સુરેન્દ્રનગર,તા.૧૩
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ધ્રાંગધ્રાનાં જેગડવા અને રાજગઢમાં ખનીજ ચોરી અંગે દરોડા પાડ્યા હતા. જેમા સફેદ માટીનું ગેરકાયદેસર રીતે ખનન કરતા બે હિટાચી મશીન રૂપિયા ૬૫ લાખનાં પકડાયા હતા. ધ્રાંગધ્રા પંથકમાં મળી આવતી સફેદ માટીની સીરામીક ઉદ્યોગમાં ભારે માંગ રહે છે. આથી આ માટીની બેફામ ચોરી થાય છે.
ત્યારે ખાણ ખનીજ અધિકારી વિજય સુમેરા, કિરણ પરમાર સહિતનાઓએ ધ્રાંગધ્રા તાલુકાના જેગડવામાં ડ્રોનની મદદથી સફેદ માટીનું ગેરકાયેસર ખનન ઝડપી લીધુ હતુ. જેમાં ધ્રાંગધ્રાના રણજીતભાઇ પઢીયારની માલીકીનું રૂપિયા ૩૫ લાખનું હિટાચી મશીન જપ્ત કરી જેગડવા ગ્રામ પંચાયતને સોંપાયુ છે. આ ઉપરાંત વધુ તપાસ કરતા રાજગઢ ગામેથી ધ્રાંગધ્રાના મહેશભાઇ રબારીની માલીકીનું હીટાચી મશીન પણ જપ્ત કરાયુ હતુ. રૂપિયા ૩૦ લાખની કિંમતના આ મશીનને રાજગઢ ગ્રામ પંચાયતને સોંપાયુ છે.