ધ્રોલ : મંગેતર સાથે ઝઘડો થતા પ્રેયસીનો આપઘાત

0
23
Share
Share

જામનગર, તા.૨૮

મુળ મધયપ્રદેશના વતની અને હાલ ધ્રોલમાં રહીને ખેત મજુરી કામ કરતા મહેશભાઈ મગનભાઈ રાણે નામના પરપ્રાંતિય શ્રમિકની ૧૯ વર્ષની પુત્રી પિન્કીબેન કે જે પોતાના પિતાને ખેતીવાડીના મજૂરી કામમાં મદદ કરાવે છે જેનુ તાજેતરમાં જ સગપણ પોતાના વતનમાં થયું હતુ અને પોતાના મંગેતર સાથે ટેલિફોનમાં વાતચીત કરી હતી. જેની સાથેની વાતચીત દરમિયાન મંગેતર સાથે બે દિવસ પહેલા ઝઘડો થયો હતો. જેમાં તેણીને માઠું લાગી આવતા ગત ૨૩મીએ પોતાની વાડીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આથી તેણીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ત્રણ દિવસની સારવાર પછી તેણીનુ મૃત્યુ નીપજ્યું છે.

લાલપુર : ભણગોર ગામે બિમારીથી કંટાળી મહિલાનો આપઘાત

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા ૫૫ વર્ષના એક મહિલાએ પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઈ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધા છે. ભણગોર ગામમાં રહેતી સતીબેન નગાભાઈ કરમુર નામની ૫૫ વર્ષની મહિલાએ ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનુ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર બાબુભાઈ નગાભાઈ કરમુરે પોલીસને જાણ કરતા લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવી અને વધુ તપાસ હાથ ધરી છે.

દરેડમાં પાણીની ખાણમાં ન્હાવા પડેલા ત્રણ પિતરાઈ ડુબતા એકનું મોત

મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં દરેડ જીઆઈડીસી ફેસ-૩ શેડ નંબર ૪૩૦૪ માં રહેતા અને મજૂરી કામ કરતા અજયકુમાર દોલતસિંહ પરિહારના બે પુત્રો રિતિક અજયકુમાર પરિહાર (ઉ.વ.૯) અને નિતીન અજય કુમાર પરિહાર (ઉ.વ.૧૨) તેમજ બંને ભાઈઓનો પિતરાઈ ભાઈ (રાજ ઉ.વ.૧૨) જે ત્રણેય ૧૨ વાગ્યાના અરસામાં અજયકુમારે નવી સાયકલ ખરીદ કરીને આપી હોવાથી ચક્કર લગાવવા માટે નીકળ્યા હતા અને મસીતીયા રોડ પર આવેલા એક પાણીના ખાડામાં નહાવા માટે પડ્યા હતા. જે દરમિયાન ખાડામાં પાણી ઉંડું હોવાના કારણે ત્રણેય પિતરાઈ ભાઈઓ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા અને બૂમાબૂમ કરી હતી. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ નિતીન તેમજ રાજ નામના બે પિતરાઈ ભાઈઓને પાણીમાંથી બહાર કાઢીને બચાવી લીધા હતા પરંતુ ૯ વર્ષનો નાનો ભાઈ રિતિક ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી જવાના કારણે તેનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતુ. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા જામનગરના પંચકોશી બી.ડીવીઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને  રિતિકના મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ અને મૃતદેહને તેના પિતાને સોંપી દીધો હતો. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. અન્ય બે ભાઈઓને લોકોએ સલામત રીતે બહાર કાઢી લીધા હોવાથી બંનેનો બચાવ થયો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here