બનાસકાંઠા,તા.૨૦
ધાનેરા તાલુકાના એટા ગામમાં રહેતા ૧૪ વર્ષીય જિગરનું ૫૦ દિવસ પહેલા ખેતતલાવડીમાં પડતા ડૂબી જતા મોત થયું હતું, જેની દફનવિધિ પણ થઈ ગઈ હતી, પરંતુ મૃતકના પિતા આયદાનભાઈને સમગ્ર મામલે શંકા જતા ફરી પીએમ કરવાની માગ કરી હતી. તેમણે ધાનેરા મામલતદાર સહિત જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી, જેના આધારે આજે ધાનેરા પોલીસ, ડોક્ટર અને મામલતદારના સ્ટાફ સહિતની ટીમ દફનવિધિ સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.
મૃતકના પિતાનું માનીએ તો લોકોના કહેવા પ્રમાણે તેમના પુત્રનું મોત ખેત તલાવડીમાં ડૂબવાથી થયું છે તેમ માની લીધું પરંતુ તેની દફનવિધિ બાદ તપાસ કરતા જે જગ્યાએ તેને મૃત્યુ બતાવવામાં આવી રહ્યું છે. તે ખેતતલાવડીની ચારે બાજુ ઝટકા મશીનના તાર મૂકેલા છે તો તેમનો પૂત્ર અંદર કઈ રીતે પડ્યો તે અંગે તેમને શંકા ગઈ હતી અને જો તેમના પૂત્રનું ઝટકા મશીનના કરંટથી મૃત્યુ થયું હોય તો તે ખેતરમાલિક સહિત બે સામે હત્યાની ફરિયાદ થવી જોઈએ.
આ સમગ્ર ઘટનામાં અત્યારે તો પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ ખરેખર મૃત્યુ કયા કારણોસર થયું છે ડૂબવાથી થયું છે કે પછી કરંટ લાગવાથી તે તો પીએમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે.