નર્મદા નદી ભયજનક લેવલથી ૪ ફૂટ દૂર, ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા

0
19
Share
Share

ભરૂચ,તા.૨૩

ભરૂચ નજીક નર્મદા નદીના જળ સ્તર ફરી ૧૮ ફૂટે પહોંચ્યા છે. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ ૨૨ ફૂટ છે, ત્યારે તે વોર્નિંગ લેવલથી માત્ર ૪ ફૂટ દૂર છે. ત્યારે આવામાં નર્મદાવાસીઓ પર ફરી મુસીબત આવે તેવી શક્યતા છે. નર્મદા ડેમ માંથી પાણી છોડતા નદી ૨૨ ફૂટના વોર્નિંગ લેવલને પાર કરે એવી શક્યતા દેખાઈ રહી છે. આ ચોમાસાની સીઝનમાં આ બીજીવાર થયું છે જેમાં નર્મદા નદી ભયજનક સપાટી પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નર્મદા ડેમની સપાટી વધી રહી છે. નર્મદા ડેમની સપાટી ૧૩૬.૭૮ મીટરે પહોંચી છે. નર્મદા ડેમના ૧૦ ગેટ ૧.૫ મીટર સુધી ખોલીને ૨.૩૦ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. જેને પગલે ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી ૧૮ ફૂટે પહોંચી છે.

ડેમમાંથી ૪ લાખ ક્યૂસેક પાણી છોડવાની સંભાવના છે. જેથી નર્મદા નદીમાં પાણીની વધુ આવક થઈ શકે છે. આવુ થયું તો નર્મદા નદીની સપાટી પણ વધી જશે. નર્મદા નદીનું લેવલ વધશે તો ચાર જિલ્લાને અસર પડશે. નર્મદા નદીનું લેવલ વધતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ૫૨ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા કાંઠાના ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ અને વાગરાના નદી કાંઠાના ૨૩ ગામોને અલર્ટ કરાયા છે. નર્મદા ડેમ ખાતે સીએચપીએચના ૫ ટર્બાઇન અને આરબીપીએચના ૬ ટર્બાઇન હાલ ચાલુ છે. આજે ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ અંકલેશ્વર મામલતદાર કચેરી નજીક ટાવર ઉપર વીજળી પડી છે. કડાકા ભડાકા સાથે વીજળી ત્રાટકતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદી માહોલ રહેશે. તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે જ ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલથી ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. તો સાથે જ ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં ૧૩૨ ટકા વરસાદ રહ્યો છે. ત્યારે અરબી સમુદ્રમાં ફરીથી લો પ્રેશર સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨ દિવસ વરસાદી માહોલ રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here