ધારાસભ્ય છોટુ અને મહેશ વસાવાએ રાષ્ટ્રપતિને પત્ર લખી કરી સુરક્ષાની માંગ

0
17
Share
Share

પોતે મારેલી રાજકીય ગુલાંટબાજી નહીં, મીડિયામાં તેના આવતા રિપોર્ટ પર બંને ધારાસભ્યોએ દોષનો ટોપલો ઢોળ્યો

રાજપીપળા,તા.૨૫

ગુજરાતમાં ૧૯ જૂનના રોજ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીનો બહિષ્કાર કરનારા બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતાના જીવને જોખમ હોવાથી સુરક્ષાની માંગ માટે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ મીડિયાએ બદનામી કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતે મારેલી રાજકીય ગુલાંટબાજી નહીં પણ મીડિયામાં તેના આવતા રિપોર્ટ પર બંને ધારાસભ્યોએ દોષનો ટોપલો ઢોળ્યો છે. ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તમને નિવેદન કરીએ છીએ કે,

ગુજરાતમાં ૧૯ જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ અનુસૂચી-૫ના અમલ અને આદિવાસીઓના સંવૈધાનિક અધિકારોના અમલ ના થવાના કારણે રાજ્યસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. વધુમાં તેઓએ પત્રમાં જણાવ્યું છે કે, ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ અમરસિંહ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા કેટલાય વર્ષોથી સામાજિક ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. સમાજમાં વર્ગ વિગ્રહ જેવો માહોલ વધી રહ્યો છે અને અસમાનતાને કારણે સામંતવાદી તાકાતને વધારો કરવાવાળા લોકોને સામાજિક એકતા પસંદ નથી. જેના કારણે સામાજિક વિઘટન થઇ રહ્યું છે. દેશમાં શાંતિનો માહોલ થવો જરૂરી છે. વિરોધી પક્ષોને કારણે અમારા જીવને જોખમ છે.

ભૂતકાળમાં પણ ફેંક એન્કાઉન્ટર માટે ગુજરાત અને રાજ્યની પોલીસ અને સ્થાનિક જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ અને અસામાજિક તત્વોએ રાજકીય ષડયંત્રો કર્યાં હતા અને ભવિષ્યમાં પણ થવાની સંભાવના છે. રાજકીય પાર્ટીઓમાં  વિભાજીત પ્રિન્ટ મીડિયા અમારા વિરોધી બદનામી યુક્ત નિવેદન કરીને તણાવ વધારી રહી છે. અમારા પર જીવલેણ હુમલો થવાની સંભાવનાને જોતા અમારી સુરક્ષાની વ્યવસ્થા કરવી જરૂરી છે. અમારી સલામતીથી જોડાયેલી ગંભીર બાબતો પર ધ્યાન ન આપ્યું તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે. કૃપા કરીને જલ્દી અમારી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here