઉમેદવારો પોતાના બોર્ડમાં હાલ મેનિફેસ્ટો વગર પ્રચાર અર્થે નીકળ્યા છે ત્યારે કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર થયા બાદ ભાજપ શહેરના કયા સળગતા મુદ્દાને પ્રાથમિકતા આપે છે અને કઈ કઈ સુવિધા આપશે તેના પર પણ શહેરની નજર રહેલી છે.
આ વખતની નવસારી વિજલપુર નગરપાલિકામાં ડહોલ્યું પાણી અને રખડતા ઢોર એ બે મહત્વના મુદ્દા છે. જેમાં સતા મેળવનાર પક્ષે આ સમસ્યા ગણતરી દિવસોમાં હલ કરવી પડશે. શહેરના ૧૩ વોર્ડ પૈકી મોટાભાગના વોર્ડમાં ગંદા પાણીથી શહેરીજનો ત્રસ્ત છે ત્યારે કોંગ્રેસ બાદ ભાજપના ચૂંટણી ઢઢેરો કેવો હશે તેના પર સૌની નજર છે.