ધોરણ ૩થી ૮ની એકમ કસોટી ૨૬થી ૨૮ ઓક્ટોબરે યોજાશે

0
22
Share
Share

અગાઉ આ કસોટી ૨૭થી ૨૯ ઓક્ટોબર દરમિયાન યોજવાની જાહેરાત કરાઈ હતીઃ ૧૮ નવેમ્બર સુધી વેકેશન

ગાંધીનગર તા. ૨૪

રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૨૯મી ઓક્ટોબરથી દિવાળી વેકેશન જાહેર કરાયું છે. દિવાળી વેકેશનની જાહેરાત બાદ એકમ કસોટીની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ધોરણ ૩થી ૮ની એકમ કસોટી ૨૭થી ૨૯ ઓક્ટોબર દરમિયાન લેવાની હતી. જો કે, હવે પરીક્ષા ૨૬થી ૨૮ ઓક્ટોબર દરમિયાન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષાને આડે હજી ત્રણ દિવસ છે ત્યારે શિક્ષણ વિભાગે પ્રશ્નપત્રો પણ જાહેર કરી દીધા છે. જેથી ઘણી શાળાઓ નિયત તારીખ પહેલા પરીક્ષા લઈ શકશે. તો અમુક શાળાઓએ વેકેશનમાં કાપ મૂક્યો છે અને ૫ નવેમ્બરથી વેકેશન શરૂ કરવાની જાહેરાત કરી છે.

રાજ્યમાં હાલ કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓનલાઈન અભ્યાસ શરૂ કર્યા બાદ શિક્ષણ વિભાગે દર મહિને એકમ કસોટી લેવાનું નક્કી કર્યું હતું. જે મુજબ ત્રણ એકમ કસોટી યોજાઈ ચૂકી છે અને ચોથી એકમ કસોટીથી ૨૭-૨૯ ઓક્ટોબર વચ્ચે લેવાની જાહેરાત કરાઈ હતી. શિક્ષણ વિભાગની જાહેરાત બાદ થોડા જ દિવસમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન જાહેર કરાયું હતું. પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ આ દિવસોમાં જ દિવાળીની રજાઓ રહેશે તેવી જાહેરાત કરી હતી.

દિવાળી વેકેશનના પગલે એકમ કસોટીને અસર થતી હોવાથી તેના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. જે મુજબ, હવે ૨૬થી ૨૮મી ઓક્ટોબર દરમિયાન એકમ કસોટી યોજાશે. એકમ કસોટીના પ્રશ્નપત્રો તૈયાર થઈ ગયા છે અને શિક્ષણ વિભાગે જાહેર કરી દીધા છે. પ્રશ્નપત્રો ઓનલાઈન મૂકાઈ જતાં ઘણી શાળાઓએ વિદ્યાર્થીઓને અત્યારે જ લખવા માટે આપી દીધા છે. જેથી વહેલી તકે વિદ્યાર્થીઓ પેપર લખીને શાળામાં જમા કરાવી શકે.

અગાઉ ૫ નવેમ્બર સુધીમાં પેપર લખીને જમા કરાવવાના હતા પરંતુ આ દિવસોમાં દિવાળી વેકેશન હોવાથી હવે ૨૫ નવેમ્બર સુધીમાં જમા કરાવવાના રહેશે, તેમ જણાવાયું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, કેટલીક શાળાઓએ દિવાળી વેકેશનમાં એક અઠવાડિયાનો કાપ મૂક્યો છે. આ શાળાઓએ ૨૯ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી એકમ કસોટી લેવાનું આયોજન કર્યું છે. ત્યારબાદ ૫થી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન આપશે. જો કે, ડિસેમ્બરમાં ક્રિસમસ વેકેશન આપવાનું હોવાથી દિવાળી વેકેશની રજાઓ ટૂંકાવાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here