નગરોટામાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના ૪ આતંકીને ઠાર માર્યા

0
18
Share
Share

ડીડીસી ઈલેક્શન પહેલા અથડામણ, ૪ આતંકવાદી ઠાર, જવાનોને સામાન્ય ઇજાઃ ડીજીપી

દારૂગોળો લઈને શ્રીનગર જઈ રહેલા આતંકીઓએ સરન્ડર કરવાની ના પાડતા સેનાએ રસ્તા વચ્ચે જ ટ્રક ઉડાવી દીધી, ૧૧ એકે-૪૭ રાઈફલ અને ૨૯ ગ્રેનેડ મળી આવી, જમ્મુ-શ્રીનગર હાઈવે પર સુરક્ષા વધારાઈ.

નગરોટા,તા.૧૯

જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના જવાનોએ એક વખત ફરીથી આતંકવાદીઓના નાપાક ઈરાદા પર પાણી ફેરવી દીધુ છે. પાકિસ્તાનથી ઘૂસણખોરી કરીને ટ્રકમાં બેસીને ઘાટી જવાનો પ્રયત્ન કરી રહેલા ૪ આતંકવાદીઓને સુરક્ષા બળોએ બન ટોલ પ્લાઝા નજીક ઠાર માર્યાં છે. આ તમામ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હતા. જે ટ્રકમાં છૂપાઈને આ આતંકવાદીઓ શ્રીનગર જઈ રહ્યાં હતા, તે ટ્રકને જ સુરક્ષા બળના જવાનોએ બોમ્બથી ઉડાવી દીધો છે. હાલ નગરોટા હાઈવે પર વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે અને જમ્મુ-શ્રીનગર હાઈવે પર પણ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બન ટોલ પ્લાઝા નજીકના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અથડામણમાં એસઈજીના ૨ જવાનો પણ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર જણાવાઈ રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સવારે ૫ વાગ્યાની આસપાસ બન ટોલ પ્લાઝા નજીક સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. ઘાટીમાં જઈ રહેલા વાહનોના ચેકિંગ માટે બન ટોલ પ્લાઝા પહેલા પોલીસે એક પોસ્ટ બનાવી છે. આ દરમિયાન સોપોર જોઈ રહેલા એક ટ્રકને તપાસવા માટે પોલીસે અટકાવ્યો, ત્યારે પાછળ છુપાયેલા આતંકવાદીઓએ ગભરાઈને ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીઓનો અવાજ સાંભળીને અન્ય જવાનોએ પોતાની પોઝીશન લઈ લીધી અને જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. આ વખતે પોલીસની એસઓજી ટીમ, સેના અને સીઆરપીએફનો સંયુક્ત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઈવે પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી. ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા કર્મચારીઓએ ટ્રાફિકમાં ફસાયેલા વાહનોમાં બેઠેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. અથડામણ શરૂ થયાના દોઢ કલાકની અંદર જ જવાનોએ ટ્રકમાં છૂપાયેલા ૩ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

જ્યારે એક જીવિત આતંકવાદી ફાયરિંગ કરી રહ્યો હતો. જવાનોએ તેને આત્મસમર્પણ કરવા કહ્યું, પરંતુ તેણે ઈન્કાર કરતાં વિસ્ફોટકની મદદથી આખા ટ્રકને જ ઉડાવી દેવામાં આવ્યો હતો. જેમાં ચોથો આતંકવાદી પણ ઠાર મરાયો હતો. સેનાના સુત્રોનું કહેવું છે કે, જે સમયે અથડામણ શરૂ થઈ, તે સમયે ગાઢ અંધકાર હતો. આથી કોઈ આતંકવાદી ટ્રકમાંથી નીકળીને જંગલમાં છૂપાયો ના હોય તેની ખાતરી કરવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બન ટોલ પ્લાઝા પર આ વર્ષમાં આ બીજો આતંકવાદી હુમલો છે. અગાઉ ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પણ પાકિસ્તાનથી ઘુસણખોરી કરીને આવેલા ત્રણ આતંકવાદીઓએ ટ્રકમાં છૂપાઈને ઘાટીમાં જવાનો પ્રયત્ન કર્યો હતો. જેને જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. બીજી તરફ પોલીસના એક અધિકારીનું કહેવું છે કે, આ એક તપાસનો વિષય છે કે, ટ્રકમાં છૂપાઈને ઘાટી તરફ જઈ રહેલા આ ચારેય આતંકવાદીઓ આખરે અહીં સુધી કેવી રીતે પહોંચ્યા? શું તેમણે તાજેતરમાં જ સરહદ પાર કરીને ઘુસણખોરી કરી હતી કે, તેઓ પહેલાથી જ અહીં છૂપાયા હતા?

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here