ધાનપુર વાંસીયા ડુંગરી રેન્જમાં દિપડાનો આતંકઃ સાત વર્ષની બાળકીને ફાડી ખાધી

0
29
Share
Share

દાહોદ,તા.૧૧

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં આવેલ શણગાસર ગામમાં લઘુશંકા કરવા ઘરની બહાર  આવેલી ૭ વર્ષની બાળા પર હુમલો કરીને દિપડો તેને  જંગલમાં ખેંચી લઈ જતા વધુ એક બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજયું  હોવાની ઘટના બની હતી. ઘટના સ્થળથી સાતસો મીટર દૂર વનવિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં એક દિપડો પણ ઝડપાઇ ગયો હતો. આ દિપડો હુમલાખોર જ હતો કે કેમ? તે બાબતે તંત્ર પણ હવે મૂંઝવણમાં મૂકાઇ ગયુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ધાનપુર તાલુકાના શણગાસર ગામે કાળાભાઈ માંદુભાઈ નિનામાની સાત વર્ષીય દિકરી શિલ્પા  લઘુશંકા કરવા ઘરની બહાર નીકળી હતી. તે સમયે એક દિપડાએ શિલ્પાના ગળાના ભાગે બચકુ ભરી જંગલમાં ખેંચી લઇ ગયો હતો.

બાળકીની ચીસોથી ભેગા થયેલા પરિવારજનો તેમજ આસપાસના લોકોમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.  ગ્રામજનોએ તાત્કાલીક વનવિભાગને જાણ કરાતાં વાંસીયા ડુંગરી રેન્જના ફોરેસ્ટર  સહીતનો વનવિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાળકીની શોધ ખોળ આદરતા નજીકના ઉમરાવાળા ભાગમાં બાળકીના શરીરના કેટલાક અવયવો મળી આવ્યા હતા. આ મૃતદેહનો કબ્જો લઇને તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

બીજી બાજુ વનવિભાગ દ્વારા હુમલાખોર દિપડાને પકડવા માટે કવાયત શરૂ કરી દીધી હતી. છેલ્લા એક મહિનામાં વાંસીયા ડુંગરી રેન્જમાં દિપડાએ માનવ વસ્તી પર હુમલો કરીને ૨૨ લોકો શિકાર બનાવ્યા છે. આ હુમલામાં માર્યા ગયેલી બાળકી સહિત ત્રણ લોકોના અત્યાર સુધીમાં મોત પણ થયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here